બંગાળમાં ISના આતંકીને સજા ફટકારવાની પ્રથમ ઘટના !!

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની વિશેષ અદાલતે શુક્રવારે ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)ના આતંકવાદી મોહમ્મદ મસીઉદ્દીન ઉર્ફે મુસાને આજીવન કેદની સજા ફટકારી છે.

આઈએસ સિવાય મુસા જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે પણ નજીકથી સંકળાયેલો છે. પશ્ચિમ બંગાળની અદાલત દ્વારા આઈએસના આતંકવાદીને સજા સંભળાવવાની આ પ્રથમ ઘટના છે.

5 જુલાઈ 2012 ના રોજ ગુનાહિત તપાસ વિભાગ (પશ્ચિમ બંગાળ પોલીસમાં સીઆઈડી)એ પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લાના બર્દવાન સ્ટેશનથી મુસાની ધરપકડ કરી હતી. બાદમાં તેને એનઆઈએ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.

મુસા પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના લવપુરનો રહેવાસી છે. મુસા જેલના વોર્ડન અને જેલ ગાર્ડ પર હુમલો કરીને ઘણી વખત ચર્ચામાં આવી ચૂક્યો છે. ડિસેમ્બર 2017માં તેણે જેલ અધિકારી ગોવિંદો ચંદ્ર ડે પર તીક્ષ્ણ વસ્તુ વડે હુમલો કર્યો અને તેની ગરદનને નિશાન બનાવી. તેણે એકવાર કોર્ટરૂમમાં જજ પર જૂતા પણ ફેંક્યા હતા.

અમેરિકાની સુરક્ષા એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનના અધિકારીઓ પણ તેની પૂછપરછ કરવા કોલકાતા આવ્યા હતા.

એનઆઈએએ મુસા પર નોબેલ પુરસ્કાર વિજેતા મધર ટેરેસાને શ્રદ્ધાંજલિ આપવા આવેલા વિદેશી મુલાકાતીઓને મારવા માટે મધ્ય કોલકાતામાં મધર હાઉસ પર હુમલો કરવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. એનઆઈએ અનુસાર મુસા મુખ્યત્વે પશ્ચિમ બંગાળમાંથી આઈએસ માટે ભરતી કરવા માટે જવાબદાર હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.