વીઓઆઈપી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદેશના ફોન કોલ્સ પણ સામાન્ય ટેલીકોમ
કંપનીના દર્શાવવા હૈદરાબાદમાં ગેરકાયદેસર ટેલીફોન એક્સચેન્જ ખડકાવાયું
જમ્મુ-કાશ્મીર અને તેલંગણા પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો જેમાં હૈદરાબાદમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન આઈએસઆઈનું ટેલીફોન એક્સચેન્જ ઝડપાયું છે. પોલીસને તેની કડીરૂપે મોટી સંખ્યામાં સીમકાર્ડ બોકસ અને મોબાઈલ નંબરો મળ્યા હતા. જો કે, હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એક માસ અગાઉ મોબાઈલ કંપની એમઆઈના હૈદરાબાદના યુનિટ ખાતેથી મળેલી ખુફીયા જાણકારી મુજબ ખુલ્યું હતું કે, પાકિસ્તાનથી ઓપરેટરો જમ્મુ-કાશ્મીરના આર્મી ઓફિસરો તેમજ સેનાના સંગઠનોની ગુપ્ત માહિતી મેળવવા માટે હૈદરાબાદથી કોલ સેન્ટર ચલાવતા હતા. મળતી માહિતી મુજબ તેલંગણા પોલીસે મોટી સંખ્યામાં ગેરકાયદેસર મોબાઈલ, સીમકાર્ડ જપ્ત કર્યા હતા.
આજરોજ હૈદરાબાદના નલાકુંટાના પરિસરમાં પોલીસે રેડ પાડતા ૫૩ સીમકાર્ડ બોકસ અને મોટી સંખ્યામાં લેપટોપ તેમજ કોમ્પ્યુટર મળી આવ્યા હતા. ટેલીફોન એકસચેન્જના માધ્યમથી વિદેશથી ભારતમાં ફોન કરતા આતંકીઓ પોતાની ઓળખ છુપાવી શકતા હતા. કારણ કે, ટેલીફોન એકસચેન્જ તેને ભારતીય નંબર તરીકે જ ફોનની ડિસ્પ્લેમાં દર્શાવતું હતું. તમામ ફોન કોલ્સ વીઓઆઈપી ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવતા હતા. જે વિદેશી કોલ હોવા છતાં સામાન્ય ટેલીકોમ જેવા નંબરો દર્શાવે છે.