અમદાવાદના રાયખડ ખાતે આવેલા યહૂદી ધર્મસ્થળ મેગન અબ્રાહમ સિનેગોગમાં ‘લોન વુલ્ફ’ એટેકે કરવાનો પ્લાન બનાવી રહેલા આઈએસઆઈએસના બે આતંકવાદીઓ મોહંમદ કાસીમ અબુ હમઝા સ્ટીમ્બરવાલા અને ઉબેદ અહેમદ મીર્ઝા ઉઝેર અબ્દુલ રઉફ બેગની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મોહંમદ કાસીમ હાલ અંકલેશ્વરમાં આવેલી સરદાર પટેલ હોસ્પિટલમાં ઈકો કાર્ડિયોગ્રામ ટેકનીશિયન તરીકે ફરજ બજાવે છે.
જ્યારે ઉબેદ મીર્ઝા સુરતના વેસુ સ્થિત વીઆઈપી રોડ પર દાવત રેસ્ટોરાં ધરાવે છે અને ઉબેદ સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ક્રિમીનલ લોયર તરીકે પ્રેક્ટીસ પણ કરે છે. આ બંને સુરતના રહેવાસી છે. એટીએસના પીઆઈ વિજય મલહોત્રાના જણાવ્યા અનુસાર, કાસીમ અને ઉમેદ બંને અમદાવાદના યહૂદી આરાધનાલયમાં એટેક કર્યા બાદ જમૈકા ખાતે હિઝરત કરી જવાના હતા. કાસીમે હાલમાં જ અંકલેશ્વરની હોસ્પિટલ ખાતે નોકરીમાં રીઝાઈન આપ્યું હતું. જ્યારે કાસીમે જમૈકાના હિઝરાની હોસ્પિટલમાં ઈકો કાર્ડિયોગ્રામ ટેકનીશીયનમાં કામ કરવા વર્ક પરમીટના વિઝા માટે એપ્લાય કર્યું હતું. જ્યારે ઉમેદ પણ જમૈકા જવા માટે તૈયારી કરી રહ્યો હતો.