‘સેક્સ’ના બેહુદા અનિષ્ટથી દેશ ઊભરાયો છે ત્યારે શાળા, કોલેજો, યુનિવર્સિટીઓમાં પરિવર્તન અનિવાર્ય!
આપણા દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ની શ્રી હેગડેવારે ૧૯૨૫માં દશેરાના શુભ દિને સ્થાપના કરી હતી તે વખતે એમ કહેવાયું હતુ કે, હિન્દુસ્તાનની પ્રજાના ચારિત્ર્ય ઘડતરમાટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. કોઈપણ દેશની પ્રજાનું ચારિત્ર્ય એ એનીસૌથી મોંઘામાં મોંઘી મૂડી છે. એ વાત આખી દુનિયાએ સ્વીકારી છે.
જે દેશની પ્રજા ચારિત્ર્યવાન નથી હોતી એ દેશનું છેક છેલ્લી કોટિ સુધીનું અધ:પતન થયા વિના રહેતું નથી.
ચારિત્ર્ય શુધ્ધિ પર ભાર મૂકતા એક ચિંતકે તો એટલે સુધી કહ્યું છે કે, કોઈ પણ મહિલા કે પૂરૂષનાં ચારિત્ર્ય ઉપર એકવાર નાનકડો પણ ડાઘ પડે તો ફરી એ કયારેય પહેલા જેવોશુધ્ધ થતો નથી અને તે એને અત્યંત દુ:ખી કર્યા વિના રહેતો નથી.
દેશના ચારિત્ર્ય ઘડતરનું આરએસએસનું મૂળભૂત મીશન મોંઘેરૂ હતુ, અને જયાં સુધી એને વળગી રહી શકાયું હતુ તેનાથી રાષ્ટ્રને ચારિત્ર્યનું જબરૂ બળ મળ્યું હતુ. એના નેતાઓને જયાં સુધી સત્તાકીય રાજકારણ સ્પર્શ્યું ન હોતું અને ચારિત્ર્ય ઘડતરનાં મૂળ મીશનને અભડાવ્યું નહોતું. ત્યાં સુધી એની રાષ્ટ્રભકિત તથા હિન્દુત્વની તેજસ્વિતા અનેરાં હતા.
આજે આરએસએસએ તેના મૂળભૂત લક્ષ્યમાં પીછેહઠ કરી હોવાથી નિરાશાઅને હતાશા અનુભવાય છે. એમ કહ્યા વિના રહેવાતુ નથી !
ચારિત્ર્યની વિશુધ્ધતાનો મંત્ર શિથિલ અને ઢીલો પડતાં આપણા દેશની વેદકાલિન સંસ્કૃતિનો ક્રમે ક્રમે હાસ થતો ગયો છે. અને આજનાં ભારતમાં તો આપણા દેશની સંસ્કૃતિ તથા સંસ્કાર ઉપર કોન્વેન્ટ કલ્ચર (વિદેશી સભ્યતા અને વિદેશી સંસ્કૃતિ) બૂરી રીતે કૂદાકૂદ કરે છે. આપણા નવી પેઢીની એક યુવતીને એવું કહેતી સાંભળી શકાઈ છે કે, અભ્યાસીઓ સાચુ કહે છે કે નવી પેઢીમાં આજે ભણવાની ઉંમરે પ્રણયના ફાગ ખેલવાની ફેશન જોર પકડી રહી છે. કોલેજમાં જતી છોકરીને બોયફ્રેન્ડ ન હોય તો તેની મમ્મી પણ શરમનો અનુભવ કરે છે. છોકરાઓને વિધાની પ્રાપ્તી કરતા વધુ રસ છોકરીઓને ફસાવવામાં અને તેના દેહનો ઉપયોગ કરવામાં હોય છે. વિદ્યાધામો આજે અનાચારના અડ્ડાઓ બની ગયા છે. આ બધો જ તમાશો કોલેજનું મેનેજમેન્ટ પ્રેક્ષક બની જોયા કરે છે. તેમને ખરો રસ વિધાનો પ્રસાર કરવામાં નથી હોતો પણ રૂપીયા બનાવવામાં હોય છે. આ બધાં જ દૂષણનુ મૂળ સહશિક્ષણમાં છે. આઠ વર્ષની ઉંમરથી જ જો છોકરા છોકરીઓને અલગ સ્કુલોમાં ભણાવવામાંવે અને પ્રસાર માધ્યમોની વિનાશક અસરોથી તેમનું રક્ષણ કરવામાં આવે તો પુખ્ત વય સુધી સેકસના વિષયમાં તેમની અંદર બિન જરૂરી કુતૂહલ પેદા ન થાય અને સેકસ શિક્ષણનાં નામે કુતુહલ શાંત કરવાની અને વાસનાઓને ભડકાવવાની કસરત પણ કરવી ન પડે. આ આદર્શ પરિસ્થિતિ હોવી જોઈએ.
આજે યુવા પેઢીની પરિસ્થિતિ ખૂબજ વણસી ગઈ છે. હજી તો મૂછનો દોરો ફૂટયો ન હોય ત્યાં મનમાં કામવાસનાના સાપોલીયા રમવા લાગે છે. આ પરિસ્થિતિમાં તેને સેક્સના શિક્ષણની જરૂર નથી પણ આ ઉંમરે સેક્સના વધુ પડતા આક્રમણને કઈ રીતે ખાળવું, તેનાથી તનની અને મનની કઈ રીતે રક્ષા કરવી અને અભ્યાસમાં ચિત્તને કઈ રીતે એકાગ્ર બનાવવું તે સમજાવવાની જરૂર છે. ટૂંકમા કહીએ તો આ ઉમરે તેને સેકસના નહી પણ બ્રહ્મચર્યના પાઠો ભણાવવાની જરૂર છે. આ પાઠો સેકસને જ પોતાનું આજીવિકાનું સાધન ગણતા સેકસોલોજીસ્ટો ન ભણાવી શકે પણ નૈષ્ઠિક બ્રહ્મચારી એવા સાધુસંતો જ ભણાવી શકે. આજે તો યુવા પેઢીને ઈરાદાપૂર્વક ચારિત્ર્યવાન સાધુસંતોથી દૂર કરવામાં આવી રહી છે. અને યોજના પૂર્વક દૂરાચારી ફિલ્મી સિતારાઓ તરફ ધકેલવામાં આવી રહી છે. ખરી જરૂર યુવાનોને દુરાચારીઓના મોહપાશમાંથી છોડાવીને સદાચારી સંતોના સાનિધ્યમાં લાવાની છે.
આજે કેટલા યુવાનો બ્રહ્મચર્યનો મહિમા સમજતા હશે. એ મોટો પ્રશ્ર્ન છે. બ્રહ્મચર્ય એ મનની અગાધ શકિતઓનો સંચય કરીને તેનો વિનિયોગ આત્માના ઉત્થાન માટે કરવાની કળા છે. બ્રહ્મચર્ય તનની તંદુરસ્તીની વિધા છે. સેકસ અને સેકસના વિચારોનો અતિરેક મનને અશાંત બનાવે છે. શરીરને નબલુ બનાવે છે અને શકિતઓની ખુવારી કરે છે. આપણુ શરીર સાત ધાતુઓનું બનેલું છે. વીર્ય તેમાંથી શ્રેષ્ઠ ધાતુ છે. વીર્યની રક્ષા કરવાથી આંખોનું તેજ, બુધ્ધિ, મેઘા અને પ્રજ્ઞા તેજ બને છે. શરીરની રોગપ્રતિકારક શકિત વધે છે. અને શૌર્યપ્રગટે છે. આજના કહેવાતા સેકસોલોજીસ્ટો કહે છે કે વીર્ય નકામું છે. તેને વેડફી નાંખવું જોઈએ. આ રીતે તો તેઓ યુવા પેઢીને આપઘાત કરવાની સલાહ આપે છે. આ સેકસોલોજીસ્ટો સ્કૂલો અને કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓને સેકસનુ શિક્ષણ આપશે તે પછી યુવાનોના પતનની પ્રગતિ અત્યંત તેજ બની જશે.
સમાજને આજે સેકસના શિક્ષણની નહી પણ સેકસના અતિરેકમાંથી કેવી રીતે બહાર આવવું તેના શિક્ષણની જરૂર છે. સેકસનો અતિરેક થવાને કારણે તો આજે સમાજની દૂર્દશા થઈ છે. આજે ચારે બાજુ પોર્નોગઆફી સાહિત્યનો રાફડો ફાટ્યો છે. ઈન્ટરનેટ ઉપર સેકસ વેચતી અને યુવાનોને ભ્રષ્ટ કરતી લાખો વેબસાઈટો ખૂલી ગઈ છે. સ્કૂલનાં બાળકો પણ વિડિયો સીડીના માધ્યમથી પોર્નોગ્રાફી ફિલ્મો જોતા થયા છે. અને બળાત્કારો પણ કરતા થયા છે. ૧૬ વર્ષની કુંવારીકાઓ પર આજે ગર્ભવતી બને છે. અને ગર્ભપાત કરાવે છે. કૌમાર્યવસ્થામાં કરાવાતા ગર્ભપાતોની સંખ્યા ભયજનક હદે વધી ગઈ છે. કોલેજની ક્ધયાના પર્સમાં ગર્ભનિરોધક ગોળીઓ હોય છે. આ બધાનું કારણ સેકસનું બહુ જ ખોટી પધ્ધતિએ અપાઈ રહેલું શિક્ષણ છે. આ દુષ્પ્રભાવથી કેવી રીતે બચીને ચાલવું તેનું શિક્ષણ હકિકતમાં નવી પેઢીને આપવું જોઈએ.
આપણા દેશમાં કામને પણ પુરૂષાર્થ ગણવામાં આવ્યો છે. અને ચાર પૂરૂષાર્થની સંસ્કૃતિમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે. પણ કામને ધર્મથી નિયંત્રીત કરવામાં આવ્યો છે. ભારતમાં જે કામસૂત્ર જેવા ગ્રંતો લખાયા તે શાળા કોલેજનાં વિદ્યાર્થીઓ માટે નહોતા પણ પરણેલા સ્ત્રી પુરૂષો માટે હતા અને તેનો હેતુ પ્રજા વ્યભિચારથી બચીને સદાચાર તરફ વળે તેવો હતો. આજે સમાજમાં જે રીતે કામનો પ્રચાર ચાલી રહ્યો છે. તે ધર્મથી અનિયંત્રિત છે. અને બેજવાબદાર છે. આ અનિયંત્રીત રાક્ષસ સમાજનું પતન જ નોતરે, નોતરી રહ્યો છે. હવે જે સેકસ એજયુકેશન આપવાની હિમાયત થઈ રહી છે. તે આ રાક્ષસને ઉશ્કેરવાની હિલચાલ છે. આજની યુવા પેઢીને જોખરેખર બચાવવી હોય અને તેમનું કલ્યાણ કરવું હોય તો તેમને માટે સેકસોલોજીસ્ટોની નહી પણ સંતોની જરૂર છે. આ સંતો જ તેમને બ્રહ્મચર્યની પ્રેરણા આપી શકશે.
ગુજરાતી કવિ સમ્રાટોમાંના એક શ્રી ન્હાનાલાલ દલપતરામ કવિએ લખ્યું છે કે, ‘દેહલગ્નની વિધવાને પુન: લગ્ન સમું પૂણ્ય નથી, અને સ્નેહલગ્નની વિધવાને પૂન: લગ્ન સમું પાપ નથી.’
‘કામૂકતા’ ને અને જોબનને નિરંકુશ ન રહેવા દેવાય, એમ આપણા ઋષિમુનિઓ કહી ગયા છે. ‘અતિ’ને ગતિ નહિ’ (એકસેસ ઈઝ ઈન્જુરિયશ)એમ આપણા પુરાણ ગ્રંથોમાં ફરી ફરીને કહેવાયું છે.
કામ બેકાબુ બન્યો અને તોફાને ચડયો, તે વખતે શિવશંકરે ત્રીજું વિનાશકારી લોચન ખોલીને એને ભસ્મીભૂત કર્યો હતો.
જોબનિયું આજે આવીને કાલે જાશે, જોબનિયું કાલે ચાલ્યું જશે, એ ભજનમાં પણ કામ વાસના (સેકસ)ને અંકુશમાં ને સંચયમાં રાખવા, એ ધર્મ છે. એમાં ગાંડાતૂર થવું એ પાપ છે. આપણો દેશ અને આપણો સમાજ આ મહત્વના બોધને ભૂંડી રીતે ખોઈ નાખ્યો છે.
આપણા શાળા, કોલેજો, યુનિવર્સિર્ટીઓમાં આ અનિષ્ટ બેકાબુ બન્યું છે.
‘આરએસએસ’એ એના મૂળભૂત મંત્રને બાજુએ મૂકવાની ભ્રષ્ટતા ન બતાવી હોય તો આજે આટલી બૂરી હાલત ન હોત !
હવે એમાં આમૂલ પરિવર્તન આણીએ, એ જ એક ઉપાય છે.