આયુર્વેદિક અને ગુણોથી ભરપુર ખોરાક લીવરને રાખશે હેલ્ધી
હેલ્ધી લીવર, હેપ્પી લાઈફ
શરીરનું સૌથી મહત્વનું અને મલ્ટીટાસ્કિંગ અંગ લીવર આપણને બીમારીઓથી રક્ષણ આપવાની સાથે સાથે કોલેસ્ટ્રોલ નિયંત્રણ, રકત સ્ત્રાવ, વિટામીનની આવશ્યકતા સહિતની મહત્વની ફરજ પૂરી પાડે છે અને આપણને સ્વસ્થ રાખવાની ભૂમિકા ભજવે છે પરંતુ શું આપણે આપણા લીવરની સંભાળ કરીએ છીએ ? જયાં સુધી કોઈપણ જાતનો રોગ કે બીમારી ન થાય ત્યાં સુધી જનરલ ચેકઅપ તો દૂર આપણે દવાખાનાની આસપાસ પણ ફરકતા નથી. આજ પ્રકારની માનસીકતાને કારણે ગંભીર બીમારીઓ વકરે છે અને ત્યારબાદ તેનો ઈલાજ લગભગ અશકય બને છે.
જો લીવરમાં એલર્જી, પાચનમાં તકલીફ જેવી સમસ્યા થાય અથવા કોલેસ્ટ્રોલની તકલીફ પડે તો લીવરમાં ટોકસીન એટલે કે, ઝેરી કિટાણુ હોવાની શકયતાઓ છે. માટે જ આયુર્વેદમાં કેટલાક ફળો અને ખોરાક વિશે જણાવાયું છે. જે આપણા લીવરને હેલ્ધી અને હેપ્પી રાખશે. કારણ કે, લીવરને શરીરનું એન્જીન ગણવામાં આવે છે જે પાચનની સાથે સાથે મેટા બોલીઝમ અને શરીરમાં જરૂર પડતા વિટામીન ઉમેરવા માટે ખૂબજ મહત્વની ભૂમિકા ભજવે છે.
લસણ : લીવરમાં રહેલા ઝેરી તત્ત્વોનું નાશ કરવાનું કાર્ય કરે છે તેમાં મોટી માત્રામાં એન્ટિઓકસીડન્ટ, એન્ટીબાયોટીક જે શરીર અને લીવરને સ્વચ્છ કરવાનું કામ કરે છે.
ગાજર : ગાજર સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ખ્યાલ રાખે છે. જેમાં લીવરને હેલ્ધી રાખવાના ગુણો હોય છે. ગાજરમાં રહેલ વીટામીન-એ લીવરને રોગ મુકત રાખવા માટે ખુબજ મદદરૂપ બને છે.
સફરજન: કહેવાય છે કે, જેના પેટ સાફ તેના દર્દ માફ તેમ ડાયઝેસ્ટીવ સીસ્ટમ માટે તેમજ લીવરને ટોકસીન મુકત રાખવા માટે સફરજન ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે માટે સફરજનનું સેવન કરવું હિતાવહ છે.
અખરોટ: અખરોટ એમીનો એસીડથી ભરપુર હોય છે. રેગ્યુલરપણે અખરોટનું સેવન કરવાથી લીવર સ્વચ્છ રહે છે.
ગ્રીન ટી : વિશ્વમાં સૌથી વખણાતુ અને પીવાતુ પીણુ એટલે ગ્રીન ટી, ગ્રીન ટીમાં પ્લાન્ટ બેઝડ એન્ટીઓક્સિડન્ટ હોવાથી તે લીવરના ફંકશનને સુવ્યવસ્થિત કરવાનું કાર્ય કરે છે.
લીલોતરી : આપણે વડીલો પાસેથી પણ સાંભળ્યું હોય કે સૌથી વધુ લીલોતરી ખાવાથી આરોગ્ય જળવાય રહે છે. ત્યારે લીલા શાકભાજી શરીરના રક્ત સ્ત્રાવને વ્યવસ્થિત રાખવાની સાથે શરીરમાં કેટલાક મહત્વના વિટામીન્સની જરૂરીયાતને પૂર્ણ કરે છે.
હળદર : હળદરને એક ઔષધ ગણવામાં આવે છે. તેમાં રહેલ આયરન, મીનરલ, ચરબીનું નિયંત્રણ કરવાની સાથે લીવરને પણ નુકશાન થતું બચાવે છે.