- ઇડીની ધરપકડ બાદ આપે ભારતની ન્યાય પ્રણાલીને પડકારી અને ઘર્ષણ કોર્ટ સુધી પહોચવા સુધીનો આખો ઘટનાક્રમ આમ આદમી પાર્ટીને શહીદી તરફ ધકેલતો હોવાનો સંકેત
- હાઇકોર્ટમાંથી કેજરીવાલને કોઈ રાહત ન મળી, ઇડીની કાર્યવાહી પૂર્ણ થતાં બાદ હજુ સીબીઆઈ દ્વારા પણ ધરપકડની દહેશત, કેજરીવાલ સામે કાર્યવાહી લાંબો સમય ચાલે તેવી પ્રબળ શકયતા
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા દારૂ નીતિ કૌભાંડમાં ધરપકડ બાદ એક પછી એક નવા ઘટના ક્રમો સામે આવી રહ્યા છે. આપે ભારતની ન્યાય પ્રણાલીને પડકારી અને ઘર્ષણ કોર્ટ સુધી પહોચવા સુધીનો આખો ઘટનાક્રમથી એવા સંકેતો મળી રહ્યા છે કે ટિમ કેજરીવાલ કેસરિયા એટલે કે શહીદી વ્હોરવાના મૂડમાં છે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં 21 માર્ચે ધરપકડ કરાયેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે. બીજી તરફ કેજરીવાલે ઇડીની ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટે આ અરજીમાં સુનાવણી કરી ગઈકાલે કેજરીવાલને કોઈ રાહત આપી ન હતી. જો કે ઇડીની કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા ન્યાય સંહીતાને પડકાર ફેંકવામાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. તો બીજી તરફ આપના લીગલ સેલ દ્વારા કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવાના કાર્યક્રમો ઘડાયા હતા. આ આખા ઘટનાક્રમ આમ આદમી પાર્ટીની દિશા અને ભવિષ્ય નક્કી કરે છે.
વધુમાં અરવિંદ કેજરીવાલની પત્નીએ પણ નિવેદનો જાહેર કર્યા છે જેમાં તેઓએ કહ્યું છે કે આ દારૂ કૌભાંડની તપાસમાં ઇડી એ છેલ્લા બે વર્ષમાં 250થી વધુ દરોડા પાડ્યા છે. તેઓ કથિત કૌભાંડના પૈસા શોધી રહ્યા છે પરંતુ હજુ સુધી એક પણ દરોડામાં તેમને પૈસા નથી મળ્યા. આ મામલે ઇડીએ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા, સંજય સિંહને ત્યાં દરોડા પાડ્યા, સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પાડ્યા પરંતુ તેમને પૈસા નથી મળ્યા. હવે કેજરીવાલે કહ્યું છે કે તેઓ આનો ખુલાસો 28મી માર્ચે કોર્ટમાં કરશે. તેઓ તેના પુરાવા પણ આપશે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે મારું શરીર જેલમાં છે પણ મારી આત્મા તમારી વચ્ચે છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 28 માર્ચ સુધી એટલે કે આજ સુધી ઇડીની રિમાન્ડમાં છે. આ દરમિયાન કેજરીવાલને તેમની પત્ની સુનીતા અને અંગત સચિવ વિભવ કુમારને દરરોજ મળવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ મુખ્યમંત્રી સાંજે 6 થી 7 દરમિયાન તેમના વકીલ મોહમ્મદ ઈર્શાદ અને વિવેક જૈનને મળી શકે છે.
કેજરીવાલ આજે હાઇકોર્ટમાં પોતાના બચાવ માટે કરશે મોટો ધડાકો
અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી કોર્ટને આજે જણાવશે કે દારૂના કથિત કૌભાંડના પૈસા ક્યાં ગયા. પુરાવા પણ રજૂ કરશે. સુનીતાએ ભાવુક સ્વરમાં કહ્યું કે કેજરીવાલનું શુગર લેવલ સારું નથી. તેમણે લોકોને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે સૌની મીટ મંડરાયેલી છે કે કેજરીવાલ હાઇકોર્ટમાં શુ ધડાકો કરવાના છે.
જો કોર્ટ પરિસરમાં વિરોધ પ્રદર્શન થશે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે હાઇકોર્ટ
આમ આદમી પાર્ટીના લીગલ સેલ દ્વારા કેજરીવાલની ધરપકડના વિરોધમાં જિલ્લા અને હાઈકોર્ટ પરિસરમાં વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પર દિલ્હી હાઈકોર્ટે બુધવારે કડક ચેતવણી આપી છે. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ મનમોહનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે જો દિલ્હીની અદાલતોમાં કોઈ પ્રદર્શન થશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. કોર્ટમાં પ્રદર્શન કેવી રીતે થઈ શકે તે અંગે કોર્ટે પ્રશ્ન કર્યો હતો. હાઈકોર્ટમાં પ્રદર્શન સામે વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટ પરિસરમાં વિરોધને લઈને દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં વકીલે કહ્યું હતું કે કોઈના રાજકીય હેતુઓ માટે કોર્ટને યુદ્ધનું મેદાન બનાવવું યોગ્ય નથી. કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહનની બેન્ચે કહ્યું, ‘તમારા માટે એ સમજવું વધુ સારું રહેશે કે જો કોર્ટ પરિસરમાં પ્રદર્શન થાય છે તો તેઓએ જોખમ ઉઠાવવા માટે તૈયાર રહેવું જોઈએ, તેના ગંભીર પરિણામો આવશે. કોર્ટમાં આવવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે, કોઈને રોકી શકાય નહીં, જો કોઈ સામાન્ય લોકોને રોકશે તો તેના ગંભીર પરિણામો આવશે.
દિલ્હીના મુખ્યમંત્રીનું રાજીનામુ અથવા રાષ્ટ્રપતિ શાસન આ બે જ વિકલ્પ ?
શું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે? આ અંગેની ચર્ચા ઘણા દિવસોથી ચાલી રહી છે. આ દરમિયાન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના નિવેદનથી વધુ એક નવી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ બુધવારે સ્પષ્ટ કર્યું કે જેલમાંથી સરકાર ચલાવી શકાય નહીં. સક્સેનાએ કહ્યું, ‘હું દિલ્હીના લોકોને ખાતરી આપવા માંગુ છું કે સરકારને જેલમાંથી ચલાવવામાં નહીં આવે.’ આમ તેઓએ આટલું જ નિવેદન આપીને સ્પષ્ટ ઈશારો કર્યો કે જો જેલમાંથી સરકાર ચલાવવામાં આવશે તો રાષ્ટ્રપતિ સાશન પણ લાદવામાં આવી શકે છે.
રાષ્ટ્રપતિ શાસન ત્યારે જ લાદી શકાય જ્યારે અન્ય કોઈ વિકલ્પ ન હોય : આપ
ભાજપ દ્વારા દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના મામલે કેજરીવાલ સરકારમાં કેબિનેટ મંત્રી આતિશીએ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 અને જીએનસીટીડી એક્ટનો ઉલ્લેખ કર્યો છે. આતિશીએ કહ્યું કે,સીબીઆઈ, ઇડી અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ વિરોધ પક્ષો અને નેતાઓ ખાસ કરીને અરવિંદ કેજરીવાલને નિશાન બનાવવા માટે ફાયદો ઉઠાવી રહી છે. આતિશીએ કહ્યું કે દેશનો કાયદો એકદમ સ્પષ્ટ છે કે રાષ્ટ્રપતિ શાસન ત્યારે જ લાદી શકાય જ્યારે અન્ય કોઈ વિકલ્પ ન હોય. સુપ્રીમ કોર્ટે પણ કલમ 356ના મુદ્દે ઘણી વખત ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિ શાસન ત્યારે જ લાદી શકાય જ્યારે તે રાજ્યના શાસન માટે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હોય. તેથી, જો આજે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે, તો તે સ્પષ્ટ થશે કે આ માત્ર રાજકીય બદલાની ભાવનાથી લેવામાં આવેલો નિર્ણય છે. તેનો ઉપયોગ સંસ્થાઓ દ્વારા વિરોધને દૂર કરવા માટે કરવામાં આવ્યો છે.