સૌપ્રથમ વખત ચારણીયા સમાજ દ્વારા અનેરા ઉત્સાહ સાથે આયોજન: ધો.૧ થી ૧૨ના ૭૫૧ થી વધુ છાત્રોનું કરાશે અદકે‚ સન્માન
ચારણીયા સમાજને સેંકડો વર્ષો પહેલા આત્મગૌરવ અપાવનાર પૂ.જગદંબા આઈશ્રી નાગબાઈ ર્માંના પ્રાગટય મહોત્સવ નિમિતે સૌપ્રથમ વખત રાજકોટમાં આગામી તા.૨૫મી જુને રવિવારે અષાઢી બીજના પાવન દિવસે શોભાયાત્રા, વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને સમુહ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ ઉપરાંત છેક રાજસ્થાન સુધી ગામડે-ગામડે ચારણીયા સમાજના ઘરે ઘરે સ્ટીકર લગાવીને સૌપ્રથમ વખત યોજાનાર ધાર્મિક અને સામાજિક પ્રસંગમાં પધારવા આમંત્રણ પાઠવાયા છે. પરીણામે ચારણીયા સમાજમાં પણ જબરો ઉત્સાહ છવાયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી મૌખિક અને લેખિત આમંત્રણ મોકલીને નાગબાઈ માતાજીના જન્મોત્સવમાં નાનકડા નેશડાથી લઈને મોટા મહાનગર સુધીના વિસ્તારોનો ચારણીયા સમાજ મોટી સંખ્યામાં જોડાઈ એવા પ્રયાસો કરવામાં આવ્યા છે. રાજકોટમાં ચારણીયા સમાજ આયોજીત ભવ્ય શોભાયાત્રાનો તા.૨૫મી જુન, ૨૦૧૭ના રવિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે ત્રિકોણબાગથી પ્રારંભ થશે. વિશાળ શોભાયાત્રામાં સૌથી આગળ ૧૧ બુલેટ બાઈક ઉપર વિરાટ ધર્મધ્વજ સાથે ચારણીયા પહેરવેશમાં યુવાનો રહેશે. તેમની પાછળ સુશોભિત ભવ્ય રથમાં પૂ.શ્રીનાગબાઈ માતાજીની પાંચ ફુટ મોટી દિવ્ય તસવીર બિરાજમાન રહેશે. આ રથમાં ૧૧ ફુટથી પણ લાંબુ વિરાટ ‘ત્રિશુલ’ શોભામાં અભિવૃદ્ધિ કરશે. શાનદાર ડી.જે.ના સુર-તાલે આધ્યશકિતની ગરબાવલીની સંગાથે ચારણીયા સમાજની ત્રણ રાસ મંડળીઓ જબ‚ આકર્ષણ જમાવશે. આ સાથે રથયાત્રા ફરતે ૫૧ યુવાનો બાઈક ઉપર ભગવી ધ્વજા સાથે તૈનાત રહીને સુરક્ષાચક્ર બનશે. આ શોભાયાત્રામાં પરંપરાગત પહેરવેશ સાથે વડીલો તો ઠીક યુવાનો, બાળકો, યુવતીઓ, મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાશે. નાના બાળકોને પણ ચારણીયા સમાજના પરંપરાગત પહેરવેશમાં સજજ કરશે. આ ઉપરાંત કેટલાક નાના બાળકોને હિન્દુ ધર્મના વેશભુષામાં તૈયાર કરીને ભવ્ય શોભાયાત્રાને દિવ્ય બનાવાશે. આ તકે મોટી સંખ્યામાં ચારણીયા સમાજના જ્ઞાતિજનો ઉપરાંત અન્ય જ્ઞાતિ-સમાજના સામાજિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓના હોદેદારો વગેરે ખાસ ઉપસ્થિત રહીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે.
અષાઢી બીજના પાવન દિવસે સવારે ૧૦ વાગ્યે નાગબાઈ માતાજીના પુજન-અર્ચન બાદ ભવ્ય શોભાયાત્રા ત્રિકોણબાગથી પ્રસ્થાન પામીને માલવિયા ચોક, યાજ્ઞિક રોડ, સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ, રામકૃષ્ણ આશ્રમ, સરદારનગર મેઈન રોડ, એસ્ટ્રોન ચોક, એલ.આઈ.સી.રોડ, મહિલા કોલેજ ચોક, કાલાવડ રોડ, કોટેચા ચોકથી વળાંક લઈને પરત સ્વામિનારાયણ મંદિરથી આગળ વિરબાઈમાં મહિલા કોલેજ ખાતે બપોરે ૧૨ વાગ્યે સમાપન થશે. આખી શોભાયાત્રાનું સોશયલ મીડિયામાં લાઈવ કવરેજ પણ ચાલુ રહેશે.
રાજકોટમાં શ્રી વિરબાઈમાં મહિલા કોલેજ ખાતે બપોરે ૧૨ વાગ્યાથી ચારણીયા સમાજનો દ્વિતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે. જેમાં રેકોર્ડબ્રેક કહી શકાય એટલા ધો.૧ થી ૧૨ સુધીના ૭૫૧ થી પણ વધુ વિદ્યાર્થીઓને આકર્ષક શિલ્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવશે. કાર્યક્રમની વિગતો આપવા પ્રવિણભા ગોગિયા, પ્રવિણભા ચૌહાણ, યાજ્ઞિકભા ગોગિયા, મહેશભા આકુ, દિનેશભા ચૌહાણ, પ્રતાપભા ગોગિયા, જયેશભા ગર, પ્રદિપભા ગુગળીયા, પ્રવિણભા ડેંગળા, કેતનભા આકુ, નિકુંજભા રાઠોડ, જીતેશભા કબાડીયા અને પ્રવિણભા મોખરા સહિતના ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.