આતંકવાદનું ઝેર પ્રસરે તે પહેલાં એટીએસે ઓપરેશન પાર પાડ્યું
હેન્ડલર અબુ હમીઝાએ તૈયાર કરેલા ત્રણ કટ્ટરપંથી શ્રીનગરથી પોરબંદર આવી ફિશિંગ બોટની મદદથી નકલી પાસપોર્ટ દ્વારા ઇરાન અને અફઘાનિસ્તાન જવાનો પ્લાન બનાવ્યો’તો
આતંકવાદી કૃત્યમાં ભાગ લઇ શહાદત વ્હોરવા અંગેના વીડિયો બનાવ્યા હતા: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં આપી માહિતી
પોરબંદરમાં ઇસ્લામીક સ્ટેટ ઓફ ખોરાસન સાથે સંકળાયેલા ત્રણ કટ્ટરપંથી અને તેને ગ્રાઇડ કરનાર સુરતની મહિલાને એટીએસની ટીમને ઝડપી લેવામાં સફળતા મળી છે. શ્રીનગરના ત્રણેય શખ્સોના હેન્ડલર અબુ હમીઝા હોવાનું અને તેઓ આત્મઘાતી હુમલો કરવા અંગેની સ્ફોટક વિગતો બહાર આવી છે. ઝડપાયેલા ત્રણેય શખ્સો પોરબંદરથી ફિશિંગ બોટ દ્વારા ઇરાક અને અફઘાનિસ્તાન પહોંચે તે પહેલા એટીએસ દ્વારા ઝડપી લીધા છે. ત્રણેય આતંકવાદીની માર્ગદર્શક મહિલા સુરતમાં હોવાનું બહાર આવતા તેને પણ ઝડપી લેવામાં આવી છે. આતંકવાદીઓ પાસેથી ફોટોગ્રાફ, હથિયાર, આત્મઘાતી હુમલા અંગેના વીડીયો અને હથિયાર સહિતની કેટલીક વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી છે. આતંકવાદીઓ સાથે પોરબંદરના સ્થાનિક શખ્સની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને એ.ટી.એસ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સાથે સંકળયેલા ત્રણ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઈરાન થઈને ઈસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ.ની ટીમએ 9મી જુન 2023ના રોજ વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણ યુવાનોને આઇડેન્ટીફાઇ કરી વધુ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ અટકાયત કરાયેલા વ્યક્તિઓ ઉબેદ નાસિર મીર, (રહે. 90 ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર), હનાન હયાત શોલ (રહે. 90 ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર) અને મોહમ્મદ હાજીમ શાહ (રહે. ઘર નંબર 52/53, નરીબલ, સૌરા, શ્રીનગર) છે. આ વ્યક્તિઓની હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સમાં જોડાયા હતા.
આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, અન્ય બે વ્યક્તિઓ ઝુબેર અહેમદ મુનશી અને સુરતની સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક પણ આઇ.એસ.કે.પીના આ જ મોડ્યુલના સભ્યો છે. તેઓ પણ અટકાયત કરાયેલા આ ત્રણેય વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે. આ માહિતીના આધારે, ગુજરાત એ.ટી.એસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુમેરાબાનુ મલેકના ઘરે દરોડો પાડ્યો હતો અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં સઘન સર્ચ કરવામાં આવી હતી. જેમાં આઇ.એસ.કે.પીના ઘણા રેડીકલ પ્રકાશનો જેમ કે ‘વોઈસ ઓફ ખોરાસન’ વગેરે મળી આવ્યા હતા. સુમેરાબાનુ મલેકની વધુ વિગતવાર પૂછપરછમાં તેણીએ ખુલાસો કર્યો છે કે, તે હેન્ડલર સાથે સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિ ઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના સંબંધમાં હતી. તેણીના રહેઠાણમાંથી કથિત રીતે આઇ.એસ.કે.પીના નેતા પ્રત્યેની તેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી હતી.
આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પુર્વ નિર્ધારિત જીપીએસ કોઓર્ડિનેટ સુધી પહોંચવાના હતા. જ્યાં તેઓને ધો એટલે કે શઢથી સંચાલિત હોડી દ્વારા ઈરાન લઈ જવામાં આવવાના હતા. જ્યાંથી આરોપીઓને નકલી પાસપોર્ટ આપવાના હતા. જેનો ઉપયોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસન પહોંચવાના હતા. ત્યારબાદ તેઓએ ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાનમાં આઇ.એસ.કે.પી વતી તેના આતંકવાદી ક્રુત્યમાં ભાગ લેવાનો હતો. ત્યારપછી હેન્ડલર અને આઇ.એસ.કે.પી દ્વારા તેમની શહાદતને જાહેર કરવા માટે તેઓના પુર્વ-રેકોર્ડ કરેલા નિવેદનો, ફોટોગ્રાફ્સ, વીડિયો અને દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવવાનો હતો.
એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે ઉબેદ નાસિર મીર, હનાન હયાત શોલ, મોહમ્મદ હાજીમ શાહ, ઝુબેર અહેમદ મુનશી રહે. અમીરા કદલ, સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક વિરુદ્ધ અનલોકુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ 1967ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ઉબેદ નાસિર મીર, હનાન હયાત શોલ, મોહમ્મદ હાજીમ શાહ તમામ રહેવાસી સોરા, શ્રીનગર અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક, સૈયદપુરા, સુરતની ધરપકડ કરવામાં આવી છે અને ઝુબેર અહેમદ મુનશી રહેવાસી અમીરા કદલ, શ્રીનગરને શોધવાના પ્રયાસો હાલ ચાલુ છે.
પોરબંદમાં ગુજરાત એ.ટી.એસએ ગઇકાલથી ધામા નાખ્યા છે. એ.ટી.એસના આઇ.જી દિપેન ભદ્રન સહિતના અધિકારીઓનો મસમોટો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત ઓપરેશનમાં આઇજી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એસ.ઓ.જી ઓફિસે અધિકારીઓની ગાડીનો કાફલો પહોંચ્યો હતો, જ્યાંથી એ.ટી.એસએ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે. એ.ટી.એસએ પોરબંદરમાંથી 4 શખસની ધરપકડ કરી છે. આ શખસો આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાઠગાંઠ ધરાવતા હોવાનું ખૂલ્યું છે. એ.ટી.એસના આઇજી દિપેન ભદ્રન સહિતના અધિકારીઓના ગઇકાલથી પોરબંદરમાં હતા.