- મંગળવારે કિશન DY પાટિલ T20 કપમાં RBI તરફથી રમતા જોવા મળ્યો હતો.
- કિશન તેની પ્રથમ મેચમાં તે 11 બોલમાં માત્ર 19 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
Cricket News: છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન માત્ર મેદાનથી દૂર જ નથી પરંતુ વિવિધ કારણોસર ચર્ચામાં પણ હતો, પરંતુ હવે કિશને ક્રિકેટના મેદાનમાં વાપસી કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. મંગળવારે કિશન DY પાટિલ T20 કપમાં RBI તરફથી રમતા જોવા મળ્યો હતો.
કિશન ગયા વર્ષે નવેમ્બરથી ટીમમાંથી બહાર હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામેની T-20 શ્રેણીમાં ભારત માટે એક મેચ રમી હતી. ત્યારબાદ તેણે અંગત કારણોસર દક્ષિણ આફ્રિકા ટેસ્ટ પ્રવાસમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો અને ત્યારથી તે ઝારખંડ માટે રણજી ટ્રોફી મેચો સહિત ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી બહાર થઈ ગયો.
જો કે, ડીવાય પાટિલ T-20 કપમાં તેની વાપસી જોઈને કિશનના ચાહકો ખૂબ જ ખુશ છે, પરંતુ કિશન તેની વાપસી દરમિયાન કંઈ ખાસ કરી શક્યો ન હતો અને RBI તરફથી રમતા તેની પ્રથમ મેચમાં તે 11 બોલમાં માત્ર 19 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ મેચમાં રૂટ મોબાઈલે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 192 રન બનાવ્યા હતા. જવાબમાં ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલા કિશને 11 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 19 રન બનાવ્યા હતા.
આ ટૂર્નામેન્ટ પછી કિશન હવે IPL 2024માં સીધો જોવા મળવાનો છે, જ્યાં તે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે. IPLમાં કિશનનું પ્રદર્શન નક્કી કરશે કે તે ટી-20 વર્લ્ડ કપ 2024માં જશે કે નહીં કારણ કે અત્યારે તેના ફોર્મને લઈને કોઈ સકારાત્મક સમાચાર નથી અને શિસ્તને લઈને પણ ઘણી વાતો થઈ રહી છે.આવતો સમય કિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે.