માલેગાઁવ બ્લાસ્ટ કેસના આરોપીઓને શરતોને આધિન કેસની તૈયારી માટે લેપટોપ અપાશે
મહારાષ્ટ્રમાં માલેગાવ ખાતે નવ વર્ષ પહેલાં થયેલા બોમ્બ બ્લાસ્ટના કેદીઓને બચાવની પુરી તક આપવા માટે થયેલી રજૂઆતના પગલે અદાલતે કેટલીક શરતોને આધિન જેલમાં લેપટોપ વાપરવાની છુટ આપતો અદાલતે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર અદાલતના ચુકાદાનો આગામી દિવસોમાં અન્ય કેદીઓ પણ માગણી કરે તેવી સંભાવના રહી છે. કાયદાની જોગવાય મુજબ કેદીને બચાવની તક આપવી જ‚રી છે પણ તેના કારણે કેટલાક પ્રશ્ર્નો ઉભા થવાની શકયતાઓ રહેલી હોવાનું કાયદાના તજજ્ઞો કહી રહ્યા છે.
નાસિકના માલેગાવમાં ગત તા.૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં છ લોકોના મોત થયા હતા અને ૧૦૦થી વઘુ ઘાયલ થયા હતા. બોમ્બ બ્લાસ્ટના ગુનામાં આર્મી ઓફિસર પ્રસાદ પુરોહિત સહિત બાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકીના સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને જામીન મળ્યા છે. અન્ય શખ્સો જેલમાં હોવાથી અંડર ટ્રાયલ કેસ ચાલી રહ્યો છે.
બોમ્બ બ્લાસ્ટના ગુનામાં મુંબઇની આર્થર રોડ જેલમાં રહેલા રાકેશ ભાવડે, રમેશ ઉપાયધ્યાય, સમીર કુલકરણી અને દયાનંદ પાંડે દ્વારા પોતાના બચાવ માટે લેપટોપ વાપરવા માટેની અરજી કરવામાં આવી હતી. કાયદાની જોગવાઇ મુજબ પોતાના બચાવ વિવિધ ચુકાદાનો અભ્યાસ કરવા માટે માગણી કરવામાં આવી હતી.
ચારેય શખ્સોની અરજીની સુનાવણી પુરી થતા અદાલતે અરજી મંજુર રાખી કેટલીક શરતોને આધિન લેપટોપ વાપરવાની છુટ આપવામાં આવી છે. કેદીઓએ ઇન્ટરનેટનો ઉપયોગ ન કરે, માત્ર કેસની તૈયારી માટે જ લેપટોપનો ઉપયોગ કરી શકશે, આરોપીઓ ચોક્કસ સમય મર્યાદામાં જ લેપટોપ વાપરી શકશે તે જેલ અધિકારીઓ નક્કી કરશે, લેપટોપનો ઉપયોગ કર્યા બાદ સાંજે જેલ અધિકારીને લેપટોપ જમા કરાવી દેવાનું તેમજ કેસની સુનાવણી પુરી થયા બાદ લેપટોપની હાર્ડડીસ ત્રણ વર્ષ સુધી સુરક્ષિત રાખવાનો ચુકાદામાં જણાવવામાં આવ્યું છે.