શું વન નાઇટ સ્ટેન્ડમાં ભાજપની આબરૂ લૂંટાઇ ગઇ?

શું રાજકારણના અઠંગ ખેલાડી ગણાતા શરદ પવારે ભાજપને ચિત્ત કર્યું?

શું શરદ પવારને મ્હાત આપવા ભાજપે એનસીપીને તોડવાનો પ્રયાસ કર્યો?

અજીતને ભાજપ સાથે મોકલી શરદ પવારે કુનેહપૂર્વક ઇડીના કેસોને બંધ કરાવી દીધા!

દેશના રાજકીય એપી સેન્ટર ગણાતા મહારાષ્ટ્રમાં વિરોધી વિચારધારાવાળા પક્ષો વચ્ચે થયેલુ ગઠબંધન દેશના રાજકારણને નવી દીશા આપશે?

એનસીપીને તોડવાના ભાજપના પ્રયાસનો શરદ પવારે કુનેહપૂર્વક ઉપયોગ કરી પોતાનો રાજકીય લાભ સાધી લીધો!

મોદી-પવાર વચ્ચેની બેઠકમાં રંધાયેલી રાજકીય ખીચડી ભાજપ માટે ‘બિરબલી ખીચડી’ પૂરવાર થઇ!

તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગઠ્ઠબંધન કરીને લડેલા ભાજપ શિવસેનાને સ્પષ્ટ બહુમતી મળી હતી પરંતુ દેશમાં થતી રાજકીય સામાજીક, ધાર્મિક ચળવળોનું એપી સેન્ટર ગણાતા મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે પરિણામ બાદ સર્વોપરિતાનો જંગ મંડાયો હતો. જેથી, ભાજપ અને શિવસેનાએ નવી સરકાર રચવા ત્રીજી સૌથી મોટી પાર્ટી એનસીપીની મદદ લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. આ તકને પારખી ખંધા રાજકારણી ગણાતા એનસીપી સુપ્રીમો શરદ પવારે એકસાથે બંને પક્ષો સાથે સરકાર રચવા માટે ચર્ચાઓ ચાલુ રાખી હતી. અત્યાર સુધી રાજકીય વર્તુળોમાં ચાલતી આવી ચર્ચાઓને ગઈકાલે શરદ પવારે પુષ્ટિ આપતા જણાવ્યું હતુ કે તેમને વડાપ્રધાન મોદીએ સાથે જોડાઈને સરકાર રચવાની ઓફર કરી હતી. જોકે શરદ પવારે આ રાજકીય ઘટનાક્રમમાં ‘દહી-દુધમાં પગ’ રાખીને પોતાનો સ્વાર્થ સાધી લીધો હતો. જેથી રાજકીય પંડિતોમાં એવી ચર્ચાઓનો પ્રારંભ થવા પામ્યો છે કે આ મુદ્દે ભવિષ્યના રાજકારણને સમજવામાં ભાજપ થાપ ખાય ગયું છે. ભવિષ્યમાં પણ જે રાજયોમાં ભાજપની ગઠ્ઠબંધન સરકાર છે તેમાં સાથી પક્ષોને સમજવામાં ભાજપ ભૂલ ખાય જશે તો આગામી સમયમાં તેના હાથમાં આવેલી સત્તારૂપી બાજી ધીમેધીમે સરકતી જશે.

7537d2f3 1

હિન્દુત્વવાદની સમાન વિચારધારાના કારણે મહારાષ્ટ્રમાં ત્રણ દાયકા સુધી ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન રહેવા પામ્યું હતુ શિવસેનાના સ્થાપક સુપ્રીમો બાલ ઠાકરેની હયાતી સુધી આ ગઠ્ઠબંધનમાં શિવસેના મોટાભાઈની જયારે ભાજપ નાનાભાઈની ભૂમીકામાં હતુ પરંતુ બાલ ઠાકરે બાદ શિવસેના સુપ્રીમો બનેલા ઉધ્ધવ ઠાકરેમાં રાજકીય પરિપકવતા ન હોય તે બાદ આ ગઠ્ઠબંધનમાં ધીમેધીમે ભાજપ મોટાભાઈની અને શિવસેના નાનાભાઈની ભૂમિકામાં આવી જવા પામ્યું હતુ. જેના કારણે બંને પક્ષો વચ્ચે સમયાંતરે સર્વોપરિતાનો જંગ ખેલાતો રહ્યો હતો. તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ગઠ્ઠબંધન કરીને સાથે લડેલા ભાજપ અને શિવસેનાને સ્પષ્ટ બહુમતી મળી હતી પરંતુ, પહેલા મુખ્યમંત્રી પદ આપવાના મુદે બંને પક્ષો વચ્ચે ફરીથી સર્વોપરિતાનો જંગ મંડાયો હતો. આ જંગમાં બંને પક્ષોમાથી એકપણ પક્ષ ઝૂકવા તૈયાર ન હોય આખરે આ ગઠ્ઠબંધન નવી સરકાર રચી શકયું ન હતુ. પરંતુ, બંને પક્ષોને નવી સરકાર રચવાની લાલસા હોય ૫૪ ધારાસભ્યો સાથેની ત્રીજી મોટી પાર્ટી એનસીપીના ટેકાની સરકાર રચવાના પ્રયાસો તેજ કર્યા હતા. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની સરકાર રચવાની લાલચને પારખીને રાજકારણના ખંધા ખેલાડી મનાતા શરદ પવારે બંને પક્ષો સાથે સરકાર રચવા મસલતો શરૂ કરી હતી. પવારે શિવસેના સાથે જાહેરમાં જયારે ભાજપ સાથે ખાનગીમાં ચર્ચાઓ ચલાવી હતી જેનો નિર્દેશ રાજયસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એનસીપીના સાંસદોની સંસદમાં કાર્યપ્રણાલીની પ્રશંસા કરીને તેમાંથી ભાજપી સાંસદોને શીખ લેવા જણાવીને આપ્યો હતો. જેબાદ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે બેઠક યોજી હતી જે અંગે જાહેરમાં પવારે એવું કહ્યું હતુ કે તેમને મોદી સાથે મહારાષ્ટ્રના ખેડુતોની સમસ્યા મુદે ચર્ચા થઈ હતી તેમને ખેડુતો માટે ખાસ પેકેજ જાહેર કરવાની માંગણી કરી હોવાનો દાવો કર્યો હતો.

પરંતુ, રાજકીય નિરીક્ષકોએ આ બેઠકમાં પવારે વડાપ્રધાન મોદી સાથે મહારાષ્ટ્રમાં ટેકા આપવાના બદલામાં કેન્દ્રીય રાજકારણમાં ભાગીદારી માંગી હોવાનો દાવો કર્યો હતો. આ દાવો સાચો પડતો હોય તેમ ગઈકાલે એક મરાઠી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં સ્વીકાર કર્યો હતો કે વડાપ્રધાન મોદીએ તેમની સાથે કામ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. મોદીએ તેમના પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવવાની તૈયારી પણ દર્શાવી હતી. જોકે તેમને મોદીએ રાષ્ટ્રપતિની ઓફર કર્યાનો ઈન્કાર કર્યો હતો. ઉપરાંત પવારે એ પણ સ્વીકાર્યું હતુ કે તેમના વડાપ્રધાન મોદી વચ્ચેના વ્યકિતગત સંબંધો શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે. ઉપરાંત પવારે એ પણ કબૂલ્યું હતુ કે અજીત પવારે તેમની પાસે દેવેન્દ્ર ફડણવીસને મળવાની માંગી હતી રાજકારણમાં સંવાદ જળવાઈ રહે તે માટે મેં અજીતને ફડણવીસને મળવાની છૂટ આપી હતી.

શરદ પવારને રાષ્ટ્રપતિપદ જોઈતુ હોય આ પદ આપવાનો મોદીએ ઈન્કાર કરતા બંને પક્ષો વચ્ચે ગઠ્ઠબંધનની વાતો તુટી પડયાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. શરદ પવારે ઈન્કાર બાદ ભાજપે અજીત પવાર દ્વારા એનસીપીને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સતા મેળવવા અધીરા બનેલા ભાજપનો દાવ લઈને શરદ પવારે જાતે જ અજીત પવારને ભાજપ સાથે મોકલીને તેમના અને અજીત પવાર પર ઈડીમાં ચાલતા નવ કેસોને બંધ કરાવી દીધા હતા જે ગઈકાલના ઈન્ટરવ્યુમાં શરદ પવારે તેમને અજીતને ફડણવીસ સાથે મળવા જવાની મંજૂરી આપ્યાની કરેલી કબુલાતથી સ્પષ્ટ થઈ જવા પામ્યું છે.

અજીત પવારે ભાજપ સાથે રાતોરાત સરકાર રચી નાખવાનો નિર્ણય કર્યો હો અને તેનાથી ખંધા રાજકારણી ગણાતા શરદ પવાર અજાણ હોય તેવું રાજકીય પંડિતોને માનવામા આવતુ નથી. અજીત પવારે ભાજપ સાથે સરકાર રચી નાખ્યા બાદ શરદ પવારે ફરીથી પોતાની રાજકીય ચાલ ચાલીને પોતે શિવસેના, અને કોંગ્રેસ સાથે ગઠ્ઠબંધન સરકાર રચવાના મતમાં હોવાનું જાહેર કર્યું હતુ. જે બાદ અજીત પવારને રાજીનામું અપાવી દઈને ભાજપના હાથમાં રહેલી બાજીને પલટાવીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિશને પણ રાજીનામું આપવું પડયું હતુ આમ, સમગ્ર રાજકીય ઘટનાક્રમમાં શરદ પવારની ભૂમિકા ત્રણેય પક્ષોના સુપ્રીમો તરીકે ઉપસી આવી હોય તેઓ ઉધ્ધવ સરકારના સુપ્રીમો તરીકે હવે રાજ કરશે તે નિશ્ર્ચિત બની જવા પામ્યું છે.

ભાજપ અને શિવસેનાની સતા મેળવવાની લાલચમાં શરદ પવારે બંને તરફે મ્હાત આપીને પોતે નવી સરકારમાં સુપ્રીમો તરીકે ઉપસી આવીને પોતે રાજકારણના અઠંગ ખેલાડી હોવાનું પૂરવાર કર્યુ હતુ રાજકારણના એપીસેન્ટર ગણાતા મહારાષ્ટ્રમાં શરદ પવારે વિરોધી રાજકીય વિચારધારાવાળી ગઠ્ઠબંધન સરકાર રચીને દેશના રાજકારણમાં નવો ઈતિહાસ રચ્યો છે. જો આ સરકાર સફળ જશે તો દેશના રાજકારણને નવા ગઠ્ઠબંધનની દિશા મળશે જેનો જશ પવારને શિરે જશે. જે આ ગઠ્ઠબંધન નિષ્ફળ જશે તો તેની નિષ્ફળતાનું ઠીકરૂ પણ પવાર પર ફોડાશે. પરંતુ આ મહારાષ્ટ્રના આ રાજકીય ઘટનાક્રમે સાબિત કર્યું છે કે ભવિષ્યના રાજકારણને સમજવામાં ભાજપ થાપ ખાઈ રહ્યું છે. આ અંગે ભાજપી હાઈકમાન્ડ મનોમંથન નહી કરે તો આગામી દિવસોમાં દેશભરમાં પ્રસરેલી ભાજપની સત્તા સંકોચાઈ જશે તેવું રાજકીય પંડીતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.