નેધરલેન્ડની માસ્ટ્રિક્ટ યુનિવર્સિટી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેટા સાયન્સના સંશોધકોએ બનાવી આધુનિક મોબાઈલ એપ્લિકેશન
કોરોના હજુ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી અને કદાચ ક્યારેય કોરોના જડમૂળથી જશે પણ નહીં તેવું અમુક નિષ્ણાંતોનું પણ માનવું છે. હવે લોકોએ અન્ય વાયરલ બીમારીઓની જેમ કોરોના સાથે જીવતા શીખવું જ પડશે ત્યારે લોકોએ આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે. જો કે, ઘણા લોકો કોરોના ટેસ્ટ કરવાનું પસંદ કરતા નથી. પરંતુ, હવે ટૂંક સમયમાં જ તેનાથી છુટકારો મળવા જઈ રહ્યો છે. માત્ર એક સ્માર્ટફોન એપ્લિકેશનની મદદથી હવે તમે કોરોના સંક્રમિત છો કે નહીં તે જાણી શકાશે.
આ એપ લોકોનો અવાજ સાંભળશે અને જણાવશે કે તેમને કોરોના છે કે નહીં. જેના માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈની મદદ લેવામાં આવશે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સંશોધકે આ જાણકારી આપી છે.
સંશોધક ટીમ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ એપ ઘણા એન્ટિજેન ટેસ્ટ કરતા વધુ સચોટ છે. આ સિવાય તે લોકો માટે ખૂબ સસ્તું પણ હશે. તેનો ઉપયોગ એકદમ સરળતાથી કરી શકાય છે. આનો અર્થ એવો થાય છે કે, જ્યાં પીસીઆર ટેસ્ટ કરાવવો ખર્ચાળ છે અથવા સામાન્ય લોકોની પહોંચની બહાર છે. આ મોબાઈલ એપ ત્યાં કામમાં આવશે.
નેધરલેન્ડની માસ્ટ્રિક્ટ યુનિવર્સિટીમાં સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેટા સાયન્સના સંશોધક વફા અલ્જબાવીએ જણાવ્યું હતું કે, આશાસ્પદ પરિણામો દર્શાવે છે કે ફાઇન-ટ્યુન્ડ એઆઈ અલ્ગોરિધમ્સ કોને કોરોના થયો છે તે શોધી શકે છે. આ ખૂબ જ ચોક્કસ પરિણામો આપશે.
અન્ય એક સંશોધકના જણાવ્યા અનુસાર એપ્લિકેશનની મદદથી રિમોટ અને વર્ચ્યુઅલ ટેસ્ટિંગ પણ કરી શકાય છે. એપ એક મિનિટ કરતાં ઓછો સમય લેશે. ભીડભાડવાળી જગ્યાના એન્ટ્રી પોઈન્ટ પર તેનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે, દરેકનું પરીક્ષણ ખૂબ જ ઝડપથી કરવામાં આવશે.
કોવિડ-19 ની અસર લોકોના અવાજ પર પણ પડે છે. કોવિડથી પ્રભાવિત લોકોનો અવાજ થોડો બદલાય છે. આ સાથે, અલ્જબાવી અને તેના સુપરવાઈઝરને એઆઈ દ્વારા અવાજનું વિશ્લેષણ કરીને કોરોના ડિટેક્શન એપ બનાવવાનો વિચાર આવ્યો.
આ માટે સંશોધકો મેલ-સ્પેક્ટ્રોગ્રામ વિશ્લેષણ તકનીકનો ઉપયોગ કર્યો છે. જેના થકી લાઉડનેસ, પાવર અને વેરિએશન સંબંધિત ફેરફારોને ઓળખવામાં આવે છે.