સગીરાની સતામણીના કેસોમાં ફકત 6 વર્ષમાં 14%થી વધુનો ઉછાળો
વિકાસમાં હરણફાળ ભરી રહેલા ગુજરાત અંગે એક ચોંકાવનારા આંકડા પ્રાપ્ત થયાં છે. સગીરા પર દુષ્કર્મ સહિતના કેસોમાં ગુજરાત દેશભરના રાજ્યોથી આગળ છે. કેન્દ્રીય પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન એન્ડ સ્ટેટિકસ મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
સગીરા સામેના કુલ ગુનાઓમાં આ પ્રકારના ગુનાઓની ટકાવારી 2021માં 53.39% હતી જે વર્ષ 2016માં ફકત 37.09% હતી.
રાષ્ટ્રીય સરેરાશની સામે ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. 2016માં દેશભરમાં સગીરા સામેના જાતીય ગુનાઓની ટકાવારી 32.33% હતી, જે 2021માં વધીને 39.22% થયો હતો. જો કે, ગુજરાતનો આંકડો સમગ્ર દેશની સરખામણીમાં 14.17% વધુ નોંધાયો હતો, તેવું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
એકતરફ જાતીય સમાનતાની વાત કરવામાં આવે છે બીજી બાજુ અન્ય પાસાઓ તરફ નજર કરવામાં આવે તો દહેજ સહિતના ગુન્હાઓમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. લગ્ન બાદ પણ પત્નીની દહેજ માટે હેરાનગતિ સહિતના કેસોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.