ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલતી યુદ્ધ જેવી પરિસ્થિતિ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. ગુરૂવારે પેલેસ્ટાઈન આતંકીઓએ ઈઝરાઈલના વેપારી મથક ગણાતા શહેરોને રોકેટના નિશાને લીધા હતા. ગાજાપટ્ટીમાં ઈઝરાઈલના બોમ્બ ધડાકા સામે આતંકવાદીઓ મરણીયા બન્યા હોય તેમ ચાર દિવસની સીમા પારની લડાઈમાં પેલેસ્ટાઈનીઓએ પીછેહટ કરી શહેરી વિસ્તારમાં મોરચો ખોલ્યો હતો. ઈઝરાઈલના વડાપ્રધાને પેલેસ્ટાઈન પર થતી લશ્કરી કાર્યવાહીને આગળ વધારવાના સંકેતો આપ્યા હતા. લાંબા સંઘર્ષમાં ઈઝરાઈલના યહુદીઓ અને આરબની વસાહતમાં પણ હિંસા અને છમકલાઓ ચાલુ થઈ ગયા છે.
ઈઝરાઈલના રાષ્ટ્રપતિએ ગૃહ યુદ્ધની પરિસ્થિતિને કાબુમાં લેવા માટે લશ્કરને સાબદે કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ગાજામાં ચાર દિવસમાં 27 બાળકો સહિત 100થી વધુ લોકોના મોત નિપજયા છે. ગુરૂવારે પેલેસ્ટાઈનીઓ પર થયેલા હુમલામાં એંકલેવમાં જ 100થી વધુના મોત નિપજયા હતા. ઈઝરાઈલમાં પણ માનવ ખુવારી થઈ રહી છે. ગાજા સરહદ પર પેટ્રોલીંગ કરી રહેલા એક સૈનિક, 2 બાળકો સહિત 5 ઈઝરાઈલી નાગરિકો અને એક ભારતીય કાર્યકરની ખુવારી થઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
વર્ષોની દુશ્મનાવટ હવે કાબુ બહાર જતી હોય તેમ ઈજીપ્ત, કતાર અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શાંતિના પ્રયાસો કામ આવતા નથી. અમેરિકાએ પણ હિંસા ઘટાડવાની વિનંતી કરી છે પરંતુ આતંકવાદીઓએ તેલઅવીવ અને આસપાસના વિસ્તારમાં રોકેટ મારો કરીને બીરસેબા અને તેલઅવીવમાં ભારે ખુનામર્કી સર્જી છે.
ગાજામાં ઈઝરાઈલી વિમાનો 6 માળની ઈમારત બોમ્બથી ઉડાવી દીધી હતી. ઈઝરાઈલના હવાઈ હુમલામાં ગાજામાં વ્યાપક ખુવારી થઈ રહી છે. પેલેસ્ટાઈનના નાગરિક અશદ કરમે જણાવ્યું હતું કે, અમે ઈઝરાઈલ અને કોવિડ-19 બે દુશ્મનોનો સામનો કરી રહ્યાં છીએ. રમઝાનમાં યરૂસલામમાં મસ્જિદ પર થયેલા પોલીસ એન્કાઉન્ટરનો બદલો લેવા પેલેસ્ટાઈનીઓએ યરૂસલેમ અને તેલઅવિવ પર રોકેટ મારો કરતા ઈઝરાઈલી લશ્કરે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરી હતી. વિદેશી વિમાની કંપનીઓએ ઈઝરાઈલને બ્લેક આઉટ જાહેર કરી દીધુ છે. અત્યારે ઈઝરાઈલ, પેલેસ્ટાઈનની પરિસ્થિતિએ વિશ્ર્વને ચિંતામાં મુકી દીધુ છે.
- લાંબા સમયથી ઈઝરાઈલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલતા આ સંઘર્ષની આગ હવે યહુદી અને આરબોના મિશ્રીત સમુદાયોમાં ફેલાઈ
- ઈઝરાઈલના રાષ્ટ્રપતિની ગૃહ યુદ્ધની ચેતવણી, શહેરી વિસ્તારમાં વધેલા હુમલાથી પરિસ્થિતિ વિસ્ફોટક
- યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ગાજામાં ચાર દિવસમાં 27 બાળકો સહિત સેંકડોના મોત
- સરકાર સામે યુદ્ધે ચડેલા પેલેસ્ટાઈનીઓએ તેલઅવીવ અને આઈરન ડોમ સહિતના વિસ્તારોમાં મિસાઈલ અને રોકેટ દાગ્યા
- વિદ્રોહીઓ પાસે રોકેટ લોન્ચર જેવા આધુનિક હથિયારોથી તંત્ર ચિંતીત
- ઈઝરાઈલી વિમાનોએ હમાસના અડ્ડાઓ પર કરી સર્જિકલ સ્ટ્રાઈક
- અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ સહિતના ઈઝરાઈલ સમર્થકોએ ચિંતા વ્યકત કરી
- રમજાનમાં ઈઝરાઈલી પોલીસે પેલેસ્ટાઈનીઓ પર કરેલી કાર્યવાહીનો બદલો લેવા રોકેટ છોડાયા