વિધાનસભાની ચુંટણીને હવે આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષ દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલની હાલત કફોડી છે. સુરેન્દ્રનગરના થાનમાં આવેલી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ માટે બેડની વ્યવસ્થા નથી.
થાનની સરકારી હોસ્પિટલમાં મહિલા અને બાળકો અને દર્દીઓ જમીન પર સુઈ અને સારવાર મેળવી રહ્યા છે. ચૂંટણીના સમયે સારા આરોગ્ય બાબતે પ્રવચન કરતા નેતાઓ થાન ની સરકારી હોસ્પિટલ સામે પણ નજર કરે તે જરૂરી છે. એક તરફ આરોગ્ય પાછળ કરોડો નો ખર્ચ કરતી સરકાર પરિણામ આપવા માં નિષ્ફળ નીવડી રહી છે તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
થાન સરકારી હોસ્પિટલમાં ગર્ભનિરોધને લગતી સમસ્યા સહિતના ઓપરેશન માટે આવતી મહિલાઓ ને પણ જમીન પર સુઈ અને સારવાર લેવી પડે છે.અનેક વખત સરકારને રજુઆત કરાઈ છે પણ પરિણામ મળતું નથી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
ગરીબ અને માધ્યમ વર્ગના લોકો સારી સારવાર માટે સરકારી હોસ્પિટલનો સહારો લે છે ત્યારે અહી આવનાર દર્દીઓની હાલત જ કફોડી બની છે. નાના બાળકો ને રાખવા ની સગવડતા પણ હોસ્પિટલમાં નથી. હોસ્પિટલ બહાર વૃક્ષ નો સહારો લઈ બાળકો ને રાખવા પડી રહયા છે. થાન સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓના નામે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે લોકોને પુરતી સુવિધા ક્યારે મળશે એ જોવાનું રહ્યું !!!