ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થવાના સંજોગો ટીપી-ડીપીમાંથી ખેતીની જમીનોને મુક્ત કરીને જ ઉજળા બનશે
શહેરોના વિકાસ માટે ટાઉન પ્લાનીંગ સ્કીમો અને ડ્રાફટ ડેવલોપમેન્ટ પ્લાનમાંથી ખેતીની જમીનને મુકત કરવી જરુરી છે. તેવા દ્રઢ વિશ્ર્વાસ સાથે અઢીયા સમિતિએ સરકાર સમક્ષ એગ્રીકલ્ચર ઝોનને શહેરની યોજનાઓમાંથી ન કાપવા પ્રસ્તાવ મુકયો છે જો કે સરકાર આ પ્રસ્તાવને અમલમાં લાવવા ઉત્સુક ન હોવાનું પણ સામે આવ્યું છે.
હાલની સાંપ્રત પરિસ્થિતિમાં શહેરી યોજનાઓમાંથી કૃષિ ઝોનને હટાવવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે. કૃષિ ઝોન વર્ષોથી શહેરના વિકાસમાં નડતરરૂપ બન્યું હોય, શહેરમાં આવાસોની તાતી જરૂરીયાત પણ ઉભી થતી હોય આ મામલે ચર્ચાનો દૌર હજુ પણ યથાવત રહ્યો છે. જો કૃષિ ઝોનને શહેરી યોજનામાંથી હટાવી દેવામાં આવે તો લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન આકાર થવાના સંજોગો ઉજળા બની રહે તેવી પુરેપુરી શકયતાઓ છે. કોવીડ-૧૯ની મહામારીને ઘ્યાને લઇને પુન: આર્થિક ઉત્થાનમાં રોડમેપ તૈયાર કરવા માટે હસમુખ અઢીયાની આગેવાનીમાં સમિતિની રચના કરવામાં આવી હતી.
અઢીયા સમિતિએ સ્પષ્ટ પણે શહેરી યોજનાઓમાંથી કૃષિ ઝોનને હટાવવાનો પ્રસ્તાવ કર્યો હતો. પરંતુ આ મામલે રાજય સરકારે કોઇ હકારાત્મક અભિગમ અપનાવ્યો નથી. સમિતિએ એવો પ્રસ્તાવ કર્યો છે કે કૃષિ ઝોનને નગર નિગમની વિકાસ યોજનાઓની સીમાથી હટાવી શકાય તો આવાસ માટે ઉપલબ્ધ જમીન મળી શકે છે. આવું કરવાથી ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસ ખડકાતા દબાણો ઉપર પણ રોક લગાવી શકાય છે. તેવું સમિતિએ વિશ્ર્વાસ સાથે જણાવ્યું હતું.
માત્ર કાગળ ઉપર રહેલો એગ્રીકલ્ચર ઝોન વિકાસમાં રોડા સમાન!!
રાજયમાં એગ્રીકલ્ચર ઝોનમાં ઘણો વિસ્તાર માત્ર કાગળ ઉપર જ એગ્રીકલ્ચર ઝોન દેખાય છે. હકિકતમાં આ જગ્યાઓ ઉપર દબાણો ખડકાયા છે. કબ્જા કરાયા છે અને ખેતી સિવાયની ઘણી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. માટે હવે સરકારે સર્વે કરાવીને માત્ર કાગળ ઉપર જે એગ્રીકલ્ચર ઝોન છે અને તે વિકાસને અવરોધવાનું કામ કરી રહ્યો છે તેને હટાવવાની જરૂર છે.
એગ્રીકલ્ચર ઝોન ધટતા લોકોને આવાસની પુષ્કળ તક મળશે
એગ્રીકલ્ચર ઝોન શહેરી યોજનાઓમાં નડતરરૂપ બનતો હોય જો આ ઝોનને ઘટાડી દેવામાં આવે તો આવાસો નિર્માણની પ્રવૃતિને વેગ મળે અને ઘર વિહોણા લોકોને આવાસ મેળવવાની પુષ્કળ તક મળી રહે એગ્રીકલ્ચર ઝોનનો વિસ્તાર ઘટતાની સાથે જ લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન પણ સાકાર થવા લાગશે.