- 14 મહિનાના સંઘર્ષ થયો સમાપ્ત: કરારના અમલીકરણ પર યુએન, યુએસ દેખરેખ રખાશે
છેલ્લા 14 મહિનાથી સતત ચાલી રહેલાં ઇઝરાયલ-હિઝબોલ્લાહ યુદ્ધ વચ્ચે ઇઝરાયલે હિઝબુલ્લા સાથેના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે તેમની કેબિનેટને હિઝબોલ્લાહ સાથે યુએસના યુદ્ધવિરામ કરારને મંજૂરી આપવાની ભલામણ કરી હતી, જે ચાલુ ગાઝા યુદ્ધ સાથે જોડાયેલા 14 મહિનાના સંઘર્ષ પછી સંભવિત રાહતના સંકેત આપે છે. આશાવાદ વચ્ચે, લેબનોનમાં જે ધમાસાણ ચાલી રહી છે તેનાથી યુદ્ધ વિરામ થશે તે અંગે શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે.
સમજૂતીના ભાગ રૂપે આગામી 2 મહિના સુધી હિઝબોલ્લાએ લેબનોનની લિટાની નદીની ઉત્તરે સૈન્ય પાછા ખેંચવાના છે જ્યારે ઇઝરાયેલ તેના સૈનિકોને સરહદ અંદર રાખવાના છે. અમેરીકાની આગેવાની હેઠળ કરાર મંજૂરી આપવામાં આવી છે. અમેરિકા પેનલની સાથે સાથે યુએનની શાંતિ સમિતિના વડપડ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નેતન્યાહુના જણાવ્યાં મુજબ યુદ્ધવિરામ હિઝબોલ્લાહના પ્રભાવને નબળો પાડશે, ગાઝામાં હમાસને અલગ પાડશે અને ઇઝરાયેલનું ધ્યાન ઈરાન તરફ વાળશે. તેથી ઇઝરાયલ યુદ્ધ વિરામ માટે તૈયારી બતાવી રહ્યું છે. તેમજ નેતન્યાહુએ ચેતવણી આપી હતી કે “જો હિઝબુલ્લાહ કરારનો ભંગ કરશે, તો અમે તાકાતથી હુમલો કરીશું,”
કેબિનેટની બેઠકના કલાકો પહેલાં જ ઇઝરાયેલ દ્વારા લેબનોનમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લેબનીઝના રિપોર્ટ અનુસાર બેરૂત, ટાયર અને બાલબેકમાં હુમલામાં નાગરિકો સહિત 23 લોકોના મોત નીપજ્યા હતા. ઇઝરાયેલી ચેતવણીઓએ દક્ષિણ લેબનોન અને બેરૂતના વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે જમીન દળોએ લિટાની નદી નજીક હિઝબુલ્લાહ સાથે અથડામણ કરી હતી, જેમાં મુખ્ય રોકેટ લોન્ચરનો નાશ કરાયો હતો.
અમેરિકન પ્રમુખ જો બિડેને ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચે અમેરિકા અને ફ્રેંચ યુદ્ધવિરામને “સારા સમાચાર” ગણાવ્યા હતા. અને આશા વ્યક્ત કરી કે તે ગાઝામાં વ્યાપક શાંતિના પ્રયાસો તરીકે કામ કરી શકે છે. બિડેને જાહેરાત કરી કે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની કેબિનેટની મંજૂરી બાદ આજની વહેલી સવારે યુદ્ધવિરામ અમલમાં આવશે. તેમણે જણાવ્યું, “મેં હમણાં જ ઇઝરાયેલ અને લેબનોનના વડા પ્રધાનો સાથે વાત કરી, અને મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે તેમની સરકારોએ ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચેના વિનાશક સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. તેમજ તેમણે આ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો પણ આભાર વ્યક્ત કર્યો.
અમેરિકા અને ફ્રાન્સ કરારના અમલીકરણની દેખરેખ રાખશે, બિડેને ભારપૂર્વક જણાવ્યું હતું કે “આ સોદો લેબનોન માટે નવી શરૂઆત છે,” બિડેને જણાવ્યું હતું કે, તે ગાઝામાં શાંતિ પ્રયાસો માટે પાયો નાખી શકે છે, જો કે આ ક્ષેત્રમાં લાંબા ગાળાના પડકારો નોંધપાત્ર છે. આ યુદ્ધવિરામ ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચેના તણાવને ઘટાડી શકે છે. જો કે, ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન-ગવીર સહિતના ટીકાકારોએ આ સોદાના વિરોધમાં છે. તેઓએ આ સોદાને “હિઝબુલ્લાહને નાબૂદ કરવાની ચૂકી ગયેલી તક” તરીકે ગણાવી હતી. જો કે આ દરખાસ્ત ઇઝરાયેલ-હિઝબુલ્લાહ સંઘર્ષને પૂરો કરવા માટેનો રસ્તો મોકળો કરે છે. જો આ કરારનો અમલ કરવામાં આવે તો, આ સોદો પ્રાદેશિક સ્થિરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. પરંતુ તેના અમલીકરણ અને સ્થિરતા અંગે ઉદભવેલા પ્રશ્નો પડકાર સમાન છે.