ઇઝરાયેલએ ગાઝા પર ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કર્યાનો દાવો
આંતરરાષ્ટ્રીય ન્યુઝ
ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે. ઇઝરાયેલ હવે હમાસને નેસ્ત નાબૂદ નહિ કરી નાખે ત્યાં સુધી અટકવાનું નામ નહિ લ્યે. તેવામાં ઇઝરાયેલ દ્વારા ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કર્યાના પણ દાવા થઈ રહ્યા છે. હાલ યુદ્ધમાં મૃત્યુઆંક 1500ને પાર થઈ ગયો છે.
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ હવે એવા તબક્કામાં પ્રવેશી ગયું છે કે તેનો અંત ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ એ તો પૃથ્વી પરથી હમાસનું અસ્તિત્વ જ ભૂસી નાખવાના સોગંદ લઈ લીધા છે ત્યાં ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં નિરંતર હુમલા કરવામાં આવી રહ્યા છે.
જ્યારે હ્યુમન રાઈટ્સ વોચે ઈઝરાયલ સામે ગાઝા અને લેબેનોનમાં તેના સૈન્ય અભિયાન દરમિયાન સફેદ ફોસ્ફરસ હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે આવા હથિયારોના ઉપયોગથી નાગરિકોને ગંભીર અને લાંબા ગાળાની ઈજાઓ પહોંચવાનો ખતરો વધી ગયો છે. જોકે ઈઝરાયલી સૈન્યએ ગાઝામાં આવા કેમિકેલ વેપન્સ વાપરવાના અહેવાલો નકારી કાઢ્યા છે.
જોકે હ્યુમન રાઇટ્સ વોચે કહ્યું કે તેણે 10 ઓક્ટોબરે લેબેનોન અને 11 ઓક્ટોબરે ગાઝામાં લેવાયેલા વીડિયોને વેરિફાઈ કર્યા છે જેમાં ગાઝા સિટી પોર્ટ અને ઈઝરાયલ-લેબેનોનની સરહદ સાથે બે ગ્રામીણ સ્થળોએ તોપખાનાથી ઝિંકાયેલા સફેદ ફોસ્ફરસના અનેક હવાઈ વિસ્ફોટ દેખાયા હતા. સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કાયદાકીય રીતે યુદ્ધના મેદાનોમાં સ્મોક સ્ક્રિન બનાવવા, રોશની પેદા કરવા, લક્ષ્યોને ટારગેટ કરવા કે બંકરો અને ઈમારતોને સળગાવવા માટે કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય સંમેલન હેઠળ સફેદ ફોસ્ફરસને રાસાયણિક હથિયાર તરીકે પ્રતિબંધિત નથી કરાયો પણ તે ગંભીર બળતરાં પેદા કરી શકે છે. તેને એક આગ લગાવવાના હથિયાર તરીકે મનાય છે.
ભારતનું તટસ્થ વલણ : ઇઝરાયેલને સમર્થન આપ્યા બાદ પેલેસ્ટાઈનના સાર્વભૌમત્વની પણ કરી હિમાયત
ગાઝા પટ્ટી પર ઈઝરાયેલની જબરદસ્ત સૈન્ય કાર્યવાહી વચ્ચે પેલેસ્ટાઈન અને હમાસને લઈને ભારતનું સ્પષ્ટ વલણ સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું કે ઇઝરાયેલ પર હમાસના હુમલા અંગે ભારતનું વલણ સ્પષ્ટ છે, ભારત તેને આતંકવાદી હુમલો માને છે. તેમણે કહ્યું, જ્યાં સુધી પેલેસ્ટાઈનનો સંબંધ છે, ભારતે હંમેશા વાતચીત દ્વારા માન્યતા પ્રાપ્ત સરહદોની અંદર રહેતા પેલેસ્ટાઈનીઓ માટે એક સાર્વભૌમ અને સ્વતંત્ર રાજ્યની સ્થાપનાની હિમાયત કરી છે.
બંધકોને મુક્ત કર્યા બાદ ગાઝા પટ્ટીમાં વીજળી અને પાણી વિતરણ પૂર્વવત કરાશે
ઇઝરાયેલના ઉર્જા પ્રધાન ઇઝરાયેલ કાત્ઝે જણાવ્યું હતું કે જ્યાં સુધી હમાસ આતંકવાદી જૂથ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ગાઝા પટ્ટીમાં વીજળી, ઇંધણ અથવા પાણીનો પુરવઠો નહીં હોય. ઈઝરાયેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદી જૂથે 7 ઓક્ટોબરે કરેલા હુમલા બાદ ગાઝામાં 150 લોકોને બંધક બનાવ્યા છે.
ઇઝરયેલ ગાઝા પટ્ટી ઉપર સૈન્ય શાસન સ્થાપવાની તૈયારીમાં
ઇઝરાયેલ ગાઝાપટ્ટી ઉપર સતત હુમલો કરી રહ્યું છે. ઉપરાંત મોટાભાગના વિસ્તારો તેને કબ્જે પણ કરી લીધા છે. હવે ઇઝરાયેલ આ વિસ્તારમાં સંપૂર્ણ કબજો કરી ત્યાં સૈન્ય શાસન સ્થાપવાની તૈયારીઓ કરી રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો કે આ સાશન અસ્થાયી રૂપે સ્થાપવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.