ભારતમાં ફેસબુક ફેકબુકનું સ્થાન લઇ રહ્યું છે જે વપરાશકર્તાઓ ઉપરાંત, તમામ વર્ગ અને લોકો માટે જોખમરૂપ: કોંગ્રેસ પ્રવકતા પવન ખેરા
સોશિયલ મીડિયાનો ‘વાયરલ વાયરસ’ ભારતની લોકશાહીને પ્રભાવિત કરતો હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે. આજના ડિજિટલ યુગમાં સૌ કોઈ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર તેમજ યૂટ્યૂબ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રચ્યા પચ્યા રહે છે. જેના લાભ છે તેમ સામે અનેકગણા નુકસાનકર્તા પરિબળો પણ છે. ફેસબુક જાણે ફેક મેસેજનું હબ બની ગયું હોય તેમ ખોટા મેસેજ, કન્ટેન્ટ ફેલાઈ રહ્યા છે.
ફેસબુક લોકોને ગેરમાર્ગે દોરી ‘ફેક’બુક બની ગયું હોય તેમ ઘણા આક્ષેપો થઈ રહ્યા છે. એમાં પણ તાજેતરમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ ગત ચૂંટણીઓ ફેસબુકે પ્રભાવિત કરી હોવાનો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ બેસાડી તપાસ કરવામાં આવે.
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ ભારતમાં ફેસબુક પ્લેટફોર્મ પર દ્વેષપૂર્ણ ભાષણ પોસ્ટ્સ સામે કાર્યવાહી શરૂ ન કરવા અંગે સોશિયલ મીડિયા જાયન્ટના આંતરિક અહેવાલનો મુદ્દો ઉઠાવ્યો છે, અને કહ્યું કે ફેસબુકે પોતાને ‘ફેક’બુકમાં ફેરવી દીધું છે. તેમણે મોટો આક્ષેપ કરતા કહ્યું કે ફેસબુક ભાજપના સાથી તરીકે કામ કરી રહ્યું છે અને તેના એજન્ડાને આગળ વધારી રહ્યું છે.
ફેસબુકમાં કામ કરતા વ્હિસલબ્લોઅર ફ્રાન્સિસ હોજેનના સંશોધન દસ્તાવેજોને ટાંકીને તેમણે આરોપ મૂક્યો કે તેણે હિન્દી અને બંગાળીમાં દ્વેષપૂર્ણ પોસ્ટ કરનારાઓ સામે કોઈ નિર્ણાયક પગલાં લીધાં નથી. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે ફેસબુકના આંતરિક રિપોર્ટમાં 10 લાખથી વધુ નકલી એકાઉન્ટની ઓળખ કરવામાં આવી છે, તેમ છતાં તેણે કોઈ એક્શન લીધા નથી. ચૂંટણીને પણ પ્રભાવિત કરવામાં ફેસબુકની ભૂમિકા રહેલી છે અને અમે આ અંગે જેપીસી- જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી તપાસની માંગ કરીએ છીએ.
જો કે જણાવી દઈએ કે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાના આ આરોપો પર ફેસબુક ઈન્ડિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કોંગ્રેસ પ્રવક્તા ખેરાએ કહ્યું કે ભારતમાં માત્ર નવ ટકા વપરાશકર્તાઓ કે જે અંગ્રેજીમાં છે અને તેમ છતાં તેમની પાસે પ્રાદેશિક ભાષાઓમાં પોસ્ટ, સામગ્રીને ફિલ્ટર કરવાની સિસ્ટમ નથી. તેમણે આરોપ લગાવ્યો કે દિલ્હી રમખાણો અને પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન ફેસબુકની ભૂમિકા શંકાના દાયરામાં રહી છે. ફેસબુકની આ ભૂમિકાને હવે બાદબાકીની ભૂલ તરીકે નકારી શકાય નહીં, કારણ કે તે ઇરાદાપૂર્વક શાસક પક્ષના એજન્ડા અને તેની વિચારધારાને આગળ ધપાવી રહ્યું છે જે નફરત, કટ્ટરતા અને સમાજમાં વિભાજન કરાવી શકે છે.