પોલીસ અને આતંકી વચ્ચે ફાયરીંગ: વધુ શંકાસ્પદોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન
દેશમાં વધુ એક આતંકી કાવતરુ નાકામ કરવામં સુરક્ષા વિભાગની સફળતા મળી છે. દિલ્હીના ધૌલાકુઆંથી દિલ્હી પોલીસે એક આતંકવાદીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે ધૌલાકુઆંમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા અથડામણ બાદ એક આઈએસઆઈએસ કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આરોપી પાસેથી આઈ.ઈ.ડી. પણ મળી આવ્યા છે.
નોંધનીય છે કે, સુરક્ષા દળોએ ૧૫ ઑગસ્ટના રોજ દિલ્હીમાં આતંકવાદી હુમલાની ચેતવણી અપાઇ હતી. ત્યારબાદથી દિલ્હી પોલીસ ખૂબ સાવચેત હતી. પોલીસે બાતમીના આધારે વહેલી તકે કાર્યવાહી કરી હતી અને એન્કાઉન્ટરમાં આતંકવાદીઓની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કેટલાક વધુ આતંકવાદીઓની શોધ કરી રહી છે. તહેવાર પર કોરોનાની સાથે હવે આતંકવાદનું જોખમ પણ વધી રહ્યું છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે એન્કાઉન્ટર પછી ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના એક આતંકીને ઝડપી લીધો છે. તેની પાસેથી IED વિસ્ફોટક પણ મળ્યો છે. વિસ્ફોટકને નિષ્ક્રિય કરવામાં આવી રહ્યો છે. ઝડપાયેલા આતંકીનું નામ અબૂ યૂસુફ ખાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધૌલાકુઆં અને કરોલ બાગ વચ્ચે રિજ રોડ પર શુક્રવારે આ કાર્યવાહી કરી હતી. સ્પેશ્યલ સેલના DCP પ્રમોદ સિંહ કુશવાહે આ અંગેની માહિતી આપી છે.
મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલો આતંકી અમુક લોકોની રેકી કરી રહ્યો હતો. કાવતરામાં સામેલ અન્ય ઘણા લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવાશે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે એન્કાઉન્ટર દરમિયાન બીજો આંતકી ફરાર થઈ ગયો, તેની શોધમાં પોલીસ ઘણા વિસ્તારોમાં રેડ પાડી રહી છે. આતંકી ઝડપાયા બાદ સમગ્ર દેશમાં સુરક્ષા સાબદી કરાઇ છે. ઇસ્લામિક સ્ટેટના આતંકી પાસેથી વિસ્ફોટકો મળ્યા હોવાનું સામે આવ્યા બાદ ફરાર થઇ ગયેલા આતંકીને પણ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.