જલારામ હોસ્પિટલમાં તબીબોની ઘોર બેદરકારીથી દર્દીનો ભોગ લેવાયો
દાઢમાં દુ:ખાવા બાદ મગજમાં અસર પહોંચ્યા પછી દર્દીને આઈસીયુમાં દાખલ કરાયા, અચાનક છાતીમાં કાળો દાગ પડી ગયા બાદ દર્દીએ દમ તોડ્યો
દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ… આ મંત્ર ઉપર પોતાનું જીવન સમર્પણ કરનારા એવા સૌરાષ્ટ્રની ધરાના મહાન સંત જેમનું નામ જલારામ બાપા છે. આ નામ ઉપર હોસ્પિટલ ખોલીને દર્દીઓને દુ:ખ દેતી એવા જલારામ હોસ્પિટલે સમગ્ર આરોગ્ય ક્ષેત્રને કલંક લગાડ્યું હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય રીતે લોકો પોતાના દર્દ દુર કરવા હોસ્પિટલે જતાં હોય છે પણ આ હોસ્પિટલ તો દર્દની સાથો સાથ દર્દીના જીવને પણ તેના શરીરથી દૂર કરી દેવામાં માહેર હોય. ભારે જનાક્રોશ જોવા મળી રહ્યો છે. આ હોસ્પિટલની ગંભીર બેદરકારીથી એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે… તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હોસ્પિટલે દર્દીના પરિવાર ઉપર આક્ષેપો કરીને જાણે માનવતા જ ખત્મ થઈ ગઈ હોય તેના દ્રષ્ટાંત આપી રહી છે.
જલારામ હોસ્પિટલમાં તબીબોની ઘોર બેદરકારીથી દર્દીનો જીવ ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેથી ત્યાં સફેદ કપડામાં તબીબના વેશમાં ભગવાનનું રૂપ છે કે શેતાનનું રૂપ તેના ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે. જ્યાં સુધી આ મામલે કોઈ કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાની પણ મનાઈ ફરમાવી દીધી છે.
શહેરના બાબરીયા કોલોની ખાતે રહેતા દર્દી મીનાબેન રાઠોડનું સવારે ૮:૩૦ જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું છે.
તા. ૨૫ જાન્યુઆરીના રોજ ત્યાં હોસ્પિટલના તબીબોની બેદરકારીને લીધે તેમના છાતીના ભાગે દાઝવાનો કાળો ડાઘો જોવા મળ્યો હતો ત્યારે સમગ્ર ઘટનાની જાણ તેમના પુત્ર દેવેનભાઇ રાઠોડને થતા તેઓએ હોસ્પિટલના મેનેજમેન્ટ સ્ટાફ ને વાત કરી ત્યારે હોસ્પિટલના તબીબો દ્વારા અલગ-અલગ જવાબ આપવામાં આવ્યા સૌપ્રથમ એવું જણાવ્યું કે આ દાગ દાજી જવાના કારણે થયો છે.ત્યારબાદ એવું જણાવ્યું કે તેમને મચ્છર અથવા તો જીવડું કરડી ગયું હોય શકે છે.
કોઈ મૂળભૂત કારણ ગણાવ્યું નહીં ત્યારબાદ દેવેનભાઇ રાઠોડે જલારામ હોસ્પિટલ ખાતે આવી પહોંચતા તબીબોએ હકીકત કબુલતા કહ્યું કે વોર્ડમાં શોર્ટ સર્કિટના લીધે એમના મમ્મીને છાતીના ભાગે આ કાળો ડાઘ થયો છે ત્યારબાદ કોઈપણ તબીબોએ દર્દીના પરિવારજનો સાથે વાત કરી નથી. આજે સવારમાં મૃત્યુ નિપજતા હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ સવારના ડોક્ટરો પણ હજી સુધી દર્દીના પરિવારજનોને મળ્યા નથી. દર્દીના પરિવારજનોને શેના કારણે મૃત્યુ થયું છે તેનો જવાબ હજી મળ્યો નથી તેમજ ત્યાં સુધી જે જવાબદાર ડોક્ટરો છે તે હોસ્પિટલ ખાતે નહીં આવે ત્યાં સુધી દર્દીના પરિવારજનો તેમની બોડીને ફોરેન્સિક પીએમ રિપોર્ટ કરાવવા લઈ જશે નહીં. તેવી ચીમકી ઉચ્ચારી હતી.
જો કે બાદમાં નિધિ પટેલ નામના એક તબીબે ત્યાં આવીને પરિવારને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા. તેઓએ જણાવ્યું કે દર્દીની સ્થિતિ ક્રિટિકલ હતી. તેઓને મગજમાં અસર થઈ હતી. જેથી તેઓ કોમાંમાં સરી પડ્યા હતા.
મગજના નિષ્ણાંતનું મગજ ચસ્ક્યું: “મીડિયાએ લોકોના પ્રશ્ર્નોમાં ઉંડા ઉતરવાની ગુસ્તાખી ન કરવી”
મગજના નિષ્ણાંત તરીકે ઓળખાતા અને રાજકારણમાં સક્રિય એવા જલારામ હોસ્પિટલના ટ્રસ્ટી ડો.હેમાંગ વસાવડાનું મગજ જાણે ચસ્કી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. ‘અબતક’ મીડિયા ગરીબ પરિવારના દુ:ખમાં વહારે આવી ચોથી જાગીર તરીકે પોતાનો ધર્મ બજાવતું હોય, દર્દીના મોતના આ પ્રકરણમાં હોસ્પિટલને અરીસો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું હોય જે ડો.હેમાંગ વસાવડાને પસંદ ન પડતા તેઓએ ઓન કેમેરા એવો બફાટ કરી નાખ્યો કે, મીડિયાએ આવી બાબતોમાં વધુ ઉંડુ ઉતરવું ન જોઈએ અને દૂર રહેવું જોઈએ. ઉપરાંત તેઓએ એવું પણ કહ્યું કે, મીડિયા ભુંગળા લઈને દોડ્યા રાખે છે અને અમે તેને પોષીએ છીએ. ઉલ્લેખનીય છે કે, ડો.હેમાંગ વસાવડાએ દર્દીના પરિવાર ઉપર એવો આક્ષેપ કર્યો છે કે, આ પરિવારને બીલ ન ભરવું પડે તે માટે તે અગાઉથી જ ખુબ કચકચ કરતો હતો અને બીલના ભારથી બચવા માટે તેણે આવું કર્યું છે. જે પરિવારે સ્વજન ગુમાવ્યો છે તેઓને સાંત્વના પાઠવવાના બદલે ડો.હેમાંગ વસાવડાએ તે પરિવાર પર આક્ષેપબાજી ચલાવી હતી. આમ ભણી ગણીને ઉચ્ચ ડિગ્રીઓ મેળવી ન્યુરો સર્જન તરીકે કાર્યરત એવા ડો.હેમાંગ વસાવડા મોતનો મલાજો પણ ન જાળવીને માનવતા ચૂક્યા છે.
શોર્ટ સર્કિટ વગરનો અગ્નિકાંડ: પરિવારને ન્યાયની આશા
અગાઉ અગ્નિકાંડ થયો હતો તેમાં શોર્ટ સક્રિટ જવાબદાર હતો પણ જલારામ હોસ્પિટલમાં તો શોર્ટ સક્રિટ વગર અગ્નિકાંડ સર્જાઈ ગયો છે. હોસ્પિટલની બેદરકારીથી કોઈ મશીનરીનો શોર્ટ લાગતા દર્દીનો જીવ ગયો છે ત્યારે હતભાગી પરિવાર ન્યાયની આશા લઈને બેઠું છે. હવે જોવું એ રહ્યું કે, એક તરફ રાજકારણમાં સક્રિય એવા ટ્રસ્ટી અને બીજી તરફ એક સામાન્ય પરિવાર, કોની જીત થાય છે.
છાતીએ કાળો દાગ શોર્ટ સર્કિટના લીધે દાજી જવાથી પડ્યો : તબીબોએ અંદરખાને સ્વીકાર્યું!!
મૃતક દર્દીના પુત્ર દેવેનભાઈ રાઠોડના જણાવ્યા મુજબ તેમના માતાને આઇસીયુમાં દાખલ કર્યા બાદ ગત તા.૨૫ના રોજ તેમની છાતીએ કાળો દાગ જોવા મળ્યો હતો. તેઓએ તબીબોને આ અંગે પૂછ્યું પણ તબીબોએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. પણ બાદમાં અંદરખાને સ્વીકારી લીધું કે શોર્ટ સર્કિટના કારણે દાજી જવાથી આ દાગ પડ્યો છે.
મૃતદેહને ફોરેન્સિક માટે મોકલાયો
એક તબીબે આવીને પરિવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં પોલીસે પણ આ મામલે સમજાવટ કરી હતી. જેથી અંતે પરિવારે માનીને મૃતદેહને ફોરેન્સિક માટે મોકલવાની મંજૂરી આપી હતી. હવે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ જાણવા મળશે.