અતિ સરળ પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓને અઘરા પ્રશ્ર્નોનો સામનો કરવા સક્ષમ બનાવી શકશે ખરી ?

તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ દસ અને બારના વિક્રમ જનક પરિણામો જાહેર થયા.ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા(ગત વર્ષ કરતાં 16.87 ટકા વધુ)આવ્યું.સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા(ગત વર્ષ કરતાં 18.66 ટકા વધુ)આવ્યું અને ધોરણ દસનું પરિણામ 82.56 ટકા(ગત વર્ષ કરતાં 18 ટકા વધુ)આવ્યું.આ પરિણામ તો છેલ્લા 30 વર્ષનું વિક્રમી પરિણામ છે !

પરિણામોના અતિતમાં ડોકિયું કરવામાં આવે તો બેથી અઢી દસકા પહેલાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 50 ટકાની આસપાસ રહેવા પામતું.સામાન્ય પ્રવાહનું પરિણામ 60થી 70 ટકાની વચ્ચે રહેવા પામતું અને ધોરણ દસનું પરિણામ 50થી 60 ટકા વચ્ચે રહેવા પામતું.

છેલ્લાં કેટલાક વર્ષોથી પરિણામોનો ગ્રાફ ઉત્તરોતર ઊંચકાતો જ રહેવા પામ્યો છે.તેમાં પણ આ વર્ષના પરિણામોએ તો હનુમાન કૂદકો મારીને 16થી 18 ટકા જેટલું ઊંચું પરિણામ આપી દીઘું.

ચર્ચાતી વાતોનું તારણ એવું મળે છે કે,વિદ્યાર્થીઓ વધુ મહેનત કરે છે.પરીક્ષા પદ્ધતિ અને મૂલ્યાંકન સ્કીમ પણ અતિ સરળ અને હળવી બનાવવામાં આવી છે.ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં તો જાણે સમજ્યા કે 100 માંથી 100 ગુણ આવી શકે,પરંતુ વર્ણનાત્મક વિષયો જેવા કે સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં પણ 100 માંથી 100 ગુણ લાવવા વિદ્યાર્થીઓ માટે કઠીન હોય છે. તેમ છતાં આ ચાર વિષયોમાં 100 માંથી 100 ગુણ લાવનાર અનેક વિદ્યાર્થીઓ જોવા મળે છે.એટલું જ નહીં બલકે ગુજરાતી જેવા વિષયમાં પણ 97 જેટલા ગુણ જોવા મળે છે.ગુજરાતી જેવા વિષયમાં નિબંધ,અહેવાલ લેખન,પત્રલેખન કે કાવ્ય પૂર્તિ જેવા પ્રશ્નોમાં પૂરા ગુણાંક કેવી રીતે મળી શકે ? આ લખનારે ઘણાં વર્ષો સુઘી ગુજરાતી વિષયના પરીક્ષક તરીકે ઉત્તરવહીનું મૂલ્યાંકન કર્યું છે.80થી વધુ ગુણ કોઈ વિદ્યાર્થીના પેપરમાં જોવા મળતાં તો મોડરેટર અને કોર્ડીનેટર રૂબરૂ બોલાવી અને ઉત્તરવહીનું પુન: મૂલ્યાંકન કરી,ગુણ ઓછા કરવા માટેની સૂચના આપતા.ગુજરાતી જેવા વિષયમાં 80 કરતાં વધુ ગુણ લાવનાર વિદ્યાર્થીઓ જવલ્લે જ જોવા મળતા. (જે તે સમયે વિષયનો ગુણભાર સો માર્કનો રહેતો.)

હાલમાં દસમા ધોરણમાં બોર્ડનું પેપર 80 ગુણનું હોય છે અને 20 ગુણ આંતરીક હોય છે,જે વિષય શિક્ષકે આપવાના થતા હોય છે.આ પરિણામમાં એવી માર્કશીટ પણ નજરમાં આવી છે કે,જેમાં બધા જ વિષયોમાં આંતરિક ગુણ 20 માંથી 20 આપી દેવામાં આવ્યા છે.આ બાબત ચોંકાવનારી છે.તેમ છતાં બોર્ડ તરફથી આ બાબતે કોઈ પગલાં લેવામાં આવતા નથી.

40 થી 50 વર્ષ પહેલાની પરીક્ષા સિસ્ટમને યાદ કરવામાં આવે તો પરીક્ષાનું માળખું જ એવું ટ્વિસ્ટ રાખવામાં આવતું કે જેથી વિદ્યાર્થીઓ કાં તો પાસ થતા અથવા તો વધુમાં વધુ ફર્સ્ટ ક્લાસ(60 ટકા)સુધી પહોંચતા.ફર્સ્ટ ક્લાસ લાવનાર વિદ્યાર્થીને 18 વર્ષની ઉંમર થાય કે તુરતજ નોકરી પણ મળી જતી.

જો પરીક્ષાનું માળખું આવું ને આવું જ સરળ બનતું રહેશે તો આજનો વિદ્યાર્થી અઘરા પ્રશ્નોનો સામનો કેવી રીતે કરી શકશે ? વળી આ પરીક્ષામાં મેળવેલાં ગુણાંકથી તેઓને સીધે સીધી કોઈ ફેકલ્ટીમાં પ્રવેશ તો મળી જવાનો નથી.તેના માટે તો એન્ટરન્સ ટેસ્ટ જેવી કે ૠઞઉંઈઊઝ,ઉંઊઊ,ગઊઊઝ જેવી પરીક્ષાઓનો સામનો કરવો પડશે.અથવા તો ઞઙજઈ કે ૠઙજઈ  જેવી સિવિલ સર્વિસ માટેની પરીક્ષાઓ આપવી પડશે.આ પરીક્ષાના ટોપર્સ વિદ્યાર્થીઓ જ પસંદગી પામશે.બાકી વધેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું ? તેઓએ તો વિજ્ઞાન,વિનયન કે વાણિજ્ય જેવા પ્રવાહોમાં પ્રવેશ મેળવીને બેકારની ફોજમાં જ ભરતી  થવાનું રહેશે !

આ બાબતે વધુ પ્રકાશ પાડવા માટે ભારતીય કેળવણીના ઇતિહાસમાં નજર કરવી જરૂરી છે. શિક્ષણ ક્ષેત્રે સ્વાતંત્ર્ય પહેલા અને સ્વાતંત્ર્યોતર કાળમાં ઘણા શિક્ષણ પંચોના અહેવાલો આવી ગયા.જેવા કે હંટર શિક્ષણ પંચ (સન 1882) સાર્જન્ટ શિક્ષણ પંચ (સન 1943) ડો.રાધાકૃષ્ણન્ શિક્ષણ પંચ (સન 1944 )અને કોઠારી શિક્ષણ પંચ (સન 1966).

ઉપરોક્ત તમામ શિક્ષણ પંચોએ શૈક્ષણિક સુધારાઓ માટે ઘણાં સૂચનો કર્યાં છે.જેમાં સીમિત પરિણામોનું અસરકારક સૂચન અહીં સ્પર્શે છે:

પ્રવેશ બાબતે સાર્જન્ટ કમિશનનાં સૂચનો આ પ્રમાણે હતા : ’પ્રાથમિક શિક્ષણ પૂરું કરનાર દરેક પાંચ બાળકમાંથી એક જ બાળક માધ્યમિકમાં પ્રવેશ પામે.માધ્યમિક શાળાના દરેક પંદર વિદ્યાર્થીઓમાંથી એક જ વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશ પામે.’

ઉપરોક્ત સૂચનોને પુષ્ટિ આપતું કોઠારી પંચનું સૂચન તો લાલ બત્તી જેવું ગણી શકાય.

’ઉચ્ચ શિક્ષણના વિસ્તરણની પ્રક્રિયામાં આપણે એક એવી મંજિલે પહોંચ્યા છીએ,જ્યાં ઉચ્ચ શિક્ષણની તમામ સંસ્થાઓ અને ક્ષેત્રોમાં ચૂંટેલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવાની નીતિ અખત્યાર કરવી પડશે.જો આગામી વીસ વર્ષમાં દર વર્ષે દસ ટકા સરેરાશ વાર્ષિક વધારાનો દર ચાલુ રહેશે તો 1985 – 86 સુધીમાં ઉચ્ચ કેળવણીમાં વિદ્યાર્થીની સંખ્યા 70 થી 80 લાખ સુધી પહોંચી જશે.’

કોઠારી શિક્ષણ પંચે  સૂચવ્યા મુજબ વીસ વર્ષના બદલે ચાલીસથી વધુ વર્ષો વીતી ગયા.સરેરાશ વાર્ષિક વધારાનો દર પણ દસ ટકાથી વધતો ગયો અને ઉચ્ચ કેળવણીમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરોડના આંકને પણ ઠેક્તી આગળ વધતી જાય છે.

દર વર્ષે મોટી સંખ્યામાં જે સ્નાતકો બહાર પડી રહ્યા છે,તે તમામને રોજગારી આપી શકવાની તાકાત દેશના અર્થતંત્રમાં નથી.નોકરી ન મળવાના વિકલ્પે કોઈ સ્નાતક પકોડા વેંચે તો એને રોજગારી મળી ન કહેવાય ! આ સ્ટાર્ટ અપ ઉમેદવારે મેળવેલી ડિગ્રીનું વળતર નથી.જે શિક્ષિતને રોજગારી જ આપી શકવાના નથી,એમને ઉચ્ચ કેળવણી સુધી પહોંચાડવાનો અર્થ જ શું છે ?

પરાકાષ્ટા તો ત્યાં સર્જાય છે કે બી.એડ.અને પી.ટી.સી.જેવી વ્યવસાય લક્ષી ડિગ્રી તો શિક્ષકોની જરૂરિયાતના પ્રમાણમાં જ આપવી જોઈએ કે નહીં ? વર્ગ દીઠ શિક્ષકનો રેસિયો 1.5 નક્કી થયો છે. આ રેસિયા મુજબ રાજ્યમાં જેટલા શિક્ષકોની જરૂરિયાત હોય તે સંખ્યાના પ્રમાણમાં જ ડિગ્રી મેળવીને ઉમેદવારો બહાર પડે એ આવશ્યક છે.ગળે ઉતરે એવી આ વાત છે.તેમ છતાં આજે શેરીએ શેરીએ બી.એડ.અને પી.ટી.સી. કોલેજો ધમધમે છે.જેમાં ડિગ્રી લઈને બહાર પડેલા હજારો ઉમેદવાર ઇંઝઅઝ  કે ઇંઝઊઝની પરીક્ષા આપીને નોકરી મેળવવાની લાઈનમાં ઊભા છે.આ બધા બેકાર ઉમેદવારોને જ્ઞાન સહાયક જેવી  કરાર આધારિત શિક્ષકની નોકરી મેળવવા માટે પણ આંદોલન કરવા મજબૂર બનવું પડે છે.આનાથી બીજી મોટી કઈ કમનસીબી હોઈ શકે ?

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.