આપણા દેશની સંસ્કૃતિ અને ધર્મને સાંકળતી બાબતોમાં સરકારની તરાપ ! ટ્રસ્ટીઓને ગુપ્તદાન કરવાની મનાઈ: દાતાને દાનને લગતુ સર્ટિફિકેટ આપવું ફરજિયાત: કેન્દ્ર સરકારે બહાર પાડેલો ફતવો
સરકારના અને શ્રીમંતોના વિવિધ અવસરોનાં ભપકાદાર અવસરોનાં બેફામ ખર્ચની રીતસર પ્રજાને જાણ કરવાનો અને તે વિના આવા ખર્ચ સરકારી તિજુરીમાં પાસ ન જ કરાવી શકાય એવો હૂકમ અને ધારો બહાર કેમ ‘દાન’ અંગેના નવા ધારા સાથે જ કે અપનાવાયો નહિ, એવો પ્રશ્ન ઉઠાવવાનોને તેને માટે ગમે તેટલી જબરી કે જલદ લડત લડવાનો પ્રજાને હકક છે. એની કોણ ના કહી શકશે?
અહેવાલ મુજબ અમદાવાદ સહિત રાજયભરનાં ધાર્મિક કે ચેરીટેબલ ટ્રસ્ટોએ હવેથી તેમને મળતા દાન અને દાતાની ઓળખ છતી કરવી પડશે. દાનના બહાને ચેરીટેબલ અને ધાર્મિક ટ્રસ્ટમાં ચાલતા વ્યવહાર ઉપર હવે સરકારે લગામ લગાવી છે. તાજેતરમાં રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં સરકારે ગુપ્તદાન આપનારા દાતાની યાદી ટ્રસ્ટ પાસે માગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુપ્તદાન આપનારની માહિતી માગવામાં આવતી ન હતી. પરંતુ હવે તેની શરૂઆત કરાઈ છે તે મુજબ હવે અમદાવાદ શહેરમાં ૪૦ હજારથી વધુ સંસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ કાયદા હેઠળ નોંધાયેલી છે.
આ અહેવાલની ગંભીરતા રખે કોઈ ઓછી આંકે.
આપણી સંસ્કૃતિ અને આપણા ધાર્મિક પાસાંઓમાં તેમજ આપણા ધર્મગ્રંથોમાં ગુપ્તદાનને સારી પેઠે મહત્વનું ગણાવાયું છે. એક હાથે દાન આપો અને બીજા હાથને ખબર ન પડે એ રીતે ગુપ્તદાન આપવાની આપણી ધાર્મિક પ્રણાલિકામાં હિમાયત થઈ જ છે. ગઝલની એક લીટી અહીં યાદ આવે છે. અને આ ધાર્મિક સિંધ્ધાંતની પ્રતીતિ કરાવે.
એમાં કહેવાયું છેકે, : ડાબા હાથને જાણ ન થાય એ રીતે જમણા હાથે કડિયાળાં પૂરાયાં હોય, એમાં જ સાચો ધર્મ છે. અને એમાંજ સાચી ભકિત છે.
આપણી સંસ્કૃતિતો તિર્થસ્થાનોનાં જળમાં પણ સિકકા નાખીને પૂણ્ય ધર્મ કરવાની પ્રથા હતી અત્યારે પણ મોટા મોટા હરિમંદિરોમાં ‘મંદિરની પેટીઓ’માં મોટી મોટી રકમોનાં દાન અપાય છે. જેને લગતી માહિતી સંસ્થાના અધિકૃત લોકો જાહેરમાં મૂકે ત્યારે જ સમાજને જાણ થાય છે.
તીરૂપતિ, સાંઈબાબા, સિધ્ધિ વિનાયક અને અન્ય કેટલાય મંદિરોમાં ગુપ્ત અને ખૂલ્લાં મોટી રકમનાં દાન અપાય છે.
પોતાની વાહવાહ નહિ કરાવવાનો, જાહેરમાં યશ નહિ પામવાનો અને આવા દાન વડે કીર્તી પામીને કોઈને કોઈ પ્રકારનો લાભ પામવા મોહ નહિ રાખવાની ભાવના ગુપ્ત દાન પાછળ હોઈ શકે.
લગ્નમાંગલ્ય કથાકિર્તન તેમજ ભગવાન-પરમેશ્ર્વરની પ્રસન્નતા અર્થે ભિન્નભિન્ન પ્રણાલિકાતેમજ ભિન્ન ભિન્ન સલાહ સૂચનાને અનુલક્ષીને અલગ અલગ રીતે દાન ધર્માદા થતા હોય છે.
‘તેરા તુજકો અર્પણ, ઈસમેં કયા લાગે મેરા?’ એમ કહેતા કહેતા પણ ઘણા લોકો દાન ધર્માદા કરે છે, એ બાબત કોઈથી અજાણી નથી. અમુક લોકો તો ભગવાનના અને દેવદેવીઓનાં શણગાર માટે દાન-ધર્માતા કરે છે. આવા ધર્માદાને આપણે તથા અન્યો કેવું દાન ગણશે? વિદેશી હુંડિયામણમાં, અર્થાત વિદેશી ચલણોમાં પણ મંદિરોમાં દાન ધર્માદા થતા હોય છે.
કેટલાક લોકો માનવ સેવાને ધર્મનો પ્રાણ ગણે છે. અને માનવસેવાની પ્રવૃત્તિઓ અર્થે દાન આપે છે. આવો વર્ગ નાનો સુનો નથી. આ રીતે મળતા દાન ધર્માદાનું શું?
કેટલાક લોકો વિદ્યા અર્થે દાન આપે છે. દા.ત., સ્કુલ ફી, પુસ્તકો, ગણવેશ, વાહન અને નાસ્તાગૃહની ચીજો…
વિદ્યાદાન જેવું કોઈ મોટુદાન નથી એવી આપણે ત્યાં વર્ષો જૂની માન્યતા છે. દવા-સારવાર માટે પણ દાન આપવાની પ્રથા છે. આવા દાન ધર્માદાને કેવા દાન ગણાશે?
આ બધું જોતાં એવી ટકોર થઈ શકે છે કે, દાન-ધર્માદાના મુદ્દે કાનૂની તકરાર તથા વકીલો સુધી મામલો પહોચશે.
સરવાળે તો એમ જ કહેવાશે કે ‘દાન-ધર્માદા’નાં નામે પણ નાણાંકીય કૌભાંડો થતા હોવાની સરકારને આશંકા છે. એના દ્વારા આવકવેરા સાથે છેડછાડની આશંકા છે.
સરકારને તો ગમે ત્યાંથી પૈસા જોઈએ છે. પ્રજાના પૈસાના પ્રત્યેક બેફામ ખર્ચ વિષે પ્રજાને માહિતી આપવાની સરકારની જવાબદારી છે.
પ્રજાસત્તાક દિને કરેલા બેફામ ખર્ચ વિષે ભલીભોળી જનતાને કશીજ માહિતી અપાઈ નથી. એ ખર્ચ કેટલો આવ્યો, કોની પાસેથી આવ્યો, પ્રજાને એ વિષે માહિતી આપીને સરકાર જો તેના ધર્મ ન બજાવે તો દાન ધર્માદાની બાબતમાં ચંચુપાતને ગોઝ કેવો લેખવો, એ પ્રશ્ન ઉઠશે જ.