કોરોના મહામારીમાંથી ઉગરવા વિશ્વભરના દેશો મોટી મથામણમાં ઝૂટાયા છે. કોરોનાના કેસ ઝડપભેર વધતા હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન તેમજ રસી અને ઈન્જેકશનની અછત, બમણાં ભાવ જેવા અનેક પ્રશ્નો ઉભા થતા મોટી હલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે. દિનપ્રતિદિન કોરોના ભયાનક બનતો જઈ રહ્યો છે જેનાથી મૃત્યુદરમાં પણ ઝડપભેર વધારો થઈ રહ્યો છે. મંગળવારે રાજકોટમાં 59 તો સુરતમાં 67 લોકોના મૃત્યુ થયાના સરકારી આંકડા જારી થયા હતા. પરંતુ આ આંકડા સરકાર હજુ છુપાવી રહી હોવાનું સામે આવ્યું છે કારણ કે સ્મશાનોમાં થતા અગ્નિસંસ્કાર અને હોસ્પિટલમાં થતા કોરોનાગ્રસ્ત દદર્દીઓના મોતના આંકડામાં વિસંગતતા જોવા મળી રહી છે.
ગુજરાતના આઠ મોટા શહેરોમા સ્થિતિ વધુ ખરાબ છે. સોમવારે અમદાવાદમાં, મૃતદેહોને એકત્રિત કરવાની રાહમાં પરિજનો આઠ કલાક રાહ જોઈને બેઠા હતા. તો સુરતમાં પણ આવી જ પરિસ્થિતિ છે. પરંતુ સ્મશાનગૃહમાં ડેટા અને સરકારી આંકડાઓની સચોટતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. રાજ્ય દ્વારા ’વાસ્તવિક’ આંકડા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે સોશિયલ મીડિયામાં પણ ચકચાર મચી ગઈ છે. જેને લઈ સચોટતા તપાસવા અને વિસંગતતાના કારણોને સમજવા એન્ટી કોવિડ મિશન સાથે સંકળાયેલા ઘણાં વરિષ્ઠ અધિકારીઓ અને તબીબી વ્યાવસાયિકો સાથે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું છે કે જો કોઈ દર્દીનું મોત હાર્ટ એટેકને કારણે થાય છે પરંતુ તે દર્દીને કોરોના ચેપ લાગ્યો હોય તો પણ તો પણ આવા મૃત્યુ કોવિડને કારણે ગણવામાં આવતા નથી. અને સમગ્ર દેશમાં આ જ સિસ્ટમનું પાલન થાય છે. જ્યારે સ્મશાનમાં કોરોનાનો ચેપ હોવાથી કોવિડ પ્રોટોકોલ અનુસાર જ અંતિમવિધિ થાય છે.
એક સિનિયર હેલ્થ એડ્મિનિસ્ટ્રેટરએ જણાવ્યું કે, “આ વાત સાચી છે કે બહાર પાડવામાં આવેલા આંકડાઓ કરતાં વધુ કોવિડ દર્દીઓ મરી રહ્યા છે.” “જ્યારે હોસ્પિટલો કોવિડ પીડિતોને કોમોર્બિડિટીઝની સૂચિ આપે છે, ત્યારે આ સંખ્યા સરકાર દ્વારા પ્રકાશિત અંતિમ મૃત્યુ આંકમાં શામેલ નથી હોતી.