ગુજરાતના ઉજામાં મુખ્ય પાક તરીકે લેવાતું ઈસબગુલ હવે ‘ગુલ’ થઈ રહ્યું છે. દેશી ઓસડીયા તરીકે ઈસબગુલ ખૂબજ ગુણકારી છે. જયારે હુંડીયામણમાં પણ તે ‘કિંમતી’ છે પરંતુ ઓછા વરસાદ અને ઓછી કિમંતના કારણે તેનું વાવેતર ઓછુ થઈ ગયું છે. માર્કેટ એકસપર્ટના જણાવ્યા પ્રમાણે ઈસબગુલનું ૨૦૧૮-૧૯માં ૩૦ ટકા ઉત્પાદન થયું છે. મહત્વનું છે કે ડિસેમ્બર ૨૦૧૭ ૩૯૬૬ હેકટરમાં ઈસબગુલનું વાવેતર કરવામાં આવ્યું હતુ અને હાલ ૧૯૫૧૪ હેકટરમાં તેનું વાવેતર થયું છે. જે અગાઉ કરતા ૮૦ ટકા ઓછુ છે. પાણીની તંગી અને પાકને થતા નુકશાનને કારણે ખેડુતો ઈસબગુલનો પાક લેતા નથી.

કચ્છ અને ગુજરાતમાં ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. જોકે ઈસબગુલના પાકમાં જો વાતાવરણમાં ફેરફાર થાય કે પછી પાણીની તંગી હોય તો ખૂબજ સાવચેતી રાખવી પડે છે. ઓછા વરસાદને કારણે ઈસબગુલનો પાક નબળો પડી રહ્યો છે. ૨૦૧૭-૧૮માં ઈસબગુલનું ઉત્પાદન ગુજરાતમાં ૧.૮૮ લાખ મેટ્રીક ટન થયું હતુ ઈસબગુલના પાકમાં ઓછામા ઓછુ છ થી સાત વાર પાણીની જરૂર પડે છે. જો કે સરકાર દ્વારા નર્મદાનાનીર હજીસુધી પૂરતા પ્રમાણમા મળતા ન હોવાથી પાકને નુકશાન થાય છે.

મહત્વનું છે કે ૨૦૧૬-૧૭માં ૨૦ કિલો ઈસબગુલની કિંમત ૨૨૦૦થી ૨૫૦૦ હતી જયારે આ વર્ષે ઈસબગુલની કિમંત ૧૦૦૦ થી ૧૩૦૦ રૂપીયા છે. ઈસબગુલના ઘટતા વાવેતરને કારણે ઉત્પાદન પર પણ તેની અસર થાય છે. જેને કારણે ખેડુતોને નુકશાની ભોગવવી પડે છે.

ઉલ્લેખનીય છે કે ૯૦ ટકા ઈસબગુલ એકસપોર્ટ થાય છે. જેમાં યુએસ, ચાઈના, જાપાન અને ઓસ્ટ્રેલીયા તેમજ યુરોપ ક્ધટ્રીમાં થાય છે. સારી ગુણવત્તા વાળા ઈસબગુલને મલ્ટી નેશનલ કંપનીઓ અને ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા ખરીદવામાં આવે છે.

આવા ઘર આંગણાના દેશી ઓસડીયાના કેટલાક ફાયદા વિષે જાણીએ.

– ઈસબગુલ નું પાણીનું સેવન રકતમા વધી રહેલી શર્કરને ઓછી કરવામાં મદદરૂપ છે.

– હરસ મસાની તકલીફમાં પણ ઈસબગુલનું સેવન કરવાથી લાભ થાય છે.

– પેટના દુ:ખાવો, ઝાડા- કે ઉલ્ટીમાં ઈસબગુલ ખૂબજ ઝડપથક્ષ અસર કરે છે.

– જો તમને પાચન સંબંધીત સમસ્યા રહેતી હોય તો ઈસબગુલ તેમા રાહત અપાવે છે. દરરોજ ભોજન લીધા પહેલા ગરમ દૂધ સાથે ઈસબગુલનું સેવન પાચન તંત્ર ને વધારે દૂરસ્ત કરે છે.

– જોઈન્ટ પેઈન હોયતો ઈસબગુલનું સેવન રાહત આપે છે. આ ઉપરાંત દાંતના દુ:ખાવામાં પણ તે ઉપયોગી છે. વિનેગરમાં મિકસ કરી ઈસબગુલને દાંતમાં લગાવવાથી દુ:ખાવામાં રાહત રહે છે.

– કફની તકલીફ હોય તો ઈસબગુલનો ઉકાળો પીવાથી રાહત થાય છે.

– વજન ઉતારવામાં ફાઈબર યુકત ઈસબગુલ ઉપયોગી છે. આ ઉપરાંત હૃદયને સ્વસ્થ રાખવામાં પણ ઈસબગુલ ઉપયોગી છે.

– ઈસબગુલનું સેવન માથાના દર્દ માટે ઉપયોગી છે. નિલગીરીના પાંદડા સાથે તેનો લેપ તૈયાર કરી માથામાં ચોપડો જેથી રાહત થાય છે. સાથે જ ડુંગળીના રસમાં ઈસબગુલ ભેળવી તેનો ઉપયોગ કરવાથી કાનની પીડામાં રાહત રહેશે.

– ઉલ્લેખનીય છે કે ઈસબગુલના ઘરગથ્થુ ઉપચારથી ઘણી બધી સમસ્યાઓમાં રાહત થાય છે. ત્યારે આ દેશી ઓસડીયું બરબાદ થઈ રહ્યું છે. આશરે રૂ.૨ હજાર કરોડની નિકાસ કરતુ ઈસબગુલનું માર્કેટ તુટી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.