- રૂ.1.35 લાખ સુધીનો પગાર અને અન્ય સુવિધા આપશે : 60 કામદારોની પ્રથમ બેચ રવાના, આવતા સપ્તાહે વધુ 1500 કામદારો જશે
ઇઝરાયેલ ભારતથી એક લાખ કામદારોને બોલાવી કામ આપશે. આ કામદારોને રૂ.1.35 લાખ સુધીનો પગાર અને અન્ય સુવિધા આપવામાં આવશે. આજે 60 કામદારોની પ્રથમ બેચ રવાના થઈ ગઈ છે. જ્યારે આવતા સપ્તાહે વધુ 1500 કામદારો જશે
ઈઝરાયલ અને ગાઝા યુધ્ધ વચ્ચે 60 જેટલા ભારતીય કામદારોની એક બેચ ઈઝરાયલ માટે રવાના થઈ ગઈ છે. ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને આ બાબતની જાણકારી આપી છે.આવનારા સપ્તાહમાં વધુ 1500 ભારતીય કામદારો ઈઝાયેલ માટે રવાના થશે. ભારતીય કામદારોને ઈઝરાયલમાં મોકલતા પહેલા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.ઈઝરાયલના રાજદૂતે કહ્યું હતું કે, ભારતીય કામદારોના કારણે બંને દેશોના સબંધોમાં હજી પણ વધારે નિકટતા આવશે તેવી આશા છે.
ઈઝરાયલ દ્વારા એક લાખ જેટલા ભારતીય કામદારોને ઈઝરાયલમાં વિવિધ ક્ષેત્રોમાં નોકરી આપવાની યોજના છે. ભારતીય કામદારો પેલેસ્ટાઈનના લોકોની જગ્યા લેશે. જેમને હમાસના આતંકવાદી હુમલા બાદ ઈઝરાયલે પોતાના દેશમાંથી પાછા પેલેસ્ટાઈન જવાની ફરજ પાડી છે.કામદારોની ભરતી માટે યુપી અને હરિયાણામાં પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સંખ્યાબંધ પ્રકારની ચકાસણી બાદ કામદારોની પસંદગી કરવામાં આવી છે.
હાલમાં તો 10000 કામદારોને ઈઝરાયલ મોકલવામાં આવશે અને ભવિષ્યમાં આ સંખ્યા એક લાખ સુધી પહોંચી શકે છે. ભારતીય કામદારોને 1.35 લાખ રુપિયા સુધીનો પગાર તેમજ બીજી સુવિધાઓ મળશે.કામદારો માટે એર ઈન્ડિયા દ્વારા વિેશેષ ફ્લાઈટની વ્યવસ્થા કરાઈ છે. ઈઝરાયલ પણ ચાર્ટર વિમાનો ભાડે લઈ રહ્યું છે. જેથી કામદારોને આસાનીથી મોકલી શકાય.