અબતક, નવી દિલ્હી
ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ સરોવરોમાં યાયાવર પક્ષીઓ તેના નિયત સમયે આવતા હોય છે. આ પક્ષીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા પુરી તકેદારી પણ રાખવામાં આવતી હોય છે. પણ એક અહેવાલમાં બાલાચડીથી લઈને અલંગ સુધીના દરિયાકાંઠામાં શીપ બ્રેકીંગ યાર્ડ યાયાવર પક્ષીઓ માટે જોખમ ઉભું કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
યાયાવર પક્ષીઓના સંરક્ષણમાં ગુજરાતને દેશભરમાં અગ્રેસર માનવામાં આવે છે. લાખો કિલોમીટરનો પ્રવાસ કરીને આવતા યાયાવર પક્ષીઓને ગુજરાતનું વાતાવરણ ખૂબ જ માફક આવી રહ્યું છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત રાજ્યમાં દરિયાઈ અને ભૂમિગત જલપ્લાવિત વિસ્તારોની વધુ સંખ્યા અને વિવિધતાના કારણે ગુજરાતમાં યાયાવર પક્ષીઓની સંખ્યા અને વિવિધતામાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે.
બાલાચંડીથી લઈને અલંગ સુધીના જહાજવાડા પક્ષીઓ માટે જોખમી બની રહ્યા છે?
પક્ષીવિદ્દોનું કહેવુ છે કે સાઇબીરીયા, મંગોલીયા, યુરોપ, રશીયા જેવા દેશોમાં શિયાળુ આવે એટલે ઠંડીનુ પ્રમાણ વધતુ હોવાથી ખાવાનો ખોરાક પણ બરફમાં ઢંકાઇ જતુ હોય છે.અને પક્ષીઓએ અન્ય જગ્યાએ રહેઠાણનું સ્થાન બનાવવું પડતુ હોય છે. જેને કારણે ગુજરાત સહિતની કેટલીક જગ્યાએ માફકસર વાતાવરણ હોવાથી નવેમ્બર આવે એટલે મોટા ગ્રુપ સાથે વિદેશી પક્ષીઓ આવતા હોય છે.બાલાચડી સાઇટ કે જે કિનારાના પક્ષીઓનું ઘર છે જેમાં બાર-ટેઇલ ગોડવિટ્સ, ગ્રેટ નોટ્સ, ગ્રે પ્લોવર્સ, ક્રેબ પ્લવર્સ, યુરેશિયન કર્લ્યુઝ, વિમ્બ્રેલ્સ, ટેરેક સેન્ડપાઇપર્સ સહિતના પક્ષીઓ માટે બીજું ઘર છે. અહીં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવતા હોય છે.
આ પક્ષીઓને સચાણા ખાતેના શિપ બ્રેકિંગ યાર્ડના કારણે સંભવિત ખતરો જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે ગયા વર્ષે પર્યાવરણની મંજૂરીને લગતા પ્રશ્નોના નિરાકરણ પછી યાર્ડને ફરીથી શરૂ કરવા માટે લીલીઝંડી આપી હતી. એમ સૂત્રોએ જણાવ્યું હતું.શિપ બ્રેકીંગ યાર્ડમાં આ યાયાવર પક્ષીઓના થોડા સમયના રહેઠાણ એવા વિસ્તારને ખલેલ પહોંચતી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ પ્રશ્ન બાલાચડીથી લઈને અલંગ સુધીના દરિયાકિનારે રહેલો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કોરોનાને કારણે યાર્ડમાં કામ ધીમું રહ્યું છે. ઉપરાંત, ભાવનગર નજીકના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની તુલનામાં પ્લોટ નંબરો અને તેના કદ ખૂબ જ નાના છે, જેના પર તેનું મોડેલ બનાવવામાં આવ્યું છે. તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આ અહેવાલમાં બાલાચડી ખાતે પક્ષીઓની વસ્તી પર શિપ-બ્રેકિંગ યાર્ડની લાંબા ગાળાની અસરનો જોખમ કારક હોવાની ભીતિ સેવાઇ છે. માટે આના ઉપર અભ્યાસ કરવાની પણ જરૂર હોવાનું જણાવવામાં આવ્યું છે.