વોર્ડ. ૮
ભાજપ શાસનમાં કોંગી નગરસેવકનું ઉણું ઉતરવું તે ભાજપ માટે ઉજળી તક
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?
રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.
જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
વોર્ડ નંબર ૮ ભાજપનો ગઢ રહ્યો છે.વોર્ડ નંબર ૮ માં. છેલ્લી ટર્મ માં ભાજપનું શાસન હતું.આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પરિવર્તન લાવશે તેવો કોંગી અગ્રણીઓ દાવો કરી રહ્યા છે. વોર્ડ નંબર ૮ ની કુલ વસ્તી ૭૮,૮૬૬ છે .જેમાં પુરુષ મતદારોની સંખ્યા ૩૨,૦૪૯ છે જ્યારે સ્ત્રી મતદારો ૩૧,૪૬૮ છે. વોર્ડ નંબર ૦૮ના મુખ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો અમીન માર્ગ ,નિર્મલા કોંવેટ રોડ,હનુમાન મઢી ચોક, અંબિકા પાર્ક,રાજહંસ, વૈશાલી નગર, મહાદેવ વાડી મેઈન રોડ, સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ રોડ ,કોટેચા ચોક, કેકેવી હોલ, નાલંદા પાર્ક , ગોલ્ડન પાર્ક, માયાણી નગર રોડ સહિતના મુખ્ય વિસ્તારો આવેલ છે.ભાજપના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ઘેડિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી લોકો માટે કામ કરી રહી છે માટે અન્ય પક્ષના નગર સેવકો લોકો પસંદ જ ન કરે. લાઈટ,પાણી, ગટર સહિતની તમામ સુવિધાઓ વોર્ડ નંબર ૮ માં ૨૪ કલાક ઉપલબ્ધ છે.લોકોને એક પણ પ્રશ્ને હાલાકી નથી.
પરિવર્તન જરૂરી પરંતુ કોંગ્રેસમાં સક્ષમ આગેવાનો જ નથી!!
વોર્ડ ૮ ના રહેવાસી અને કોંગ્રેસ ના નેતા જશવંતસિંહ ભટ્ટી એ આ વોર્ડમાં કોંગ્રેસની જીતની આશા સેવી રહ્યા છે. જશવંતસિંહ ભટ્ટીએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સૌથી મોટી ટ્રાફિક સમસ્યા વોર્ડ નંબર ૮ માં છે. ડામર રોડ બન્યા પછી પણ કોઈના કોઈ બહાને રોડ ને ખોદી નાખવામાં આવે છે.તંત્ર દ્વારા અનેક ભ્રષ્ટાચાર પણ થયેલ છે. યુવાનો હવે જાગૃત થયા છે માટે વોર્ડ નંબર ૮ માં પરિવર્તન ચોક્કસ આવશે.વોર્ડ નંબર ૮ ના રહેવાસીઓએ જણાવ્યું હતું કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ પરંતુ વિપક્ષમાં કોઈ સક્ષમ આગેવાનો જ નથી અમે વિશ્વાસ કોના પર મૂકીએ ? કોંગ્રેસ ને મત આપીએ તો પક્ષ પલટીને ભાજપમાં પ્રવેશે છે. કોંગ્રેસને પોતાના ઉમેદવારો જીતાડવા હોઈતો સક્ષમ નિર્વિવાદી ઉમેદવારો ને ટીકીટ આપવી જોઈશે.હાલ વોર્ડ માં સંપૂર્ણ વિકાસ કાર્ય થયા છે.