આજે રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો અંતિમ દિવસ, આવતીકાલથી શરૂ થશે ખરીદી
૪.૫૭ લાખથી પણ વધુ ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, દરરોજ ૫૦ ખેડૂતોને ખરીદી માટે બોલાવાશે
સંગ્રહ શક્તિના અભાવે મગફળી નાશવંત ન બને તેની કાળજી લેવી જરૂરી
દર વર્ષે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુસર અનેકવિધ ખેત ઉપજોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. દર વર્ષે સૌરાષ્ટ્રના મુખ્ય પાક પૈકી એક મગફળીની ટેકાના ભાવે લાભ પાંચમથી ખરીદી કરવામાં આવતી હોય છે. આ વર્ષે મગફળીનું મહત્તમ વાવેતર અને બમ્પર ક્રોપ આવવાની શક્યતાએ મગફળીની ટેકાના ભાવે ખરીદી વહેલી કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેના ભાગરૂપે પેલી ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ૨૦ દિવસીય રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં હાલ સુધીમાં ૪.૫ લાખથી પણ વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. આજના દિવસમાં હજુ વધુ રજીસ્ટ્રેશન થાય તેવી શક્યતાઓ છે. અંદાજે ૪.૭૫ લાખ જેટલા ખેડૂતો નોંધણી કરાવે તેવી શક્યતાઓ છે. ૨૧મીથી મગફળીની ટેકાના ભાવે ખરીદી હાથ ધરવામાં આવશે. જે પ્રક્રિયા કુલ ૯૦ દિવસ સુધી ચાલનારી છે.
ખેડૂતોને બોલાવવા માટે એસએમએસ સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે. તમામ ખેડૂતોને એસએમએસ મારફત કંઈ તારીખે અને કેટલા વાગ્યે કેન્દ્ર ખાતે આવવું તે અંગે જાણ કરવામાં આવશે. આ વર્ષે મગફળીની ખરીદી વહેલી શરૂ કરી દેવામાં આવશે જેથી ખેડૂતો દિવાળીએ નવો પાક લઈ શકે. પરંતુ સૌથી મોટી વિસંગગતા એ છે કે, રાજ્યમાં કુલ ૪.૫૦ લાખ ખેડુતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે એક દિવસમાં ૫૦ જેટલા ખેડૂતોને જ ખરીદી અર્થે બોલાવવામાં આવશે તો તમામ ખેડૂતોની મગફળીની ખરીદી કરતા કેટલો સમય લાગશે તે સવાલ પણ ખુબ મહત્વનો છે.
તે ઉપરાંત ખરીદી કર્યા બાદ સંગ્રહ ક્યાં કરાશે અને તેના માટે કેટલી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે તેં અંગે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે ઉપરાંત ખેડૂતોને નાણાંની ચુકવણી કેટલા સમયમાં કરવામાં આવશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તેથી ખેડૂતોને કેટલા સમયમાં નાણાં મળશે તે પ્રશ્ન પણ ખૂબ મહત્વનો છે.
દરરોજ ફક્ત ૫૦ ખેડૂતોને ખરીદી માટે બોલવતા પ્રક્રિયા કેટલા દિવસ સુધી ચાલશે ?
જે રીતે દરરોજ ૫૦ ખેડૂતોને જ ખરીદી અર્થે કેન્દ્ર ખાતે બોલવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે મુજબ આશરે ૪.૫૦ લાખ ખેડૂતોનો વારો ક્યારે આવશે અને ક્યાર સુધી ખરીદ પ્રક્રિયા શરૂ રાખવી પડશે તે મહત્વનો સવાલ છે. ઉપરાંત જો તમામ ખેડૂતોનો વારો લેવાનો હોય તો શું ફક્ત ૯૦ દિવસમાં તમામ ખેડૂતોનો વારો આવી જશે કે કેમ તે પણ મહત્વનો સવાલ છે.
ખેડૂતો સંગ્રહ શક્તિના અભાવે મગફળી વેંચે પણ શું સરકાર પાસે પૂરતી સંગ્રહ શક્તિ ઉપલબ્ધ ?
ખેડૂતો પાસે સંગ્રહ શક્તિનો અભાવ હોવાથી ખેડૂતો ’નહીં મામા કરતા કાણા મામા સારા’ ઉક્તિ પ્રમાણે પાક બગડે અને તમામ મહેનત પાણીમાં જાય તેનાથી સારું ઓછી કિંમતે મગફળી વેચી રોકડી કરવામાં ખેડૂતો માનતા હોય છે. ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે તો ખેડૂતો મગફળી વેંચવા આવશે અને ખરીદી પણ કરાશે પરંતુ ખરીદ કરેલી મગફળીના સંગ્રહ માટે કેવી વ્યવસ્થા રાખવામાં આવી છે તે પણ જોવું રહ્યું નહિ તો અગાઉની જેમ મગફળી માર્કેટિંગ યાર્ડ ખાતે લાંબા ગાળા સુધી પડી રહે અને ત્યારબાદ નાશવંત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં.
કેટલા સમયમાં પૈસાની ચુકવણી થશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નહીં
સામાન્ય રીતે જ્યારે ખેડૂતો ખેત પેદાશનું વેચાણ કરે ત્યારે તાત્કાલિક વેપારીઓ વેચાણની રકમની ચુકવણી કરી દેતા હોય છે જેથી ખેડૂતોને આ પૈસા ઉપયોગી બનતા હોય છે પણ ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં પૈસાની ચુકવણીમાં વિલંબ થયાના કિસ્સા અગાઉ ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે ત્યારે આ વર્ષે ખેડૂતોને કેટલા દિવસમાં પૈસાની ચુજવાની કરવામાં આવશે તે પણ જોવું રહ્યું. એક પાક કાઢ્યા બાદ ખેડૂતો ટૂંકા સમયમાં જ બીજો પાક લેતા હોય છે ત્યારે બિયારણ, ખાતર માટે પૈસાની તાતી જરૂરિયાત હોય તે બાબતને પણ અવગણી શકાય નહીં.