ચીન આડકતરી રીતે ભારતને નુકસાન પહોંચાડવા ગમે તે હદે જઈ શકે છે. તેવામાં હવે નવો ફણગો ફૂટ્યો છે. કેનેડા અને ભારતના વણસતા સંબંધો પાછળ કારણભૂત હરદીપસિંહ નિજ્જરની હત્યાને ચીને અંજામ આપ્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. જો કે હાલ આ માત્ર આક્ષેપ છે. પણ ચીન આવું કૃત્ય કરી પણ શકે છે. તેમાં કોઈ શંકા નથી.
કેનેડા અને ભારત વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે નવો વળાંક આવ્યો છે. એક તરફ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવી રહ્યા છે. તે જ સમયે, હવે એક સ્વતંત્ર બ્લોગર જેનિફર ઝેંગે આ અંગે એક નવો દાવો કર્યો છે. તેણે ખાલિસ્તાની સમર્થકની હત્યા પાછળ ચીનનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવતા ઝેંગે કહ્યું કે ચીનનો ઉદ્દેશ્ય ભારત અને પશ્ચિમી દેશો વચ્ચે મતભેદ ઉભો કરવાનો છે. જેનિફર ઝેંગ ચીનમાં જન્મેલા અધિકાર કાર્યકર્તા અને પત્રકાર છે, જે હાલમાં અમેરિકામાં રહે છે.
આ વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પાર્કિંગમાં આતંકવાદી હરદીપ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લાઓએ કહ્યું કે આ વર્ષે જૂનમાં ’ઇગ્નીશન પ્લાન’ના ભાગરૂપે ચીન તરફથી એક ઉચ્ચ અધિકારીને સિએટલ મોકલવામાં આવ્યો હતો. ત્યાં એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. ચીનનો ઉદ્દેશ્ય ભારત અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધોને બગાડવાનો હતો. તેણે દાવો કર્યો હતો કે એજન્ટોને કેનેડામાં શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. મીટિંગ પછી, સીસીપી એજન્ટોએ કાળજીપૂર્વક હત્યાની યોજનાને અંજામ આપ્યો.
બ્લોગરે આરોપ મૂક્યો હતો કે 18 જૂને, સાયલન્સ્ડ બંદૂકોથી સજ્જ એજન્ટોએ નિજ્જરને ટ્રેક કર્યો હતો. જ્યારે કામ પૂર્ણ થયું, ત્યારે તેઓએ પુરાવાનો નાશ કરવા નિજ્જરની કારમાંના ડેશ કેમેરાનો નાશ કર્યો. બાદમાં આ એજન્ટો ભાગી ગયા હતા. એટલું જ નહીં, આ લોકોએ તમામ નિશાનો નષ્ટ કરવા માટે તેમના હથિયારો પણ સળગાવી દીધા. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે હત્યારાઓએ જાણીજોઈને ભારતીય ઉચ્ચાર સાથે અંગ્રેજી શીખ્યા હતા.