પ્રમોશનમાં અનામત પ્રથાને લઈ સુપ્રીમ કોર્ટમાં કાનુની જંગ
પૈસાદાર પછાત કુટુંબના સંતાનોને અનામત પ્રથાની શું જરૂર સુપ્રીમ કોર્ટનો સો મણનો સવાલ
અભ્યાસ અને નોકરીમાં શેડયુલ કાસ્ટ, શેડયુલ ટ્રાઈબ અને ઓબીસી જેવી અનામત પ્રથા પ્રમોશનમાં પણ લાગુ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કાનુની જંગમાં સુપ્રીમ કોર્ટે સો મણનો સવાલ ઉઠાવી જણાવ્યું હતું કે, શું પૈસાદાર પછાત વર્ગોને અનામત આપવી જરૂરી છે ? ખરેખર અનામતનો લાભ મેળવી મોભાદાર નોકરી મેળવી આર્થિક રીતે સઘ્ધર થયેલા પરીવારોના સંતાનોને અનામત પ્રથાનો લાભ આપી ચક્રવૃદ્ધિ જેવી અનામત પ્રથા કેટલા અંશે યોગ્ય હોવાનું જણાવી અનામત પ્રથા પછાતપણું દુર કરી શકશે કે કેમ ? તેઓ સવાલ ઉઠાવવામાં આવ્યો છે.
દેશમાં આઝાદીબાદથી અમલમાં આવેલી અનામત પ્રથાના કારણે હાલ શિક્ષણમાં નોકરી મેળવવામાં એસસી, એસટી અને ઓબીસી કેટેગરીમાં અનામત પ્રથા અમલી છે. આ સંજોગોમાં હવે નોકરીના પ્રમોશનમાં પણ અનામતપ્રથા લાગુ કરવા સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ૨૦૦૬ના નાગરાજના ચુકાદા મામલે ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની આગેવાનીમાં પાંચ જજોની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.
આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવાયું હતું કે, ધારો કે અનામતના આધારે કોઈ વ્યકિત આઈએએસમાં પ્રવેશ મેળવે છે અને અનામત દ્વારા સેક્રેટરી બની છે. શું એ અધિકારીને અનામત થકી મળેલા લાભને કારણે સનદી અધિકારી બની ગયા બાદ તેઓના પુત્ર કે પૌત્રને પણ અનામતની જોગવાઈ હેઠળ અનામત લાભ મળવા જોઈએ ? ઉપરાંત આર્થિક રીતે સઘ્ધર બનેલા આવા લોકોને શું પ્રમોશનમાં પણ લાભ આપવો એ વ્યાજબી ગણાશે.
વધુમાં ચીફ જસ્ટીસ મિશ્રા, ન્યાયમૂર્તિ કુરિયન જોસેફ, આર.એફ.નરીમાન, સંજય કિશાન પોલ, ઈન્દુ મનોત્રા સહિતની બેંચે જણાવ્યું હતું કે, પછાતપણાના આધારે રોજગારીમાં રીઝર્વેશનની કોઈ સમસ્યા નથી પરંતુ એસસી/એસટી કર્મચારીઓએ તેમની પરિસ્થિતિ જોઈને નાગરાજ ચુકાદાની માન્યતાને સમર્થન આપતા કહ્યું હતું કે, રાજયો પ્રમોશન અનામત બનાવશે પરંતુ રાજય સરકારે કર્મચારીઓની પછાતતાને નિર્ધારીત કરવા માટે આંકડાકિય માહિતી એકત્રિત કરવી પડશે.
વધુમાં પ્રમોશન કોટામાં વિરોધમાં રહેલા સામાન્ય ઉમેદવારો માટે સુપ્રીમ કોર્ટના ઉપસ્થિત રહેલા ભૂતપૂર્વ કાયદાપ્રધાન શાંતીભુષણે જણાવ્યું હતું કે, એસસી/એસટી માટે અનામત આપવા માટે સરકાર છુટમાં છે પરંતુ પ્રમોશન અનામત આપવામાં આવે તો દેશમાં આપતિ સર્જાશે. અનામતના લાભમાંથી ક્રિમીલેયર દુર કરવુ એ સમાનતાના ખ્યાલનો યોગ્ય ઉપયોગ નથી અને જે લોકો પછાતપણાથી આગળ વઘ્યા છે તેઓને પ્રમોશનમાં અનામતનો લાભ ન આપવો જોઈએ તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં પ્રમોશનમાં અનામતને લઈ ચાલતા કાનુની જંગમાં હજુ પણ સુનાવણી ચાલુ રહેશે ત્યારે આવનારા દિવસોમાં ચક્રવૃદ્ધિ પઘ્ધતિથી ચાલતી અનામત પ્રથા દેશના હિતમાં છે કે કેમ ? તે મુદ્દે સુપ્રીમ કોર્ટ તેઓ રૂખ અપનાવે છે તે જોવું રહ્યું.