પ્રધાન એટલે કે મુખ્ય, મહત્વનું કે અગ્રેસર એવો અર્થ થાય. રાજા રજવાડાના સમયથી પ્રધાનના હોદ્દાપર એક પ્રજાજનની નિમણૂક થતી. રાજા પછીનો જેનો હોદ્દો આવે એ જ પ્રધાન. આપણો દેશ પુરુષપ્રધાન દેશ છે એ તો આપણે સૌ જાણીએ છીએ. દરેક કાર્યોમાં પુરુષ ’પ્રધાન’ રહેતો. આખી સમાજ વ્યવસ્થા પુરુષની આસપાસ રચાયેલી હતી. આર્થિક,સામાજિક,વ્યવહારિક,રાજકીય આવા તમામ હોદ્દા અને જવાબદારી પુરુષ સંભાળતો અને સ્ત્રીને માત્ર પુરુષના આદેશને અનુસરવાનું રહેતું. એ સમયમાં દરેક અધિકાર મોટાભાગે પુરુષના રહેતા અને સવલતો પણ મોટાભાગે પુરુષને જ મળતી. શિક્ષણથી લઈને રાજકારણ અને અર્થોપાર્જનથી લઈને આધિપત્ય સુધીનું તમામ પુરુષોના ખાતે રહેતું. સત્તરમી સદી પહેલાં સ્ત્રીઓના હક્ક,અને અધિકારો માટે કાયદામાં પણ કોઈ ખાસ જોગવાઈ ન હતી કે પછી જે હતી એ બાબતથી સ્ત્રીઓ જાગૃત ન હતી.
સત્તરમી સદી પછી થોડો બદલાવ આવ્યો. વિદેશની રહેણીકરણી અને વિચારસરણી સાથે જોડાયેલી સ્ત્રીઓએ ભારતીય સ્ત્રીઓમાં જાગૃતિ લાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે સ્ત્રીઓ ભણતી અને હોદ્દો સાંભળતી થઈ. આઢાર અને ઓગણીસમી સદીમાં તો સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું વધી ગયું. ટેક્નોલોજીનો યુગ શરૂ થયો, નવા નવા વેપાર ધંધાનો વિકાસ થયો અને જેમ જેમ દેશની પ્રગતિ થતી ચાલી એમ એમ વેપાર વાણિજ્ય,રાજકારણ,શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં મહિલાઓનું સ્થાન મજબૂત બનતું ચાલ્યું. મહિલાઓ પણ પુરુષ સાથે ખભે ખભો મિલાવીને અર્થોપાર્જન કરતી થઈ. આજે હવે કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં મહિલાઓ ન હોય.
બદલાતા સમય સાથે સ્ત્રી અને પુરુષના કાર્યક્ષેત્ર બદલાયા, વિચારસરણી અને માનસિકતા પણ બદલાઈ અને એ સાથેજ કેટલાક કાયદાઓ પણ બદલાયા. કાયદામાં પણ મહિલાના હિતને સ્થાન આપવામાં આવ્યું. એક જમાનામાં પિતાની મિલકત પર માત્ર પુત્રનો અધિકાર રહેતો એવો કાયદો હતો. આ કાયદો કદાચ એટલે પણ હોય કે એ સમયમાં વૃદ્ધ માતાપિતાની સંભાળ દીકરાઓ લેતા. એમની જવાબદારી અને ખર્ચ પણ દીકરાઓ જ ઉઠાવતા જેના કારણે માવતરની મિલકતના માત્ર દિકરાઓજ હકદાર હતા. એ પછી કાયદામાં સુધારો થયો. દીકરો દીકરી એક સમાન ગણાવવાની વાતને કાયદામાં પણ અમલી બનાવાયો અને દીકરીને પણ પિતાની મિલકતમાં બરાબરની ભાગીદાર ગણવામાં આવી.
વીસમી અને એકવીસમી સદીના સમયગાળામાં કાયદામાં ઘણા બદલાવ આવ્યા. જો કે આ સમયમાં મહિલાઓએ દરેક ક્ષેત્રોમાં મોટાભાગના હોદ્દાઓ હસ્તગત કરી લીધા. એમની સુરક્ષા, અધિકાર, ઘર અને કાર્યક્ષેત્રને સરખો ન્યાય આપી શકે એ કારણથી વિશેષાધિકારને ધ્યાનમાં લઈને અનેક નિયમો અને કાયદા બન્યા. સ્ત્રી પુરુષ એક્સમાન છે અને સ્ત્રીને પ્રસુતિ સમયે પુરુષ ઘરકામ અને પતિની જવાબદારી સંભાળી શકે એ કારણથી સરકારી ક્ષેત્રોમાં સ્ત્રીને પ્રસુતિ માટે રજા અપાય છે તો પુરુષને પણ ઘર અને પત્નીની સારસંભાળ માટે રજાઓ આપવાનો કાયદો બન્યો. નોકરી ધંધામાં કે સાસરિયામાં થતું શોષણ અટકાવવા માટે કાયદામાં સ્ત્રી તરફી ઘણા નવા સુધારાઓ આવ્યા.
કાયદાએ જ્યારે સ્ત્રીના રક્ષણ, એના અધિકારો માટે કાયદામાં આટલી બધી જોગવાઈ કરી છે ત્યારે કિસ્સાઓ એવા પણ સામે આવી રહ્યા છે કે કાયદાનો સહારો લઈને સ્ત્રી કોઈપણ પુરુષને જેલના સળિયા બતાવી રહી છે. સ્ત્રીની એક ફરિયાદથી પુરુષ જેલની હવા ખાતો અને કોર્ટના ચક્કર કાપતો થઈ જાય છે. આજકાલ વધી રહેલા છુટાછેડાના કિસ્સાઓમાં એવું પણ જોવા મળે છે કે પત્નીને સાસરે જવું નથી હોતું અને પતિ પાસે ભરણપોષણ પણ માગવું છે. આવા કિસ્સાઓમાં ઘણા નિર્દોષ પુરુષો પણ આજીવન ગુનેગાર જેવી સ્થિતિમાં મુકાઈ જાય છે. સ્ત્રી સુરક્ષા અને મહિલા અધિકાર સુરક્ષા સમિતિઓની સ્થાપના પછીથી તો મહિલાઓ જાણે કે લડાયક મિજાજમાં આવી રહી છે . પતિ કે સાસરિયા તરફથી જરા સરખો અસંતોષ કે અણગમતું વર્તન સસરિયાઓને બદનામી અને સજા અપાવી શકે છે.
સ્ત્રીઓની સુરક્ષા તેમજ તેનું શોષણ થતું અટકાવવા માટે બનતા કાયદાઓ આમતો સારા જ છે પરંતુ આ કાયદાનો આશરો લઈને આજકાલ સ્ત્રીઓનું સ્વચ્છંદપણું વધ્યું છે. સામાન્ય રીતે પુરુષપ્રધાન એવા ભારતમાં કદાચ ક્યાંય કોઈ પુરુષ લગ્નબાહ્ય સંબંધ ધરાવતો હોય તો સમાજે સ્વીકારેલી વાત હોય, પુરુષ છે એ તો આવું કરી શકે પરંતુ આવા સંબંધોમાં સ્ત્રીઓ પણ સરખીજ હિસ્સેદારી ધરાવે છે અને એ સંબંધો જોડાયેલા બન્ને પાત્રોની એકબીજાની ઇચ્છા અને સંમતિથી હોયબતો આજે કાયદો એને પણ સ્વીકારે છે. આવીજ રીતે સમલૈંગિક સંબંધોને પણ કાયદામાં સ્વીકૃતિ આપવામાં આવી છે જેના પગલે આજે સ્ત્રીઓ જાહેરમાં આવા સંબંધો સ્વીકારતી થઈ છે. કાયદામાં આપવામાં આવેલી આ બધીજ સ્ત્રી અધિકારોના રક્ષણની જોગવાઈમાં ક્યાંક પુરુષના હક્કો દબાઈ રહ્યા છે, નજરઅંદાજ થઈ રહ્યા છે.
સમાજમાં નજર કરીએ તો કાયદાના ડરથી સંબંધોને વળગી રહેનાર પુરુષોની સંખ્યા ઓછી નથી. એક જમાનામાં સ્ત્રી અન્ય સ્ત્રી એટલે કે બહેન,ભાભી,નણંદ કે દેરાની-જેઠાણી ની સમોવડી હતી જ્યારે આજે સ્ત્રી પિતા, પતિ કે ભાઈની સમોવડી છે. દરેક ક્ષેત્રે સ્ત્રીનું વર્ચસ્વ, કાયદો વધુ પડતો સ્ત્રી તરફી, ધંધા અને મકાનમાં પણ સ્ત્રીને મળતા લાભોના કારણે એમાં પણ સ્ત્રીનું નામ- તો દેશ કઈ રીતે પુરુષપ્રધાન?
આજ સુધી દીકરી -સ્ત્રી માટે નારો હતો કે એને દીકરા જેવી ગણો, એને સમાન અધિકાર આપો પરંતુ હવે જ્યારે એ બધુજ મળ્યું છે ત્યારે સ્ત્રી તરીકે મળેલા અધિકારોનો દુરુપયોગ ન કરવો એ પણ સ્ત્રી તરીકે આપણી ફરજ છે. આજે છેતરપીંડી કરતી ટોળકીથી લઈને ગેરકાયદે દારૂ વેંચવા સુધીના તમામ પ્રવૃત્તિમાં સ્ત્રી જોડાયેલી હોય છે છતાં એની એક નાની ફરિયાદ કોઈપણ પુરુષની જિંદગી બરબાદ કરી શકે છે.
જ્યારે ખરેખર પુરુષ ’પ્રધાન’ હતો ત્યારે એનું વર્ચસ્વ હતું, મહત્વ હતું અને પોતાની ફરજ પ્રત્યે એ જવાબદાર પણ હતો. ઘરમાં કમાઈ લાવનાર એ મુખ્ય વ્યક્તિ હતો, પરિવારની તમામ જવાબદારી ઉપાડવાના કારણે એ પ્રધાન હતો પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. આજનો પુરુષ પ્રધાન કરતાં ગુલામ લાગી રહ્યો છે. પત્ની કરતાં વધુ કમાવાનું પ્રેશર અને સ્ત્રી તરફી કાયદાનો ભોગ ન બને એ રીતે ટકી રહેવામાં ક્યાંક પુરુષ આદેશ આપવાને બદલે આદેશ પાલન કરતો થઈ ગયો છે.
પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓનો દબદબો છે એ વાત આજે પણ ભાગ્યે જ કોઈ સ્વીકારે છે પરંતુ હકીકત તો આ જ છે પરંતુ પુરુષ સમોવડી થવા કે એનાથી આગળ નીકળવાની હોડમાં સ્ત્રી પોતાના જીવનમાં પુરુષના સ્થાન વિશે અસમંજસમાં જીવે છે. પુરુષપ્રધાન સમાજરચનામાં હવે પુરુષ માત્ર રોબોટ બનીને રહી ગયો હોય એવું ક્યારેક અનુભવાય છે. બદલતા સમય સાથે આપણે ’પ્રધાન’ તરીકે નહિ પરંતુ મિત્ર,સાથી, સલાહકાર અને સમોવડા તરીકેનું સ્થાન આપીએ એ જરૂરી છે.
મિરર ઇફેક્ટ :
પુરુષપ્રધાન સમાજમાંક્યારેક સ્ત્રીઓનું શોષણ થયું હોય એવા ગુણાની સજાના ભાગરૂપે આજે સ્ત્રીઓ ઘણીવાર પુરુષને સ્ત્રી તરફી કાયદાનો ભોગ બનાવી રહી છે.