ભગવાન શ્રી કૃષ્ણને અનેક ગોપીઓ હતી જેઓ કૃષ્ણને પ્રેમ કરતી હતી પરંતુ મીરાંનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ કંઈક અલગ જ હતો. મીરાબાઈએ પ્રેમ અને ભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જેમાં તેમણે પોતાનું આખું જીવન કૃષ્ણ માટે સમર્પિત કરી દીધું હતું. ત્યારે આ કળયુગમાં પણ મીરા જોવા મળી છે જેણે વિષ્ણુજીની મૂર્તિ સાથે લગ્ન કરીને પોતાનું જીવન તેમને સમર્પિત કરી દીધું છે.
મળતી માહિતી મુજબ આ ઘટના જયપુરની છે જ્યાં પૂજા સિંહે ઠાકોરજી સાથે લગ્ન કર્યા હતા. આજના યુગમાં જ્યાં લોકો એક બીજા પર વિશ્વાસ પણ રાખી શકતા નથી કે વિશ્વાસના લીધે પોતાના લગ્ન તોડી નાખતા હોય છે ત્યારે જયપુરની રહેવાસી પૂજા સિંહે ગત 8મી ડિસેમ્બરે હિંદુ રીતિ-રિવાજ મુજબ ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. પૂજાએ પોતાના હાથ પર ‘ઠાકુરજી’ના નામની મહેંદી લગાવી અને ‘ઠાકુરજી’ને હાથમાં સિંહાસન લઈને આગના સાત ફેરા લીધા.
લોકો હાલ સાયન્સમાં ભગવાન કરતા વધુ વિશ્વાસ કરતા થઈ ગયા છે ત્યારે પોલિટિકલ સાયન્સમાં એમએ કરેલી પૂજાએ ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કર્યા છે, જેમાં ગણેશ પૂજાથી લઈને ચકભાત, મહેંદી, મહિલા સંગીત અને ફેરા સુધીની ધાર્મિક વિધિઓ થઈ હતી. વિષ્ણુજીને વરના રૂપમાં મંદિરમાંથી પૂજા સિંહના ઘરે લાવવામાં આવ્યા હતા અને ત્યાં મંત્રોચ્ચાર સાથે સાત ફેરા થયા હતા.
સિંદુરથી નહિ ચંદનથી ભરી પોતાની માંગ
તેની જાનમાં ૩૧૧ જાનૈયાઓ આવ્યા હતા અને વિષ્ણુજીનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરા અનુસાર, વરરાજા કન્યાની માંગને સિંદૂરથી ભરે છે, પરંતુ અહીં ભગવાન વિષ્ણુ વતી, પૂજારીએ પોતે સિંદૂરને બદલે ચંદનથી માંગ ભરી હતી અને તે પછી વિદાય વિધિ કરવામાં આવી હતી.
જયારે મન હરીએ મોહી લીધું તો જગત લાગ્યું મિથ્યા
આ લગ્ન પહેલા પૂજાએ તુલસી વિવાહ જોયા હતા અને ત્યારથી શ્રી કૃષ્ણના રૂપમાં ઠાકુરજીમાં તેની શ્રદ્ધા વધી ગઈ હતી. આ પછી ગોવિંદના દરબારમાં ઠાકુરજી સાથે લગ્ન કરવાનો વિચાર કરીને પંડિત સાથે ચર્ચા કરી. આ પછી પરિવારજનોને સમજાવવામાં આવ્યા, પરંતુ પિતા પ્રેમ સિંહ ગુસ્સે થઈ ગયા. પરંતુ જ્યારે માતા સંમત થયા, ત્યારે બધું શક્ય બન્યું.
માતાએ દીકરીના નિર્ણયનું સન્માન કરીને કર્યું કન્યાદાન
લગ્ન માટે પિતા સહમત નહોતા ત્યારે માતાએ દીકરીના નિર્ણયને આવકારીને કન્યાદાન કર્યું હતું. લગ્નની વિધિઓ રીતિ-રિવાજ મુજબ કરવામાં આવી હતી, જેમાં લગભગ બે લાખ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. હાલમાં ભગવાન વિષ્ણુજીને લગ્ન બાદ મંદિરમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. પૂજા વિષ્ણુજીની સેવા કરે છે અને હવે જમીન પર રાત વિતાવે છે. લોકો તેને સેંકડો વર્ષો પછી પૂજાના રૂપમાં મીરા દેવીનો પુનર્જન્મ થયો છે તેવું કહી રહ્યા છે.