કાચિંડાની જેમ કલર બદલતા કોરોનાની એક પછી એક લહેર આવી રહી છે. બીજી લહેરની હજુ તો કળ વળી નથી ત્યાં દરવાજે ત્રીજી લહેરે દસ્તક દઇ દીધી હોવાના રિપોર્ટ સામે આવી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સત્તાવાર રીતે કહ્યું કે ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બે કેસ નોંધાયા છે. કોરોનાના આ નવા વેરિયન્ટના દેશમાં અત્યારસુધીમાં 48 કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે સૌથી વધુ નુકશાન પહોંચાડ્યું હતું જે હવે દેશ અને રાજ્યમાં અંત તરફ છે પરંતુ આ સમયે વિજ્ઞાનિકોએ એવી પણ ચેતવણી આપી હતી કે કોરોનાની ત્રીજી લહેર આવશે જે બીજી લહેર કરતાં પણ વધુ ઘાતક હશે. ત્યારે ડેલ્ટા પ્લસ વેરિયન્ટને ત્રીજી લહેર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના એક દર્દીનું મોત થયું હોવાની વાત પણ સામે આવીછે. આ વાતની પુષ્ટી ખુદ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કરી છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ દર્દીની સંખ્યા 20 પર પહોંચી ગઇ છે. ઉજ્જૈનમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી સંક્રમિત બે દર્દી સામે આવ્યા હતા જેમાંથી એક મહિલા દર્દીનું મોત થઇ ગયું હતું.
શું છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ?
કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ખુબ જ સંક્રમિત ડેલ્ટા વેરિયન્ટનું જ બદલાયેલું સ્વરૂપ છે. ભારતમાં બીજી લહેર માટે ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર હોવાનું કહેવામાં આવે છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (B.1.617.2.1) ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2)માંથી જ આવેલા બદલાવથી બન્યું છે. ડેલ્ટા વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં આવેલા એક બદલાવ (મ્યૂટેશન)ને કારણે ડેલ્ટા પ્લસ બન્યો છે. સ્પાઇક પ્રોટીનથી જ વાયરલ શરીરમાં ફેલાય છે. ડેલ્ટા પ્લસના સ્પાઇક પ્રોટીનમાં જે બદલાવ જોવા મળ્યા છે તે બદલાવ સાઉથ આફ્રિકામાં સૌથી પહેલા જ જોવા મળેલા બીટા વેરિયન્ટમાં પણ જોવા મળ્યા છે.
મહારાષ્ટ્રના કોવિડ19 ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર શશાંક જોશીનું કહેવું છે કે કોરોના વાયરલના ડેલ્ટા પ્લસ સ્વરૂપને લઇને ચિંતા કરવા માટે હાલ પર્યાપ્ત આંકડા નથી. તેઓએ ટ્વીટ કરી રહ્યું કે આપણે અત્યારે માત્ર એક જ વાતની ચિંતા કરવી જોઇએ કે આપણે બે માસ્ક લગાવી, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળનું જોઇએ અને વેક્સીન લઇને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જોઇએ.