જય વિરાણી, કેશોદ:
કેશોદ નગરપાલીકા દ્વારા શોપ એક્ટ લાયસન્સ રીન્યુ કરાવવા માટેની કામગીરી હાથ ધરાઇ છે. પરંતુ આ દરમિયાન પાલિકા અધિકારીઓ વેપારીઓ પાસેથી પૈસા પડાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. વેપારી પાસેથી અન્ય ફીના નામે 200 જેવી રકમ પડાવી લેતાં વેપારીએ લેખિત ખુલાશો માંગતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જો કે શોપ એક્ટ લાયસન્સ રીન્યુ કરવું ફરજીયાત પણ નથી પરંતુ મળતિયાઓ પાસે ફોર્મ લેવા ધકકા ખવડાવવામાં આવે છે.
મળતી વિગતો મુજબ, કેશોદના આંબાવાડી શોપિંગ સેન્ટરમાં ઉત્સવ નામની દુકાન ધરાવતાં રાજેશભાઈ વાછાણી જાહેરખબરનું ચોપાનિયું મળતાં શોપ એક્ટ લાયસન્સ રીન્યું કરવા પાલીકાએ ગયાં હતાં. જયાં તેણે 20 લેખે 3 વર્ષની રિન્યુ ફીની 60 જેવી રકમ તેમજ અન્ય ફી તરીકે 200 જેવી વધારાની રકમ ચુંકવી હતી. આથી વેપારીએ વધારાની રકમ શા માટે તેવો સવાલ કર્યો હતો. જેનો પાલીકા કર્મચારીઓ પાસે જવાબ ન હોય વેપારીઑ અચંબામાં પડી ગયાં હતાં અને અન્ય સવાલો કર્યા હતાં.
વેપારીએ પુછ્યું કે, રીન્યું ફોર્મ પાલીકા રાખતી ન હોય બહાર મળતિયા એજન્ટ પાસે ફોર્મ લેવા ધક્કો શા માટે ? શોપ એક્ટ લાયસન્સ ફરજીયાત કે મરજીયાત..? આમાનાં એકપણ પ્રશ્નનો જવાબ પાલીકા કર્મચારીઓ આપી ન શકતાં વેપારીઓમાં રોષ પ્રવર્તયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ પાલીકાએ શોપ એક્ટ લાયસન્સ રીન્યુ કરાવવા ચોપાનિયા મારફત જાહેરખબર છપાવી દુકાનોમાં વહેંચી હતી. હાલ સરકાર દ્વારા રીન્યુ કરાવવાનું બંધ હોય તેમ છતાં જાહેરખબરમાં આ રીન્યું ફરજીયાત નથી તેવો ઉલ્લેખ ન કરાતાં વેપારીઓ રીન્યું કરવા પાલીકાએ પહોંચ્યા હતાં. જેથી સમગ્ર અજાણ વિગતો બહાર આવી હતી.
જો કે આ અંગે કેશોદ પાલીકા ચીફ ઓફીસર પાર્થીવ પરમારે જણાવ્યું છે કે નિયમ વિરૂધ્ધ રકમ વસુલાત કરાઈ હશે તો કાર્યવાહી કરવામાં આવશે. અને વેપારી અરજદારને રકમ પરત કરવામાં આવશે.