દવાઓની ખરાઈ કરવા ઈ-ફાર્મસી સાથે સંકળાયેલી કંપનીઓ પાસે નિષ્ણાંત તબીબો અને કવોલીફાઈડ ફાર્માસીસ્ટની ફૌજ
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના દાવા અનુસાર ભારતમાં મળતી દર ૧૦ દવાઓમાંથી એક દવા નકલી-બોગસ છે. એસોસીએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ઈન્ડિયાના મત પ્રમાણે ભારતમાં મળતી ૨૫ ટકા દવાઓ છે. ભારતમાં બોગસ દવાઓનું બજાર અધધધ રૂ.૪ હજાર કરોડને આંબી ગયું છે. આ આંકડા પરથી લોકોના આરોગ્ય ઉપર બોગસ દવાના દુષણથી કેટલો ભયંકર ખતરો છે તે ફલીત થાય છે.
આ દુષણ અંગે ફાર્માસ્યુટીકલ્સ ઈન્ડસ્ટ્રી પણ ચિંતીત છે. બોગસ દવાઓનું પ્રમાણ ઘટાડવા ફાર્મા કંપનીઓએ પગલા લીધા છે. જેને ઈ-ફાર્મસીએ સરળ કરી દીધુ છે. દવાઓનું ઓનલાઈન વેંચાણ કરતી મેડલાઈફ નામની કંપની બોગસ દવાઓ મામલે લોકોને જાગૃત કરે છે અને પોતે વેંચેલી દવાની ગુણવત્તાની ગેરંટી પણ આપે છે. ડિસ્ટ્રીબ્યુટર્સના વેરીફીકેશનની પ્રોસેસ ખુબજ કડક છે.
સુત્રોના મત અનુસાર કોઈ વિસ્તારમાં રહેલો મેડીકલ સ્ટોર કયાંથી અને કોની પાસેથી દવા મંગાવે છે તેની જાણ રહેતી નથી. પરિણામે દવાઓની ગુણવત્તા ઉપર પ્રશ્ર્નો ઉઠે છે. ક્રાઈમ બ્રાંચે તાજેતરમાં દરોડા પાડીની દિલ્હીમાંથી ૯૦ હજાર બોગસ-નકલી કેપ્સ્યુલ-ટેબલેટ પકડી હતી. આ પ્રકારના બનાવ દેશભરમાંથી જાણવા મળે છે. માટે બોગસ દવાઓના દુષણને નાથવા ઈફાર્મસી અકસીર ઉપાય સાબીત થઈ શકે છે.
કેટલીક દવાઓ એવી હોય છે કે, જેને પ્રકાશ, હવામાન અને વાતાવરણ મામલે કાળજીપૂર્વક એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી પડે છે. સામાન્ય દુકાનમાંથી દવા ખરીદી તેને ઘરે કે હોસ્પિટલે લઈ જવા સુધીમાં આવી તકેદારી રાખવામાં કયારેક ઉણપ રહી જાય તેવી દહેશત હોય છે. જો કે ઈ-ફાર્મસીમાંથી મંગાવેલી દવાઓ ફૂલપ્રુફ ડિલીવરી થાય છે. કંપનીઓ પાંચ તબકકાની કોલ્ડ ચેન પ્રોસેસને અનુસરે છે. જયાં સુધી ખરીદદાર પાસે દવા ના પહોંચે ત્યાં સુધી તેની ગુણવત્તાને જાળવી રાખવામાં આવે છે.
દવાઓની ખરીદી વખતે સૌથી મહત્વનો મુદ્દો વિશ્ર્વસનીયતા છે. દવા બોગસ છે કે નહીં તે જાણવા ઈ-ફાર્મસી સાથે સંકળાયેલી કંપનીઓ મલ્ટી પ્રિસ્ક્રીપ્શન પધ્ધતિને અનુસરે છે. દર્દીના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મેડલાઈફ જેવી કંપનીઓ ૨૨ વખત પ્રિસ્ક્રીપ્શન ચેક કરાવે છે જેનું ચેકિંગ નિષ્ણાંત તબીબો તેમજ કવોલીફાઈડ ફાર્માસ્ટીસ હોય છે. પરિણામે સ્થાનિક ફાર્મસીના સ્થાને ઈ-ફાર્મસીનો વ્યાપ ખૂબજ ઝડપથી વધી રહ્યો છે.
આવતીકાલે ઈ-ફાર્મસીના વિરોધમાં ગુજરાતમાં ૨૫ હજારથી વધુ દવાની દુકાનો હડતાલ પાળશે
ગુજરાતના ૨૫૦૦૦થી વધુ કેમીસ્ટો આવતીકાલે દેશવ્યાપી હડતાલમાં જોડાશે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ દ્વારા ઈ-ફાર્મસીના વિરોધમાં દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ અને જામનગર સહિતના શહેરોમાં કેમીસ્ટ ધરણા કરે તેવું પણ જાણવા મળે છે. ડોકટરે લખી આપેલી દવાનું ઓનલાઈન વેંચાણ કરવાથી લોકોના સ્વાસ્થ્ય પર જોખમ રહેશે તેવો દાવો કેમીસ્ટ કરી રહ્યાં છે.
સરકાર પણ આ મામલે નિષ્ક્રીય હોવાનું કેમીસ્ટનું કહેવું છે. ઈ-ફાર્મસીના કારણે નાના વેપારીઓને આર્થિક માર પડશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. દવાઓનું ઓનલાઈન વેંચાણ કરનારી કંપનીઓ ૫૦ થી ૭૦ ટકા માતબર ડિસ્કાઉન્ટ આપતી હોવાથી આ પ્રકારની સ્પર્ધામાં દવાના સ્થાનિક વેપારીઓ ટકી શકશે નહીં તેવું પણ માનવામાં આવે છે.