એકવારએક જીજ્ઞાસુએ સંતને સવાલ કર્યો, સ્વામીજી આપ હંમેશા કહ્યા કરો છો કે, જીવ-જગત, જડ-ચેતન, એ સર્વેમાં હરીહર વ્યાપ્ત છે?
સ્વામીએ કહ્યું કે, સાવ સાચી વાત છે ભાઈ તો પછી સામે નદીમાં નીર વહે છેએ તો આપણને નીર તરીકે જ દેખાય છે. આ ઝાડ પાન ફૂલ છોડ, જુઓ તે તો તેવા જ દેખાય છે. જેવા છે તેવા જ વર્તાય છે! એમાં હરિહર કેમ દેખાતા નથી!
વળી આપ કહો છો, ભગવાન આસુતોષ અંતર્યામી છે તે આપણા મનની વાત અને ભાવ જાણી શકે છે, પહેચાની શકે છે, આપણે એના અંશ છીએ સાગરમાં બિન્દુ અને બિન્દુમાં સાગરનીજેમ જીવ અને શિવ બંને એક જ છે, તોઆપણે એના અંશ હોવા છતા અન્યની વાત કેમ જાણી શકતા નથી! અરે કોઈનીય અંશ માત્ર ગંધ આપણને કેમ આવતી નથી!
આ મહત્વનો મુંઝવતો સવાલ સાંભળી સંત ગંભીર વદને બોલ્યા, બેટા સામે નદીમાં તરતી પેલી નાવ તનેદેખાય છે!
હા સ્વામીજી.
એ હોડી નદીમાં જ તરે છે ને? સ્વામીજીએ ફરી પ્રશ્ર્ન પૂછયો.
હાસ્તો કેમ ! આગુંતક ભાઈ અકડાયા.
ત્યારે સ્વામીજી બોલ્યા, જો વત્સ આ મારા કમંડળમા પણ પાણી ભર્યુ છે, તો શું આ કમંડળમાં એ હોડી તરી શકશે?
એમ કેમ બની શકે?
કેમ ન બની શકે? આ કમંડળમાં પણ પાણી છે. ત્યાં પણ પાણી છે, જેમા હોડી તરે છે.
સ્વામીજી તમારી વાત સાચી, બંનેમાં પાણી છે, પરંતુ આ બંને જળ-રાશીમાં આસમાન જમીનનો ફર્ક છે. કયાં આ અલ્પ માત્રામાં પાણી અને કયાં પેલુ અપાર વહેતુ પાણી, સ્વામીજીની આ રહસ્યમયી વાત ન સમજાતા પેલા ભાઈએ પ્રતિ પ્રશ્ર્ન કર્યો.
ત્યારે સ્વામીજીએ સરળતાથી સમજાવતાં કહ્યું, ભાઈ મારૂ પણ તને એજ કહેવું છે, ઈશ્ર્વર અનંત, અનાદી, અમાપ છે. જયારે જીવ અલ્પ છે. શિવ સર્વશ છે. જયારે જીવ અલ્પજ્ઞ છે.માયાની છાયામાં, લીલાપતિની લીલામાં જીવ એવો લપેટાયો છે કે, એમાંતી બહાર નીકળવું મુશ્કેલ છે. કરોડીયાની જાળની જેમ જીવ એમાં એવી અટવાઈ ગયો છે, ભાન ભૂલી ગયો છે કે, કોઈ માર્ગ નથી મળતો. પરિણામે પોતે કોણ છે? શેમાં અટવાયો છે? એ જાણી શકતો નથી. ભગવાને એવી અજબ માયા રચી છે. એમાં જીવ જબ્બર સલવાયો છે. આમાંથી છૂટે, આ બંધન તૂટે તો જ દિવ્ય દ્રષ્ટિ ફૂટે, માયાનું આવરણ ટળે તો જ અવિનારી મળે, ત્યારે જીવ અને શિવમાં કોઈ ભેદ ન વર્તાય, જીવ-શિવ બંને એક બની જાય.