જેરૂસલેમમાં તાજેતરના તનાવ અને અથડામણએ ગાઝા પટ્ટીમાં ધાતક વળાંક લઈ લીધો છે. હમાસના હુમલાના જવાબમાં ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલો કર્યો છે. પેલેસ્ટાઇનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ હુમલાઓમાં નવ બાળકો સહિત 20 લોકોના મોત થયા છે. આ સિવાય 65થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાઇલી સૈન્યએ ટ્વિટર પર લખ્યું છે કે તેણે હવાઈ હુમલામાં હમાસના ત્રણ કાર્યકરોને નિશાન બનાવ્યા હતા અને તેમની હત્યા કરી દીધી હતી.
સેનાએ જણાવ્યું હતું કે,10 મેએ હમાસે ગાઝા પટ્ટીથી ઇઝરાઇલ તરફ 150 થી વધુ રોકેટ છોડ્યા હતા. ઇઝરાઇલની આયર્ન ડોમ સંરક્ષણ પ્રણાલી દ્વારા આ પ્રકારના ઘણી રોકેટનો નાશ કરવામાં આવ્યો હતો.
ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ‘દેશ મોટા બળ સાથે જવાબ આપશે’. તેમણે કહ્યું કે, “જેરૂસલેમ ડે પર ગાઝામાં આતંકવાદી સંગઠનોએ રેડ લાઇનને પાર કરી અને જેરૂસલેમની સીમઓ પર મિસાઇલોથી હુમલો કર્યો.”
જેરુસલેમમાં તણાવ
પાછલા કેટલાક દિવસોથી ઇઝરાઇલી સુરક્ષા દળો અને પેલેસ્ટિનિયન વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે. 7મેના રોજ જેરૂસલેમના અલ-અક્સા મસ્જિદના કમ્પાઉન્ડમાં ઘર્ષણ બાદ તણાવ વધ્યો છે.
પેલેસ્ટિનિયન બચાવકર્તાઓએ 10 મેના રોજ કહ્યું હતું કે, 300થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે ઇઝરાયલી પોલીસનું કહેવું છે કે, બે ડઝન અધિકારીઓને ઈજા પહોંચી છે.
10 મેની રાત સુધીમાં હમાસ આંદોલન દ્વારા જેરુસલેમના શેખ જાર્રાહ વિસ્તારમાં ઇઝરાયલી લોકો અને પોલીસ વસાહતીઓને પાછા ખેંચવાનો અલ્ટીમેટમ બહાર પાડવામાં આવ્યો. તે પૂરો થયાના થોડા જ સમયમાં રોકેટ હુમલાના સમાચાર આવ્યા હતાં.
હમાસે રોકેટ હુમલા પર શું કહ્યું ?
હમાસના પ્રવક્તાએ કહ્યું કે,રોકેટ ઇઝરાઇલ માટે ‘સંદેશ’ છે અને ‘તેમના ગુનાઓ અને પવિત્ર શહેર વિરુદ્ધ આક્રમણ અંગેની પ્રતિક્રિયા’ છે. ગાઝામાં ઇસ્લામિક જેહાદ જૂથે પણ જવાબદારી સ્વીકારી છે.
ઇઝરાઇલી સૈન્યના પ્રવક્તાએ કહ્યું કે, આ હુમલામાં અનેક પેલેસ્ટિનિયન સંગઠનોનો હાથ હતો, પરંતુ હમાસને દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઇઝરાઇલનો હેતુ ગાઝા પટ્ટીમાં હુમલો કરીને હમાસને મોટું નુકસાન પહોંચાડવાનો હતો.વેસ્ટ બેન્ક અને જેરૂસલમના અરબ-બહુલ પૂર્વી વિસ્તારમાં સ્થિતિ રમજાન મહીનાની શરૂઆતથી જ તંગદિલીભર્યું રહ્યું છે.