સુંદર તૈલી ચિત્રો ભકતોના મનહરી લે છે: મંદિરમાં તબલા, બાંસુરીની તાલીમ તો મહિલાઓ દ્વારા પણ ઘણા કાર્યક્રમો ચાલે છે
રાજકોટના કાલાવડ રોડ પર આવેલું શ્રીશ્રી રાધાનિલમાધવનું ઇસ્કોન મંદિર જે અતિ ભવ્ય અને અતિ સુંદર છે. મારબલના પથ્થરથી કોતરણી કરીને બનાવેલા આ મંદિરને જોતા, તેના દર્શન કરતા એવું લાગે કે શ્રી શ્રી રાધા નીલમાધવને બંસી વગાડતા જોઇ રહ્યા છીએ. મુખ્ય દ્વારથી પ્રવેશ કરીએ એટલે શ્રી શ્રી રાધા નીલમાધવના દર્શન થાય, રાધા ક્રિષ્નની સુંદર અને અલૌકિક જોડીના દર્શન થાય છે. મનોહર મૂર્તિ અતિ સુંદર લાગી રહી છે. તેમની બાજુમાં સીતારામ, લક્ષ્મણજી, હનુમાનજીના દર્શન થાય છે.
તો જગન્નાથજી, બળદેવજી ને સુભદ્રાજીના દર્શન કરીને મનને શાંતિ મળે છે. અહીં પ્રહલાદ નૃસિંહ દેવના પણ દર્શન થાય છે.
અહીં સુંદર મજાના તૈલી ચિત્રો પણ જોવા મળે છે. જેમાં મત્સ્ય ભગવાન, ર્કુમ ભગવાન, વરાહ ભગવાન, નૃસિંહ, વામન, પરશુરામ, બલરામ, બુઘ્ધ અને કલ્કી ભગવાનના ચિત્રોનો સમાવેશ થાય છે. ઇસ્કોન મંદિરના સંસ્થાપક આચાર્ય ભકિતવેદાંત સ્વામી પ્રભુપાદ સેવા પુજા કરી રહ્યા છે.
આ મંદિરમાં મહિલાઓ દ્વારા ઘણા બધા કાર્યક્રમો યોજાતા રહે છે. બધા બહેનો ભેગા મળી ભગવાનના ભજન કિર્તન ગાય છે. બહેનો દ્વારા રાજભોગનો પ્રસાદ પણ બનાવવામાં આવે છે. અહીં વ્યસન મુકિત માટેના સેમીનાર પણ થાય છે. રોજ સાંજે ગરીબ લોકો માટે ફુડ ફ્રોર લાઇટનો પ્રોગ્રામ ચાલે છે. અહીં પ્રહલાદ સ્કુલ પણ છે. જયાં નર્સરીથી લઇને આઠ ધોરણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે. અહીં બાળકોનું ભણતરની સાથે ઘડતર પણ થાય છે.
તબલા, બાંસુરી, મૃદંગની પણ તાલીમ આપવામાં આવે છે. અતિ ભવ્ય, અતિ સુંદર એવા ઇસ્કોન મંદિરમાં ભકતો પગ મુકતાની સાથે જ નિરવ શાંતિનો અહેસાસ કરે છે.