કોરોના મહામારીના સમયમાં વાલી અને વિદ્યાર્થીઓનો એક વર્ગ ધોરણ 10ની પરીક્ષા નહીં યોજવાની તરફેણ કરે છે પણ સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળે ધોરણ 10ની પરીક્ષા યોજવાની રાજ્ય સરકાર અને શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળની કોર કમિટી, કારોબારી તેમજ જિલ્લા પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચા પછી આ રજૂઆત થઈ હતી.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-ગુજરાતના મહામંત્રી ભરત ગાજીપરાએ રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, અમારી કોર કમિટી અને કારોબોરી તેમજ જિલ્લા પ્રતિનિધિઓ સાથે થયેલી ચર્ચા મુજબ પરીક્ષા લેવાવી જ જોઈએ. કારણ કે આ પરીક્ષા ન લેવાય તો તમામ વિદ્યાર્થી માસ પ્રમોશનથી ધો. 11માં આવશે અને તમામ માટે કોમર્સ કે સાયન્સના વર્ગની વ્યવસ્થા થઇ શકે નહીં. રિપિટર વિદ્યાર્થીઓમાં પણ માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીનું ધોરણ 12નું આવતા વર્ષનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવવાની સંભાવના વધી જાય છે. આ સ્થિતિમાં ધો.10ની પરીક્ષા કેટલાક વિકલ્પો સાથે લેવાનું અમે સૂચવીએ છીએ.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે માસ પ્રમોશન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે શિક્ષણમંત્રીને લેખિત રજુઆત કરતા કહ્યું છે કે, જો તમામ વિદ્યાર્થીઓને માસ પ્રોમોશન આપવામાં આવશે તો વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહ કે કોમર્સ પ્રવાહ પસંદ કરવું તેની અવઢવ ઉભી થશે. સામે ક્યાં વિદ્યાર્થીને સાયન્સમાં પ્રવેશ અને ક્યાં વિદ્યાર્થીઓને કોમર્સમાં એડમિશન આપવું તે અંગે મૂંઝવણ ઉભી થશે. ઉપરાંત માસ પ્રમોશન આપ્યા બાદ અપાયેલા વિદ્યાર્થીઓનું ધોરણ 12માં નબળું પરિણામ આવે તેવી પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે કોરોના ગાઈડલાઇન્સ સાથે પરીક્ષાઓ લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સૂચવ્યું છે કે, શાળાકીય ટેસ્ટ કે પરીક્ષાને આધારે એમસીક્યુ ટેસ્ટ લઈ શકાય. બોર્ડની દેખરેખમાં દરેક સ્કૂલમાં જેઈઈ-નીટની જેમ પરીક્ષા લઈ શકાય. ઓનલાઈન માધ્યમથી બોર્ડના નિરીક્ષણ હેઠળ પરીક્ષા લેવા માટે કોઈ ચોક્કસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાનું પણ વિચારી શકાય. કોવિડની પરિસ્થિતિ થોડીક હળવી થાય પછી જે તે વિસ્તારની સ્કૂલોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી મુખ્ય વિષયની પરીક્ષા લઈ શકાય છે.
માસ પ્રમોશન એટલે કાચા પાયા પર ચણેલી ઇમારત: ડો. રશ્મિકાંત મોદી
મોદી ગ્રુપ ઓફ સ્કૂલસના મેનેજીંગ ટ્રસ્ટી ડો. રશ્મિકાંત મોદીએ કહ્યું હતું કે, કોઈ પણ વિદ્યાર્થીમાં રહેલા ગુણ અને તેની ક્ષમતાને પારખવામાં માટે પરીક્ષા લેવી જરૂરી છે ત્યારે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓના જીવનના અત્યંત મહત્વપૂર્ણ ચરણ હોય છે.જેની ઉપરથી આગળનું ભવિષ્ય નક્કી થતું હોય છે. જો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવે તો તે વિદ્યાર્થી જ્યાં જશે ત્યાં તેને માસ પ્રોમોશનવાળા વિદ્યાર્થી તરીકે જ ઓળખવામાં આવશે. નવનિર્માણ આંદોલન સમયે વિદ્યાર્થીઓને પ્રમોશન આપવામાં આવ્યા હતા જે વિદ્યાર્થીઓને આગળ અભ્યાસથી માંડીને નોકરી સહિતની બાબતોમાં અનેક પડકારોનો સામનો કરવો પડયો હતો. છેલ્લા એકાદ વર્ષથી વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ કર્યો છે, ઓફલાઇન અભ્યાસ ખૂબ ઝુઝ કર્યો છે તેના કારણે વિદ્યાર્થીઓ પણ માસ પ્રમોશન ઈચ્છે છે. જો માસ પ્રમોશન આપવામાં આવશે તો કાચા પાયા પર ઇમારત ચણવા જેવું થશે. ધોરણ 10 માટે બે વિકલ્પ વિચારી શકાય છે. પ્રથમ જે વિદ્યાર્થીઓ માસ પ્રમોશન ઇચ્છતા વિદ્યાર્થીને પ્રમોશન આપવામાં આવે અને બીજું કે જે વિદ્યાર્થી પરીક્ષા આપીને માર્કશીટ ઇચ્છતો હોય તો તેના માટે સંક્રમણ ઘટ્યા બાદ ઓનલાઈન એમસીકયું સિસ્ટમની પરીક્ષા સીસીટીવી મોનિટરિંગ અને મર્યાદિત સમય સાથે લઈ શકાય છે. વાત ધોરણ 12ની જો કરવામાં આવે તો આ ધોરણ બાદ જ વિધાર્થીએ અલગ અલગ ફિલ્ડમાં જવાનું હોય છે. સાયન્સ, મેડિકલ, સી.એ., એન્જિનિયરિંગ કે અન્ય કોઈ કોલેજમાં પ્રવેશ માટે ધો. 12 અતિમહ્ત્વપૂર્ણ છે ત્યારે આ ધોરણની પરીક્ષા તો લેવાવી જ જોઈએ તેવું મારુ માનવું છે.
જો પરીક્ષા નહીં લેવાય તો વિદ્યાર્થીઓ દિશાવિહીન થઈ જશે: દિલીપભાઈ પાઠક
પાઠક સ્કૂલના ટ્રસ્ટી દિલીપભાઈ પાઠકે કહ્યું હતું કે, હાલ પરીક્ષા અને પ્રમોશનની ગૂંચમાં વિદ્યાર્થી-વાલી અને સંચાલકો ગુંચવાયા છે. મારા મત મુજબ પરીક્ષા લેવાય તે જ વિધાર્થીના હિતમાં છે. ઘણાબધા વિદ્યાર્થીઓ ઘણા બધા સ્વપ્નો સાથે વર્ષોથી મહેનત કરતા હોય છે. ધોરણ 10 અને 12માં સફળ થઈને આગળ શું કરવું તે માટે આયોજન કરતાં હોય છે. જો પરીક્ષા ન લેવામાં આવે તો ઘણાબધા વિદ્યાર્થીઓના સ્વપ્નો રૂંધાઇ જશે. ધો.10 અને 12ની પરીક્ષા જીવનની પરીક્ષા નથી પરંતુ જીવનને દિશા આપવા માટેની પરીક્ષા છે. જો આ પરીક્ષાઓ ન લેવામાં આવે તો બાળકની ક્ષમતાનો ખ્યાલ જ ન આવે. તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તો બધાના ગુણ સરખા હશે ત્યારે વિધાર્થી અનેવાલી બંને મૂંઝવણમાં મુકાઈ જશે કે હવે વિજ્ઞાન પ્રવાહમાં જવું, કોમર્સમાં જવું કે પછી આર્ટ્સમાં જવું. પરીક્ષા હરહંમેશથી વિદ્યાર્થીવર્ગના જીવન સાથે સંકળાયેલી છે. પરીક્ષા થાય તો જ ક્ષમતા અંગેનો અંદાજનો અહેવાલ મેળવી શકાય છે. જો પરીક્ષા નહીં લઈને માસ પ્રમોશન આપવામાં આવશે તો પ્રવેશ પ્રક્રિયા માટે પડકાર ઉભો થશે. જો બધાને પ્રમોશન મળે તો ધો. 10 પછી પ્રવેશ બધા વિધાર્થીઓને પ્રવેશ આપી શકાય એટલુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને ધોરણ 12 બાદ આપણી પાસે એટલી કોલેજ નથી અને એટલી બેઠકો પણ નથી કે જેનાથી બધાને પ્રવેશ આપી શકાય. સમૃદ્ધ માતા-પિતાના બાળકને પ્રવેશ મળી જાય અને લાયકાત ધરાવતો વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહી જાય અને પ્રવેશ પ્રક્રિયામાં અંધાધૂંધી સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.
વિદ્યાર્થીના ભાવિના ઘડતર માટે પરીક્ષા અત્યંત જરૂરી: સંજયભાઈ પંડ્યા
રાજકોટ આચાર્ય સંઘના પ્રમુખ સંજયભાઈ પંડ્યાએ કહ્યું હતું કે, જો પરીક્ષા નહીં લઈને માસ પ્રમોશનનો નિર્ણય લેવામાં આવે તો તેનાથી વિદ્યાર્થીઓના ભવીને અત્યંત નુકસાની પહોંચે તેવું છે. જો વિદ્યાર્થીને ધો. 10માં પ્રમોશન આપી દેવામાં આવ્યુ તો વાલીને એવું લાગશે કે, મારા બાળકમાં કદાચ વિજ્ઞાન પ્રવાહથી અભ્યાસ કરવાની આવડત છે અને તે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા દોડાદોડી કરે, કદાચ પ્રવેશ મળી પણ ગયો તો વિદ્યાર્થી ખરા અર્થમાં વિજ્ઞાન પ્રવાહથી અભ્યાસ કરવાની લાયકાત ધરાવતું ન હોય તેવું પણ બની શકે છે. ત્યારે વિદ્યાર્થીને નકારાત્મક અસર તો થશે જ પણ હાલ સરકારી અને ગ્રાન્ટેડ શાળા સિવાયની શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહથી અભ્યાસ કરવો એ ખૂબ ખર્ચાળ છે અને તે પછીનો અભ્યાસ પણ ખર્ચાળ છે ત્યારે તમામ વાલીઓને આ ખર્ચ પણ પોષાય નહીં. જો વાલીએ આ ખર્ચ કર્યો પણ ખરા પરંતુ બાળક વિજ્ઞાન પ્રવાહમાં સફળ ન રહ્યો તો વાલીઓને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બીજી બાજુ હાલ રાજ્યમાં 11 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધો.10માં અભ્યાસ કરી રહ્યા છે. દર વર્ષે આટલી જ સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે પરંતુ તેમાંથી સરેરાશ 55% થી 60% વિદ્યાર્થીઓ જ પાસ થતા હોય છે એટલે કે આશરે 5.50 લાખ વિદ્યાર્થીઓ જ પાસ થતા હોય છે અને ધો.11 અથવા ડિપ્લોમામાં પ્રવેશ લેતા હોય છે. જો તમામ વિદ્યાર્થીઓ પાસ થાય તો બધા વિદ્યાર્થીઓને એડમિશન કઇ રીતે આપવું તે પણ એક પડકાર છે. ત્યારે મારુ માનવું છે કે, વિદ્યાર્થીઓના ભાવિના ઘડતર માટે પરીક્ષા લેવાય તે અત્યંત જરૂરી છે.
માસ પ્રમોશન થકી વિદ્યાર્થીઓની ક્ષમતાનું આંકલન થઈ શકે નહીં: ડી.વી. મહેતા
જીનિયસ ગ્રુપ ઓફ સ્કૂલના ડી.વી. મહેતાએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભાવિ માટે પરીક્ષા લેવાય તે અતિ આવશ્યક બાબત છે. માસ પ્રમોશન શબ્દ વાલી-વિદ્યાર્થીઓ સૌને સારો લાગે પણ તેનાથી વિદ્યાર્થીઓનું આંકલન કરી શકાય નહીં. જે વિદ્યાર્થી સાયન્સમાં પ્રવેશ મેળવવાનો હકદાર હોય તેને માસ પ્રમોશનને કારણે કદાચ પ્રવેશથી વંચિત પણ રહેવું પડે તેવું બની શકે છે. ત્યારે ઓનલાઈન પરીક્ષા, એમસીકયું પદ્ધતિ, શાળામાં જ વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા મારફત મોનિટરિંગ અને સંક્રમિત વિદ્યાર્થી માટે અલાયદી વ્યવસ્થા કરીને કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પરીક્ષાઓ લઈ શકાય તેવી રજુઆત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રાજ્ય સરકારને લેખિત રજુઆત કરી છે. તેમણે વધુમાં સીબીએસઇ બોર્ડ દ્વારા અપાયેલા માસ પ્રમોશન અંગે કહ્યું હતું કે, તેમણે વિકલી ટેસ્ટ, પ્રિલીમનરી ટેસ્ટ, મિડ ટર્મ એક્ઝામ તેમજ વિદ્યાર્થીઓના છેલ્લા ત્રણ વર્ષના પરિણામને કેન્દ્રમાં રાખી ગુણો મુકવાની જોગવાઈ કરી છે જે ગુજરાતમાં બોર્ડમાં શક્ય નથી. કારણ કે, આપણે ચાલુ વર્ષે આવી કોઈ પરીક્ષા લઈ શક્યા નથી તેથી પરીક્ષા લેવાય તે જ વિદ્યાર્થીઓના હિતમાં છે.