ગોંડલ એ.પી.એમ.સી અને ભુજ “સેન્ટ્રલ ઓફ એક્સેલન્સ ફોર ડેટપામ” થી પ્રભાવિત
ભારતની પ્રગતિશીલ કૃષિને નિહાળી ખેડૂત સાથે મુલાકાત કરી ખેતી અંગે વાર્તાલાપ કરવા ઇઝરાયેલી એમ્બેસેડર યેર એશેલએ ઈન્ડો ઈઝરાયેલ વર્ક પ્લાન-2 અંતર્ગત ગુજરાતમાં બનેલ ચાર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપની મુલાકાત લીધી હતી.
જે અંતર્ગત તાજેતરમાં રાજકોટ ખાતે બાગાયતી ખેતી કરતા પ્રગતિશીલ ખેડુત અક્ષિતભાઇ પ્રજાપતિની મુલાકાત પણ ઈઝરાયેલી એમ્બેસેડર શ્રીમાન યેર એશેલે કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે સયુંકત બાગાયત નિયામકશ્રી આર.એચ લાડાણી તેમજ નાયબ બાગાયત નિયામક એ.એમ.દેત્રોજા ઉપસ્થિત રહ્યા હતા.
ઈઝરાયેલી એમ્બેસેડર યેર એશેલે રાજકોટના ખેડૂત અક્ષિતભાઇના સાહસની પ્રશંસા કરી રાજીપો વ્યક્ત કર્યો હતો કે, ગુજરાતના ખેડૂત પોતાના જ ખેતરની પ્રોડક્ટનું મૂલ્યવર્ધન કરી બાગાયતી પાકોમાંથી બનતી ફ્રેશ પ્રોડક્ટનું પોતાની આગવી માર્કેટિંગ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી વેચાણ કરે છે. જે આજે રાજકોટમાં સારી એવી નામના ધરાવે છે.
વધુમાં રાજકોટની ઇઝરાયેલી એમ્બેસેડર યેર એશેલની મુલાકાત દરમિયાન રાજકોટની નજીક આવેલી પ્રખ્યાત એ.પી.એમ.સી ગોંડલની પણ મુલાકાત લીધી હતી. જેમાં સૌરાષ્ટ્રભરના વિસ્તારમાંથી આવતી અલગ અલગ જણસી, લાલ મરચા, ડુંગળીની ગુણવત્તા અને નવી ટેકનોલજી અંગે વાર્તાલાપ કર્યો હતો. સાથે એપીએમસી ગોંડલની કામગીરીની પણ નિહાળી પ્રસંશા કરી હતી. જેમાં તેમની સાથે એપીએમસી ગોંડલના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, ડાયરેક્ટર સહદેવસિંહ અને પ્રદિપભાઇ કાલરીયા-એગ્રોનોમીસ્ટ પણ સાથે રહી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ ઉપરાંત ભુજ ખાતેના “સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડેટપામ”ની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.