મુખ્યમંત્રીએ પ્રવાસની સફળ પૂર્ણતા બાદ ઇઝરાયેલ-ગુજરાત સહભાગીતાના વિવિધ ક્ષેત્રોમાં નક્કર કાર્યઆયોજન માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી-હાઇ પાવર કમિટી કાર્યઆયોજનને આખરી ઓપ આપશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ઇઝરાયેલનો સફળ પ્રવાસ પૂર્ણ કરીને આવેલા ગુજરાત પ્રતિનિધિમંડળો આ ૬ દિવસીય પ્રવાસ રાજ્યના કૃષિ આધારિત ગ્રામ્ય અર્થતંત્ર માટે ફળદાયી બની રહેવાનો છે.
વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ઇઝરાયેલ ગયેલા ગુજરાત પ્રતિનિધિમંડળે આ પ્રવાસમાં ઇઝરાયેલના કૃષિ અને જળવ્યવસ્થાપન ક્ષેત્રની તજજ્ઞતા, બેસ્ટ પ્રેકટીસીઝનો ગુજરાતમાં ઉપયોગ થઇ શકે તેની સંભાવનાઓ પર વિશેષ ફોકસ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઇઝરાયેલ પ્રવાસથી પરત આવીને ઇઝરાયેલ ગુજરાત વચ્ચે કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતાના નક્કર કાર્યઆયોજન માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને માર્ગદર્શન આપ્યું હતું.
વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં આ નક્કર કાર્યઆયોજન માટે હાઇ લેવલ કમિટી રચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ હાઇલેવલ કમિટીમાં મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પાણી પુરવઠા રાજ્ય મંત્રી પરબતભાઇ પટેલ, કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ મુખ્યસચિવ જે. એન. સિંહ, અધિક મુખ્ય સચિવશ્રીઓ એમ. એસ. ડાગુર, શ્રી અરવિંદ અગ્રવાલ, સંજય પ્રસાદ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાશનાથન, અગ્રસચિવ શ્રી મનોજકુમાર દાસ, પાણી પુરવઠા અગ્રસચિવ શ્રી જે. પી. ગુપ્તા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર તેમજ ગૃહ સચિવ મનોજ અગ્રવાલ અને પશુપાલન સચિવ મહમદ શાહિદ, કૃષિ નિયામક ભરત મોદી, બાગાયત નિયામક વઘાસીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના સુચનો અને માર્ગદર્શન મુજબ રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહે, કૃષિ કલ્યાણ વિભાગના અધિક મુખ્યસચિવ સંજય પ્રસાદ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજીને કૃષિ અને પશુપાલન વિભાગમાં ઇઝરાયેલની તજજ્ઞતાના ઉપયોગની સંભાવનાઓ માટે કાર્યઆયોજનને આખરી ઓપ આપ્યો છે.
આ કાર્યઆયોજન અનુસાર એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન એન્ડ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટ :- કૃષિ વિભાગ હેઠળ આઇ-ક્રિએટ અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના તાંત્રિક ભાગીદારીથી એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન એન્ડ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટની ગુજરાતમાં સ્થાપના કરીને કૃષિ, બાગાયત, પશુપાલન ક્ષેત્રે આવી રહેલી નવી ટેક્નોલોજીનું એડોપ્શન, એડોપ્ટિવ રિસર્ચ, મોડિફિકેશન માટે યુવાઓને સપોર્ટ-સહાય કરાશે.
તદઉપરાંત કૃષિ ક્ષેત્રે સ્થાનિક પરિસ્થિતી મુજબ સંશોધન કરી ટેક્નોલોજી ડેવલપ કરવા ઇચ્છુક યુવાઓને ઇન્કયુબેશન અને ટેક્નોલોજીના વ્યવસાયીકરણ માટે વેંચર કેપિટલ ફંડ સહિત નાણાકીય સહયોગમાં સરકાર મદદરૂપ થશે.
કૃષિ ક્ષેત્રે ડેવલપ થયેલી નવી ટેક્નોલોજી અંગે ખેડૂતોને નિદર્શન અને તાલીમ આપીને ખેડૂતોમાં આ ટેક્નોલોજીના એડોપ્શનનો રેટ વધારી શકાય અને રાજ્યના ખેડૂતો ઇઝરાયેલ પેટૃન પર કૃષિક્રાંતિ કરી શકે તે માટે રાજય સરકાર સહાયરૂપ બનશે.
આ ઇન્સ્ટિટ્યુટ યુવાઓને કૃષિ ક્ષેત્રે આવેલી નવી ટેક્નોલોજી માટે કંપનીઓ સાથે ભાગીદારી કરવામાં, તેમજ તેના દ્વારા રાજ્યમાં સર્વિસ પ્રોવાઇડર તરીકે વ્યવસાય કરવા અને નવી ટેક્નોલોજી ડેવલપ કરવામાં મદદરુપ થશે અને કૃષિ ક્ષેત્રે ટેક્નોલોજીનું એડોપ્શન વધતા યુવાઓનો કૃષિ ક્ષેત્રે રસ જળવાઇ રહેશે અને આ ક્ષેત્રે રોજગારીનું મોટા પાયે નિર્માણ થશે.
ઇઝરાયલમાં ડેડ-સી (મૃત સમુદ્ર) નજીક ખજુર અને કેરીની સફળતાપુર્વક ખેતી કરવામાં આવે છે.
આ અનુભવોને આધારે પાઇલોટ બેઝ પર રાજ્યમાં ખેતીલાયક પડતર અને પ્રોબ્લેમેટિક સોઇલ ખેતીમાં રુપાંતરિત કરવા ઇઝરાયેલની કંપનીઓ સાથે ભાગીદારી કરવાની દિશામાં સંભાવનાઓ ચકાસવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. ઇઝરાયેલની કંપનીઓ ટેક્નોલોજી દ્વારા જમીન ડેવલપ કરે અને ખારેક, કેરી, મસાલા પાકોનું ઉત્પાદન કરી શકે. આ માટે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લાને સાંકળી શકાય તેવું પણ કાર્યઆયોજન થયું છે.
શેરડીની ઉત્પાદકતા વધારવા માટે ટેક્નોલોજી એડોપ્શન:-
દક્ષિણ ગુજરાત વિસ્તારમાં શેરડીનો મોટો વિસ્તાર છે, શેરડીની ઉત્પાદકતા વધારવા અને ટેક્નોલોજીનું એડોપ્શન કરવા પણ ઇઝરાયેલની કંપનીઓની તજજ્ઞતા સાથે સહભાગી થઇ શકાય તે અંગે પણ મુખ્યસચિવશ્રીની આ બેઠકમાં વિગતે પરામર્શ થયો હતો.
ઇઝરાયેલની આ ટેકનોલોજી એડોપ્શન અંતર્ગત અન્ડરગ્રાઉન્ડ માઇક્રો ઇરીગેશન તથા ઇનપુટ માટે ખેડૂતોને સીધી સહાય અને આ માટે કંપનીઓ ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરુ પાડી શકે તે માટે ૫૦૦૦ થી ૧૦૦૦૦ હેક્ટર વિસ્તાર પાઇલોટ બેઝ પર સાંકળી લેવાનું આયોજન કરાશે. પાઇલોટ પ્રોજેક્ટ વિસ્તારમાં શેરડીની ઉત્પાદકતા જે અત્યારે પ૦ થી ૬૦ મે.ટન છે તેને આવતા પાંચ વર્ષમાં ૧૦૦ થી ૧રપ મે.ટન પ્રતિ હેક્ટર સુધી લઇ જવા લક્ષ્યાંક છે અને આ માટે કંપનીઓને પ્રોડક્શન લિન્ક્ડ કન્સલટન્સી ચાર્જિસ અપાશે.
નેટાફિમ કંપની ધ્વારા ડિઝીટલ ફાર્મિંગ સોલ્યુશન નેટ બીટ યુનિટ્નો ઉપયોગ:-
મુખ્યમંત્રીશ્રીની ઇઝરાયેલની સુક્ષ્મ પિયત અને પ્રિસિઝન ફાર્મિંગ માટેની અગ્રણી કંપની નેટાફિમના પદાધિકારીઓની બેઠકમાં તેમણે ગુજરાતમાં ડિજીટલ ફાર્મિંગ માટે ડિઝીટલ ફાર્મિંગ સોલ્યુશન નેટ બીટના પાઇલોટ બેઝ તરીકે ૧૦૦ યુનિટ ભેટ આપવાની જે જાહેરાત કરી છે.
આ સંદર્ભમાં એવું નિયત કરવામાં આવ્યું કે આવા યુનિટને રાજ્યની કૃષિ યુનિવર્સીટીના ફાર્મ, અન્ય સંસ્થાઓના ફાર્મ, ગુજરાત વિધ્યાપીઠના ફાર્મ તેમજ પ્રોગ્રેસિવ ફાર્મર્સના ખેતરો પર ઇન્સ્ટોલ કરવાના આયોજનથી મોટી સંખ્યામાં ખેડૂતો આ નિદર્શન નિહાળી શકે અને રાજ્યમાં આ ટેક્નોલોજીના ઉપયોગ માટે પરિણામો પણ જાણી શકાય તે અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
નવીન ટેક્નોલોજી આધારિત ફ્રુટ ફ્લાય ટ્રેપ (ફળમાખી પિંજર)ના નિદર્શન:-
સામાન્યત: કેરી, વેલાવાળા શાકભાજી, ચીકુ વગેરેમાં ફળમાખીનો ઉપદ્રવ જોવા મળે છે. ફળમાખીના કારણે કેરીની નિકાસમાં પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ઇઝરાયલની બાયોફીડ કંપનીએ નવીન ટેક્નોલોજી આધારિત ફ્રુટ ફ્લાય ટ્રેપ બનાવ્યા છે. બાયોફીડ દ્વારા રાજ્યમાં પ્રોડક્શન યુનિટ સ્થાપવા માટે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા છે. આ માટે પાઇલોટ બેઝ પર ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ધ્વારા ફ્રુટ ફ્લાય ટ્રેપ ઇમ્પોર્ટ કરવામાં આવશે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ નિદર્શન કરવામાં આવશે.
એચ.એફ. ગાય માટે ઇઝરાયલથી સિમેન ડોઝ:-
ઇઝરાયલની એચ.એફ. ગાયો સારી ઉત્પાદકતા ધરાવે છે ઉપરાંત ગરમી, રોગ સામે પણ સારી પ્રતિરોધક શક્તિ ધરાવે છે. ઇઝરાયલની ગાયોને ટોટલ મિક્સ્ડ રાશન (ટી.એમ.આર.) આપવામાં આવે છે અને લીલો ઘાસચારો આપવામાં આવતો નથી.
પાઇલોટ બેઝ પર ઇઝરાયલ પાસેથી સિમેન ડોઝ મેળવી રાજ્યમાં કૃત્રિમ બીજદાનના પ્રયોગો કરવાના આયોજન માટે પણ બેઠકમાં કાર્યઆયોજના તૈયાર કરવામાં આવી હતી. તેમાં સફળતા મળ્યેથી રાજ્યમાં આ પ્રકારે મોટાપાયે કામગીરી હાથ ધરીને રાજ્યના દુધ ઉત્પાદનમાં વધારો મેળવી શકાશે.
ડેરીફાર્મમાં સેન્સરનો ઉપયોગ અને ઇઝરાયલ મુજબ તબેલાની ડિઝાઇન:-
ઇઝરાયલમાં તબેલામાં તમામ ગાયોમાં સેન્સર લગાડવામાં આવેલ છે જેનાથી ગાયની તમામ પ્રવૃત્તિ લોકલ અને નેશનલ સર્વર પર અપડેટ થાય છે. આ ડેટા મુજબ ગાયની ફીડની જરુરિયાત નક્કી કરી ફીડ આપવામાં આવે છે. આ ઉપરાંત બીજદાનનો સમય પણ આ ડેટાના આધારે નક્કી કરી બીજદાન કરવામાં આવે છે. ઇઝરાયેલમાં પશુ શેડ્માં પાકા ફ્લોરિંગને બદલે પશુ છાણનું ફલોરિંગ અને પશુ શેડના રૂફ પર સોલાર રૂફટોપ પર સોલાર એનર્જીનો ટેક્નોલોજીનો ઉપયોગ પણ વિશેષ ઉલ્લેખનીય છે તે અંગે પણ વિગતવાર અભ્યાસ કરી આગળ કાર્યવાહી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઝીંગા ઉછેર (શ્રિમ્પ પ્રોડક્શન)
ઇઝરાયેલની એંઝુટિક કંપની ધ્વારા ફિમેલ શ્રિમ્પ પ્રોડક્શન અને મલ્ટિપ્લિકેશન માટે ટેક્નોલોજી ડેવલપ કરાઇ છે તેના કલ્ચર અને ટેક્નોલોજી આ કંપની સાથે રાજ્યમાં પાઇલોટ બેઝ પર અમલ કરવાનું આયોજન અને ઝીંગાની ઉત્પાદકતામાં મોટો વધારો મેળવી શકાશે એટલું જ નહીં, ઝીંગાના ઉત્પાદનમાં યુવાઓને આકર્ષિત કરીને સ્વરોજગાર અવસર પણ આપી શકાશે.
હાઇ ડેન્સિટી ફિશ પ્રોડક્શન
ઇઝરાયલની કંપની ધ્વારા એક્મ વિસ્તારમાં વધુ ફિશ પ્રોડક્શન મેળવવાની પ્રેક્ટિસ અને ટેક્નોલોજી ડેવલપ કરવામાં આવી છે. ગુજરાતમાં પાઇલોટ બેઝ પર આ ટેકનોલોજીનો વિનિયોગ કરીને હાઇ ડેન્સિટી ફિશ પ્રોડક્શન કરી શકાય અને વધુ ઉત્પાદન મેળવી શકાય તેવા કાર્યઆયોજનોને ઓપ આપવાની દિશામાં ફળદાયી વિચારણા થઇ હતી.