ગુજરાત સમાચાર
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી એક દુઃખદ ઘટના પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હમણાં જ સમાચાર મળ્યા કે વડોદરામાં એક બોટ પલટી જવાના કારણે પાંચ લોકોના મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે. ભગવાન આ તમામ લોકોની આત્માને શાંતિ અર્પે. મોતનો આંકડો વધવાની શક્યતાઓ હજુ પણ રહેલી છે. PPP ધોરણના રવાડી ચડેલી સરકાર એવા કોન્ટ્રાક્ટરોને કામ સોંપી દે છે ,જેઓ ઘણીવાર લાઇફ જેકેટ વગર પણ લોકોને બોટિંગ કરાવતા હોય છે અને નિયમોનું પાલન કરતા નથી, જેના કારણે લોકો જીવ ગુમાવે છે અને આવું વારંવાર થતું આવ્યું છે.
દુઃખદ બાબત એ છે કે આના પર કોઈ ધ્યાન દેતું નથી. મોરબી બ્રિજ ઘટના હોય, લઠ્ઠાકાંડની ઘટના હોય કે અમદાવાદમાં પણ આવી ઘટેલી એક ઘટના હોય, આ દુર્ઘટનાઓ બાદ એ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે અને તે જ કંપનીઓને ફરીથી કામ સોંપવામાં આવે છે. આ ભાજપનો જૂનું ખેલ છે. મુખ્યમંત્રી સમક્ષ અમારી માંગણી છે કે આ ઘટનાના જવાબદાર લોકોને એક દાખલારૂપ સજા આપવામાં આવે અને ફરી ક્યારેય પણ આવી ઘટના ન ઘટે તે માટે તંત્રમાં જરૂરી સુધારા કરવામાં આવે. સાથે સાથે અમારી માંગણી છે કે મૃતકો અને ઘાયલ લોકોને આર્થિક સહાય આપવામાં આવે.