Abtak Media Google News
  • ફાયર પંપ, ઇમરજન્સી એકઝીટ, ફાયર લિફ્ટ, રેફ્યુઝ એરિયા સહીતની અનેક ખામીઓ મામલે અમદાવાદ મનપાથી માંડી વડાપ્રધાન કાર્યાલય સુધી લેખિત ફરિયાદ
  • અગ્નિકાંડની રાહમાં?

રાજકોટમાં બનેલી ગોઝારી ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનામાં સત્તાવાર રીતે 27 લોકો જીવતા ભડથું થઇ જતાં હતભાગીઓની મરણચિસોથી આખુ રાજકોટ ધ્રુજી ઉઠ્યું હતું. મામલામાં એસઆઈટીની રચના કરવામાં આવી અને તપાસમાં ગેમઝોનમાં ફાયર એનઓસી, ગેરકાયદે બાંધકામ, ગેરકાયદે જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ સહીતની અઢળક ગુનાહિત બેદરકારીએ અગ્નિકાંડ જેવી ગોઝારી ઘટનાને જન્મ આપ્યાનું સામે આવ્યું હતું. આ ગુનાહિત બેદરકારી ફક્ત ગેમઝોનના સંચાલકોની જ નહિ પણ લગતા વળગતા સરકારી વિભાગોની પણ હતી તેવું માનીને ટીપીઓ સહીત ચાર અધિકારીઓને પણ આરોપી બનાવી ધરપકડ કરવામાં આવી છે અને બીજી બાજુ રાજ્યભરમાં ફાયર એનસોસી તેમજ ગેરકાયદે બાંધકામ ધરાવતી મિલ્કતોને સીલ મારવાની ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ તમામ કાર્યવાહી વચ્ચે મોટો ઘટસ્ફોટ થાય તેવા અહેવાલ મળી રહ્યા છે. રાજ્યનો નંબર 1 પેલેડીયમ મોલ જે અમદાવાદમાં આવેલો છે તેમાં અઢળક ત્રુટીઓ હોવાના પુરાવા સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથોસાથ વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદ કરવામાં આવ્યાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદના થલતેજ વિસ્તારમાં ગુજરાતનો નંબર 1 પેલેડીયમ મોલ આવેલો છે. રાહ મહેલ જેવા દેખાતા મોલમાં ફાયરના સાધનોથી માંડી બીયુ પરમિશન અને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મેળવવા માટે અનેક ખામીઓ છુપાવી લેવામાં આવી હોય તેવી ફરિયાદ પ્રશાંત વાસુદેવ ખત્રી નામના જાગૃત નાગરિકે તેમના એડવોકેટ શિવરાજસિંહ પરમાર મારફત અમદાવાદ મનપા, વડાપ્રધાન કાર્યાલય, ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત, રાજ્યના મુખ્યમંત્રી સહિતને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

સમગ્ર મામલે ફરિયાદી પ્રશાંત ખત્રી અને એડવોકેટ શિવરાજસિંહ પરમારે ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફરિયાદી મૂળ બોપલના રહેવાસી છે અને પોતાના પરિવાર સાથે અવાર નવાર પેલેડીયમ મોલ જતાં હોય છે. એક અઠવાડિયા પૂર્વે જયારે રાજકોટની ગેમઝોનની ગોઝારી ઘટના બની ત્યારે તેઓ ધ્રુજી ઉઠ્યા અને તેમને ગુજરાતના નંબર 1 મોલ એટલે કે પેલેડીયમ મોલમાં પણ ફાયર સેફટીથી માંડી યોગ્ય એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ સહીતની બાબતોમાં અનેક ખામીઓ હોવાનું ધ્યાને આવતા તેમણે સમગ્ર મામલે તેમના એડવોકેટ શિવરાજસિંહ પરમારને જાણ કરી હતી. જે બાદ એડવોકેટ શિવરાજસિંહ પરમારે આ દિશામાં તપાસ કરતા પેલેડીયમ મોલ ફિનિક્ષ ગ્રુપ દ્વારા સંચાલિત હોય તેવું ધ્યાને આવ્યું હતું.

ત્યારબાદ વધુ તપાસ હાથ ધરતા ધ્યાને આવ્યું હતું કે, પેલેડીયમ મોલમાં કુલ ત્રણ બાબતોમાં ત્રુટી જણાઈ આવી હતી. જેમાં પ્રથમ ત્રુટી વિશે જણાવતા શિવરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, ફાયરના સાધનો ખુબ જ ટાંચા હોવા છતાં ફાયર એનસોસી આપી દેવામાં આવી છે. ફાયર સેફટી વિશે તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની બિલ્ડીંગને એસેમ્બલી બિલ્ડીંગની વ્યાખ્યામાં ગણવામાં આવે છે. હવે આ પ્રકારમાં બાંધકામમાં પ્રતિ 1200 સ્કવેર ફૂટના બાંધકામમાં એક ફાયર લિફ્ટ હોવી જરૂરી છે. જેની સામે દરેક માળ પર આશરે 12000 સ્કવેર ફૂટના બાંધકામમાં ફક્ત 6 લિફ્ટ કાર્યરત છે. ત્યારે ખરેખર પેલેડીયમ મોલમાં કુલ 30થી વધુ લિફ્ટની જરૂરિયાત હોય તેવું સ્પષ્ટ છે પરંતુ તેના પાંચમા ભાગની લિફ્ટ જ કાર્યરત હોય અને હજારો લોકો જયારે બહુમાળી મોલમાં હાજર હોય ત્યારે ફક્ત 6 લિફ્ટ મારફત દુર્ઘટના સમયે લોકોનું બહાર નીકળવું અશક્ય છે.

ઉપરાંત ફાયર સેફટીના નિયમો અનુસાર દરેક માળ પર બે રેફ્યુઝ એરિયા હોવા જરૂરી છે. જેનો ઉપયોગ આગ સહીતની ઘટના સમયે લોકો આશ્રય લેવા માટે કરતા હોય છે. આ બંને રેફ્યુઝ એરિયા એક બીજાની સામ-સામે હોવા જોઈએ તેવા નિયમો છે. જેની સામે પેલેડીયમ મોલમાં દરેક માળ પર ફક્ત એક જ રેફ્યુઝ એરિયા છે. ન કરે નારાયણ જો એકમાત્ર રેફ્યુઝ એરિયા પાસે જ આગ લાગે તો જ્યાં સુધી ફસાયેલાં લોકોને મદદ મળે ત્યાં સુધી આશ્રય ક્યાં લેવો તે મોટો સવાલ છે.

વધુમાં અરજદારે જણાવ્યું છે કે, આ પ્રકારના બાંધકામમાં દર 25 મીટરના અંતરે ફાયર એકઝીટ સ્વરૂપે પગથિયાં હોવા જરૂરી છે જેથી લોકો તાતકાલિક બહાર નીકળી જીવ બચાવી શકે પરંતુ તેની સામે ખુબ ઓછા ફાયર એકઝીટ આપવામાં આવેલ છે.

ફાયર એનસોસી બાદ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સમાં રહેલી ખામીઓ અંગે અરજદારે જણાવ્યું છે કે, પેલેડીયમ મોલમાં જયારે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ લેવામાં આવ્યું ત્યારે એવુ દર્શાવવામાં આવ્યું ન હતું કે, મોલની અંદર આશરે 50 જેટલાં રેસ્ટોરેન્ટ અને ફૂડ કોર્ટ આવેલા છે.

 આ તમામ રેસ્ટોરેન્ટ અને ફૂડકોર્ટ ચોથા અને પાંચમા માળે આવેલા છે.

હવે હંમેશા આગની શરૂઆત રેસ્ટોરેન્ટના કિચન એરિયામાંથી થતી હોય છે કારણ કે, અહીં એલપીજી ગેસ તેમજ જ્વલનશીલ પદાર્થ વિપુલ માત્રામાં હાજર હોય છે. હવે જયારે રેસ્ટોરેન્ટની સંખ્યા ઓછી દર્શાવીને ક્લિયરન્સ મેળવવામાં આવ્યું હતું તેનો સૌથી મોટો પુરાવો એ છે કે, પેલેડીયમ મોલનું સંચાલન કરતી સંસ્થાએ પાછળથી આ બાંધકામ માટેનું એક્સપાન્સન મુકવામાં આવ્યું છે જે હજુ સુધી મંજુર થઇને આવ્યું પણ નથી તેમ છતાં મોલ ધમધમી રહ્યો છે.

‘અબતક મીડિયા’એ પેલેડીયમ મોલનો સંપર્ક કરતા ફ્લોર પરના કર્મચારીએ મેનેજરનો નંબર આપવા નનૈયો ભણ્યો

સમગ્ર મામલે ’અબતક’ મીડિયા દ્વારા પેલેડીયમ મોલના મેનેજમેન્ટનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે પેલેડીયમના ફ્લોર પરના કર્મચારી ’અવની મેડમે’ તેમના જવાબદાર જનરલ મેનેજર ‘માઇકલ સર’નો નંબર પણ આપવાનો નનૈયો એવુ કારણ આપતાં ભણી દીધો હતો કે, આ પ્રકારની ફરિયાદો તો રોજ થતી જ હોય છે અને અમને જરૂર લાગશે તો અમે આપનો સંપર્ક કરીશું તેવું કહીને ફોન મૂકી દીધો હતો. તો શું ’અવની’ મેડમને આ બાબતો સાવ નાની લાગે છે? શું તમે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છો? શું નિર્દોષ લોકોના જીવની તમને કોઈ કિંમત સુધા નથી? આ તમામ સવાલો ઉઠ્યા છે.

2850 લિટર/મિનિટની જરૂરી ક્ષમતા સામે 2280 લિટર/મિનિટનો ફાયર પંપ

પેલેડીયમ મોલમાં ફાયર એનઓસી લેતી વેળાએ આગ સામે લડવા માટે પાણીથી ભરેલા ફાયર પંપની ક્ષમતા અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં એવુ દર્શાવાયું હતું કે, મોલમાં રહેલ ફાયર પંપની 2280 લિટર પ્રતિ મિનિટનો ક્ષમતાવાળો પંપ આવેલો છે પરંતુ ખરેખર મોલમાં 2850 લિટર પ્રતિ મિનિટવાળો પંપ હોવો જરૂરી છે જેથી આટલી મોટી બિલ્ડીંગમાં આગ લાગે તો તેની પર કાબુ મેળવી શકાય.

પેલેડીયમ મોલને તાત્કાલિક ક્લોઝર આપીને ત્રુટીઓ સુધારી લેવા માંગ

અરજદાર દ્વારા અમદાવાદ મનપાથી માંડીને વડાપ્રધાન કાર્યાલય સુધી જયારે લેખિત ફરિયાદ આપવામાં આવી છે ત્યારે અરજદારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટીઆરપી ગેમઝોન જેવી કોઈ જ ઘટના પેલેડીયમ મોલમાં સર્જાય નહિ તેવા ઉદેશ્ય સાથે અમે ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મોલને તાત્કાલિક અસરથી ક્લોઝર આપીને અંદર રહેલી ત્રુટીઓ જેમાં ફાયર પંપ, રેફ્યુઝ એરિયા, ફાયર એકઝીટ, ફાયર લિફ્ટ સહીતની ત્રુટીઓ સુધારી લેવામાં આવે.

ફિનિક્ષ ગ્રુપ સંચાલિત પુણે અને મુંબઈના મોલમાં થોડો સમય પૂર્વે જ લાગી’તી આગ

અરજદારના જણાવ્યા અનુસાર પેલેડીયમ મોલનું સંચાલન ફિનિક્ષ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. હવે આ ગ્રુપ સંચાલિત પુણે અને મુંબઈના મોલમાં થોડા સમય પૂર્વે જ આગની ઘટના બનવા પામી હતી. ત્યારે જો આ ગ્રુપના બે મોલમાં આગ લાગી ચુકી હોય ત્યારે હવે પેલેડીયમ મોલમાં પણ આ પ્રકારની દુર્ઘટના બને તેની રાહ જોઈ શકાય નહિ.

બે રેફ્યુઝ એરિયાની સામે ફક્ત એક જ રેફ્યુઝ એરિયા

ફાયર સેફટીના નિયમો અનુસાર દરેક માળ પર બે રેફ્યુઝ એરિયા હોવા જરૂરી છે. જેનો ઉપયોગ આગ સહીતની ઘટના સમયે લોકો આશ્રય લેવા માટે કરતા હોય છે. આ બંને રેફ્યુઝ એરિયા એક બીજાની સામ-સામે હોવા જોઈએ તેવા નિયમો છે. જેની સામે પેલેડીયમ મોલમાં દરેક માળ પર ફક્ત એક જ રેફ્યુઝ એરિયા છે. ન કરે નારાયણ જો એકમાત્ર રેફ્યુઝ એરિયા પાસે જ આગ લાગે તો જ્યાં સુધી ફસાયેલાં લોકોને મદદ મળે ત્યાં સુધી આશ્રય ક્યાં લેવો તે મોટો સવાલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.