સ્માર્ટ સિટીની આબરૂ લૂંટાણી
૧૫ દિવસ પહેલા ડામર રોડ બન્યો ને એક અઠવાડિયા બાદ ખોદી નખાયો, છેલ્લા છ દિવસથી ખોદેલો રોડ સ્થાનિકો માટે શિરદર્દ સમાન
એક તરફ રાજકોટને સ્માર્ટ સિટી કહેવામાં આવી રહ્યું છે. અહીં પ્રજાને આધુનિક સવલતો આપવા મહાપાલિકા પ્રયાસો કરી રહી છે. સામે જ મહાપાલિકાના અમુક અધિકારીઓ અને તેને લગત કોન્ટ્રાકટરો ભાંગરા વાટી સ્માર્ટ સિટીની આબરૂને ધુળધાણી કરી રહ્યાં હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિજય પ્લોટ વિસ્તારમાં એક કોન્ટ્રાકટરે વીના કારણે જ રોડ ખોદી નાખ્યો છે. ઉપરાંત આ કોન્ટ્રાકટરે પોતાની ભુલ છુપાવવા રોડને બુરવાની પણ તસ્દી ન લઈ તેને ખોદેલી હાલતમાં મુકી દીધો હોય સ્થાનિકો ભારે રોષે ભરાયા છે અને મહાપાલિકા સમક્ષ કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યાં છે.
રાજકોટ શહેરના વોર્ડ નં.૭માં આવેલા વિજય પ્લોટ શેરી નં.૨૨માં છેલ્લા ઘણા વર્ષથી રોડ-રસ્તાની હાલત કફોડી હતી. ચોમાસામાં અહીં પાણી ભરાવાની સમસ્યા પણ રહેતી હતી. અંતે તંત્રના આશિર્વાદ મળતા સ્થાનિકોનો આ પ્રશ્ર્ન દૂર થયો હતો અને નવો નક્ોર ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ બન્યાના હજુ ૧૫ દિવસ થયા છે. આ પૂર્વે છ દિવસ પહેલા એક કોન્ટ્રાકટરે સ્માર્ટ સિટીના કેમેરાના વાયરીંગના કામ માટે રોડના ખોદાણનો કોન્ટ્રાકટ લીધો હોય તેને જે રોડ ખોદવાનો હતો તેને બદલે ભુલથી વિજય પ્લોટ શેરી નં.૨૨નો રોડ ખોદી નાખ્યો હતો. સ્થાનિકોને થોડા દિવસ તો એમ થયું કે, હમણા કામ પૂર્ણ થશે અને રોડને ફરી વ્યવસ્થીત બનાવી દેવામાં આવશે પરંતુ છ દિવસ સુધી હજુ રોડ ઉપર ખાડા યથાવત છે. ઉપરાંત સ્થાનિકોએ થોડી પ્રાથમિક તપાસ હાથ ધરતા તેઓને ચોંકાવનારી વિગતો હાથ લાગી હતી. જેમાં સ્થાનિકોને જાણવા મળ્યું હતું કે, ખરેખર કોન્ટ્રાકટરને આ રોડ ખોદવાનો હતો જ નહીં તેને અન્ય વિસ્તારમાં રોડ ખોદવાનો હતો અને ભુલથી તેને આ રોડ ખોદી નાખ્યો હતો. પોતાની ભુલ છુપાવવા પણ કોન્ટ્રાકટરે આ રોડને બુરવાનું કામ ન કરી પોતે જાણે કોઈનાથી ડરતો ન હોય તેવું સાબીત કરી બતાવ્યું છે.
છ દિવસથી આ રોડ ખોદેલી હાલતમાં યથાવત રહ્યો છે, હજુ સુધી રોડને બુરવામાં આવ્યો ન હોય સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોજબરોજની કામગીરીમાં સ્થાનિકોને આ ખોદેલા રોડને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડેપ્યુટી એન્જીનીયરે હાથ ઉંચા કર્યા, કોર્પોરેશનની કોઈ જવાબદારી નહીં હોવાનું રટણ
સમગ્ર મામલે ‘અબતક’ની ટીમે ડેપ્યુટી એન્જીનીયર વી.પી.પટેલીયા સાથે વાતચીત કરતા તેઓએ પહેલા તો સત્તાવાર રીતે માહિતી આપવાની ના ભણી હતી. તેમ છતાં તેઓએ પ્રાથમિક વિગતો આપતા કહ્યું કે, આ કિસ્સામાં કોર્પોરેશનની કોઈ જવાબદારી નથી. જે ભુલ છે તે ઈશાન ઈન્ફ્રોટેક લીમીટેડ નામની એજન્સીની છે. તેને અગાઉ પણ બેદરકારી સબબ નોટિસ આપવામાં આવી હતી અને આ ભુલ બદલ પણ તેઓને નોટિસ ફટકારવામાં આવી છે.
આ એજન્સી દ્વારા રામનાથપરા, ભુપેન્દ્ર રોડ વગેરે જગ્યાએ સુચના મુજબ કામગીરી કરાયેલ નથી. જે ગંભીર બાબત હોય આ અંગે તેમને વારંવાર મૌખીક તથા ટેલીફોનિક સુચના આપવામાં આવી હોવા છતાં તેનું પાલન થતું ન હોય તેવું દર્શાવીને ખોદકામની કામગીરી બંધ રાખવા નોટિસ ફટકારવામાં આવી છે.
૬ દિવસથી હેરાન-પરેશાન, હવે તો કાર્યવાહી કરો: સ્થાનિકો
વિજય પ્લોટ શેરી નં.૨૨ના સ્થાનિકોએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, છેલ્લા છ દિવસથી તેઓ હેરાન-પરેશાન છે. આ મામલે તેઓએ લગત તંત્રને રજૂઆત પણ કરી છે. પરંતુ તેનું કોઈ પરિણામ મળ્યું નથી. છેલ્લા છ દિવસથી હાલાકીનો સામનો કરવાની સાથે સાથે એવી પણ આશામાં હતા કે, આજે ખોદાણ બુરવાનું કામ થશે, કાલે થશે પરંતુ કોઈ નિવેડો આવ્યો નહીં. હજુ આ ખોદેલા રસ્તા યથાવત છે.
નોટિસ ભેદી રીતે ગુમ !
ડેપ્યુટી એન્જીનીયર વી.પી.પટેલીયાએ એવું કહ્યું કે, કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી દેવામાં આવી છે પરંતુ કોન્ટ્રાકટરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેને કોઈ નોટિસ મળી નથી. જો કે, ડેપ્યુટી એન્જીનીયરે નોટિસનો ફોટો પણ બતાવ્યો છે. તેનો અર્થ એ થાય છે કે, નોટિસ ઈસ્યુ તો થઈ છે પરંતુ કોન્ટ્રાકટરને નોટિસ કેમ ન મળી તે પણ ૧૦૦ મણનો સવાલ છે.
અમે રોડ વ્યવસ્થિત બનાવી આપીશું: કોન્ટ્રાકટર
ઈશાન ઈન્ફ્રોટેક લીમીટેડના નિર્ભયભાઈએ ‘અબતક’ને જણાવ્યું કે, રોડ ખોદેલી હાલતમાં છે તેઓ તાત્કાલીક રોડને વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરશે. જો કે ઉલ્લેખનીય છે કે, ‘અબતક’એ તેમનો સંપર્ક કરતા પ્રથમ તેઓએ ઢાંક પીછોડો કરવાના પુરતા પ્રયાસો કર્યા હતા. ઉપરાંત એવું પણ કહ્યું કે, ત્યાના સ્થાનિકો ખોટી રીતે ઈસ્યુને મોટો બનાવી રહ્યાં છે.
ખોદેલા રસ્તાએ પાંચ થી છ લોકોના હાડકા ભાંગી નાખ્યા
ખોદેલા રસ્તાઓની બાજુમાં ઘર અને દુકાનો હોય સ્થાનિક રહેવાસીઓ તેમજ ત્યાંના વેપારીઓને આ ખાડા ઓળંગવા પડે છે તેઓના દૈનિક રૂટીનમાં તેઓએ ખાડા ઓળંગવાની ટેવ પાળવાની નોબત આવી છે. જો કે, ઘણી વખત ચૂક રહી જતાં તેઓ પડી પણ જાય છે. અત્યાર સુધીમાં ૫ થી ૬ લોકો આ ખાડાના લીધે ઉંધેકાંધ પડ્યા અને તેઓના હાડકા ખખડયા છે.
કોર્પોરેશન કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરી શકશે ?
રાજકોટ મહાપાલિકાના વિવિધ કામો કોન્ટ્રાકટ બેઈઝ પર વિવિધ એજન્સીને સોંપવામાં આવે છે. ત્યારે ઘણી એજન્સીઓ રાજકીય આકાઓના આશિર્વાદથી ચાલતી હોય તેની સામે ક્યારેય હકીકતમાં કાર્યવાહી થતી નથી માત્ર દેખીતી રીતે નોટિસ-નોટિસની રમત રમાતી હોય છે. વિજય પ્લોટમાં ભુલથી રોડ ખોદી નાખવાના કિસ્સામાં જે એજન્સીનું નામ ચર્ચાસ્પદ બન્યું છે તે એજન્સીને તો ભૂતકાળમાં પણ બેદરકારી સબબ નોટિસ ફટકારવામાં આવી હતી. હવે ફરી બીજી વખત ગંભીર ભુલ આ એજન્સીએ કરી હોય મહાપાલિકા આ એજન્સીને બ્લેક લીસ્ટ કરી શકશે કે નહીં ? તે પણ પ્રશ્ર્ન છે. કારણ કે જો આ એજન્સી ઉપર પણ રાજકીય આકાઓના હાથ હશે તો તેની સામે મહાપાલિકાના અધિકારીઓનો પન્નો ટૂંકો પડવાનો છે તે સ્વાભાવીક છે.