દેશભરમાંથી ૧૦૦ વિદ્યાર્થીઓને યુથ સાયન્ટીસ્ટ પ્રોગ્રામ અંતર્ગત તાલીમ આપવા ઈસરોની તૈયારી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) માટે વર્ષ ૨૦૧૮ ખુબજ સફળ નીવડયું હતું. ૨૦૧૮માં ઈસરોએ એકી સાથે ૩૨ સેટેલાઈટો લોન્ચ કરવાની સાથે કેટલાક મહત્વકાંક્ષી અવકાશી મીશનોના કાર્યોને પણ વેગ આપતા પ્રોજેકટો લોન્ચ કર્યા હતા. ત્યારે આ વર્ષે દેશની યુવા પેઢીને ટેકનોલોજી અને શિક્ષણના સમન્વયથી સેટેલાઈટ અવકાશમાં છોડવાની તકો આપવા ઈસરોએ કમરકસી છે. ઈસરો દેશભરમાંથી પ્રેકટીકલ, અનુભવ અને પોતાના સ્કીલ ધરાવતા ઈન્ટેલીઝન્ટ ૧૦૦ વિદ્યાર્થીઓનું ચયન કરશે.
યુથ સાયન્ટીસ્ટ પ્રોગ્રામ અંતર્ગત ઈસરો યુવા પેઢીને તૈયાર કરશે. ઈસરોના ચેરમેન કે.શીવને કહ્યું હતું કે, અમેરિકન સ્પેશ એજન્સી (નાસા) દ્વારા આ પ્રકારના મિશનો ચલાવાય છે તેવી જ રીતે ભારતમાં પણ યુવા પેઢીએ પણ અવકાશ માટે પ્રયોગો કરવાની તક મળે તેવા હેતુથી યુથ સાયન્ટીસ્ટ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. ૨૯ રાજયોમાંથી દરેક રાજયના ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને આ યોજનામાં સમાવેશ કરવામાં આવશે.
ભારતના ૭ કેન્દ્ર શાસીત પ્રદેશોમાં ઈસરો દ્વારા લેકચરો લેવામાં આવશે. ત્યાંથી સિલેકટ કરાયેલા યંગ સાયન્ટીસ્ટોને સ્પેશ એજન્સીમાં શીખવાની તકો આપવામાં આવશે. વધુમાં કે.શીવને ઉમેર્યું કે, અમે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ દ્વારા નાની સેટેલાઈટો બનાવતા શીખવવા માંગીએ છીએ. જો તેમની બનાવેલી સેટેલાઈટ ખરેખર ટકાવ અને સારી હશે તો તેને અવકાશમાં પણ મોકલવા ઈસરો સહકાર આપશે. દેશના વિવિધ પ્રાંતોમાં ઈસરોએ આ યોજન માટે ૬ સેન્ટરો બનાવ્યા છે. જેના પહેલા કેન્દ્રની શરૂઆત ત્રિપુરાના અગરતલાથી થશે.