કોરોનાને નાથવા સંશોધન કરી અસરકારક ઉપાયો સુચવશે
કોરોના સામેની લડાઈમાં ઈઝરાયલે મદદનો હાથ લંબાવ્યો છે અને ૨૦ નિષ્ણાંતોની ટીમ ભારતની મદદ માટે નવીદિલ્હી પહોંચી છે. સંશોધકો, સુરક્ષા નિષ્ણાંતો સહિતનાં ૨૦ સભ્યોની ટીમ અદ્યતન તબીબી સાધનો પણ સાથે લાવ્યા છે. એક ખાસ વિમાન દ્વારા આ ટીમ સોમવારે દિલ્હી પહોંચી હતી. ઈઝરાયલની ટીમ દેશમાં સંશોધન કરવા સાથે કોરોનાના રેપીડ ટેસ્ટીંગ માટેના રસ્તા શોધવામાં પણ મદદ કરશે.
ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના ઓશિયા મામલાના ડે.ડાયરેકટર ગિલાડ કોહને એક બ્લોગમાં જણાવ્યું છે કે, આ મામલે બંને દેશો એકબીજાને મદદ કરશે અને સરકારની ભાવના વિકસાવશે. ઈઝરાયલનું આ કામ ભારતનો આભાર માનવા માટેનું છે. થોડા સમય અગાઉ ભારતે ઈઝરાયેલને દવા તથા કેટલાક તબીબના તપાસના સાધનો પણ સાથે આપ્યા હતા. અમે ભારતને વેન્ટીલેટરની અમારા દેશમાં નિકાસ કરવા મંજુરી આપી છે.
ઈઝરાયેલની આટીમમાં અલગ-અલગ ક્ષેત્રનાં ૨૦ નિષ્ણાંતો છે જે કોરોનાની તપાસમાં ભારતને મદદ કરશે. આ ટીમને ભારત લાવવામાં ઈઝરાયેલના રાજદુત રોન મલકાએ મહત્વની ભૂમિકા ભજવી છે. ટીમમાં શીબા મેડિકલ સેન્ટરના સંક્રમક રોગ નિષ્ણાંત પ્રો-નાટી કેલર પણ સામેલ છે. ઈઝરાયલ સ્વાસ્થય મંત્રાલયનાં ઈનોવેશન વિભાગનાં પ્રમુખ ઈટાઈ ગાર્ડન પણ આ ટીમમાં દિલ્હી પહોંચ્યા છે. અલગ-અલગ નિદાન ઉપાય પુરા પાડતી કંપનીઓના નિષ્ણાંતો પણ આ ટીમમાં ભારત આવ્યા છે. કેટલાય અદ્યતન સાધનોથી સજજ આ ટીમ દેશમાં કોરોનાને અસરકારક રીતે રોકવાના ઉપાયો વિશે સંશોધન કરશે. આ માટે ટીમ સંશોધન કરી દેશમાં ટેસ્ટીંગ કરવાના ઉપાયો સુચવશે અને ટેસ્ટીંગમાં લાવવા ભારતીય ટીમને મદદ કરશે.