શું મોદી અટક ધરાવનારા બધા ચોર હોય છે તેવા વિધાનો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને સુરત અદાલતમાં લઈ આવ્યા છે. મોદી સમાજ વિશે કરેલા વિધાનો બદલ ભાજપના ધારાસભ્ય દ્વારા રાહુલ ગાંધી સામે સુરતની અદાલતમાં બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો. એ કેસમાં આખરી નિવેદન આપવા માટે રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર થયા છે.
આજે કોર્ટમાં હાજરી આપવા સુરત પહોંચ્યા રાહુલ ગાંધી: પ્રદેશ કોંગ્રેસ નેતાઓ દ્વારા આવકાર
આજે સવારે રાહુલ ગાંધીનું એરપોર્ટ પર આગમન થતાં તેમને આવકાર આપવા માટે પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એરપોર્ટ પહોંચી ગયા હતા અને તેમનો ભવ્ય સત્કાર કર્યો હતો. એરપોર્ટ પરથી રાહુલ ગાંધી સર્કિટ હાઉસ હંકારી ગયા હતા. અહીંથી તેઓ સુરતની અદાલતમાં હાજર થશે અને મોદી સમાજ તેમજ ખાસ કરીને મોદી અટક વિશે તેમણે કરેલા ઉચ્ચારણો અંગે રાહુલ ગાંધી કોર્ટમાં જવાબ રજૂ કરનાર છે તેમ જાણવા મળ્યું છે.
ગત ઓકટોબર 2019માં રાહુલ ગાંધી અદાલત સમક્ષ હાજર થયા હતા અને પોતાના વિધાનો અંગે પોતે દોષિત ન હોવાની અરજી કરી હતી. એક સપ્તાહ પહેલા જ સુરતના ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ એ.એન.દવેએ રાહુલને 24મી જુને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. જેથી આ કેસમાં તેમનું અંતિમ ચરણનું નિવેદન નોંધી શકાય. મોદી સમાજ સામેના ઉચ્ચારણો બદલ ભાજપના સુરત ખાતેના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે.
મોદીએ એપ્રીલ 2019માં આઈપીસીની કલમ 499 અને 500 મુજબ કેસ દાખલ કર્યો હતો. જેમાં એવો આક્ષેપ કર્યો હતો કે, રાહુલ ગાંધીએ એક ચૂંટણીની રેલી દરમિયાન એવા વિધાનો કર્યા હતા કે, શું બધા મોદી ચોર હોય છે ? મોદીએ ફરિયાદ દાખલ કરી હતી કે, રાહુલ ગાંધીએ આવા વિધાનો કરી સમગ્ર સમાજનું અપમાન કયુર્ં છે. આજે અદાલતની કાર્યવાહી દરમિયાન શું થાય છે તેનો બપોરબાદ ખ્યાલ આવશે.
રાહુલ ગાંધી સુરત આવતા જ પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, અર્જૂન મોઢવાડીયા સહિતના આગેવાનો એરપોર્ટ પહોંચી ગયા હતા અને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. કોર્ટમાં હાજરી સીવાયનો તેમનો કોઈ બીજો કાર્યક્રમ ન હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું હતું.