લંડનની ગ્રીનવીચ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં દુ:ખાવામાં ‘બિયર’ને ‘પેરાસિટામોલ’ કરતા વધારે અસરકારક ગણાવ્યું
ગાંધીનાં ગુજરાતમાં કોઈપણ રીતે દારૂનો પ્રચાર યોગ્ય ગણાય નહીં. દારૂ પીવાથી કોઈનું ભલુ થતું નથી અને થવાનું નથી. સામાજીક સભ્યતા, આરોગ્ય અને ધાર્મિકતાને લઈને દારૂનું સેવન કોઈપણ સંજોગોમાં સારું નથી પણ દવાનાં રૂપમાં કયારેક કયારેક દારૂ લેવાની હિમાયત વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે. બિયર ગટગટાવવાના શોખીનો માટે પીવાનું બહાનું થઈ જાય તેવા એક સમાચારમાં બિયરની બે ઘુંટડી દુ:ખાવો દુર કરવામાં વપરાતી દવા પેરાસિટામોલની ગરજ સારે છે તેવું એક સંશોધનમાં બહાર આવ્યું છે.
યુનિવર્સિટી ઓફ ગ્રીનવીચે ૪૦૦ લોકો પર કરેલા ૧૮ જેટલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે, બિયરની બે ઘુંટડીથી દુ:ખાવામાં ૨૫ ટકા જેટલી રાહત થાય છે. દુ:ખાવામાં મગજની જ્ઞાનતંતુઓને શાંત કરી દેતુ આલ્કોહોલ દવાની ગરજ સારીને દુખાવામાં રાહતની ભ્રમણા ઉભી કરી દે છે અને દર્દીને તાત્કાલિક દુખાવામાં પેરાસિટામોલથી થતી રાહત જેવા અનુભવ થાય છે. જોકે દર્દશામક તરીકે આલ્કોહોલનો ઉપયોગ લાંબાગાળે નુકસાન કરે છે. બિયરનું સેવન અત્યારે સામાન્ય રીતે બે હેતુથી થાય છે. એક તો લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ ૦.૦૮ ટકા જેટલું નિયંત્રણ કરે છે અને બીજુ દુખાવામાં રાહત માટે બિયર પેરાસિટામોલ કરતા વધુ અસરકારક હોય છે. ડો.ટ્રિવેર થોમસને જણાવ્યું હતું કે, આલ્કોહોલ પેઈન કિલરની ગરજ સારે છે. અફીણમાંથી બનતી કોડાઈનની જેમ આલ્કોહોલ પેરાસિટામોલ કરતા દર્દમાં રાહત માટે વધુ અસરકારક કામ આપે છે. આ સંશોધનમાં બિયર કોઈપણ પેઈન કિલર કરતા વધુ સારું કામ આપે છે પરંતુ સાથે સાથે આ સંશોધનમાં એવું સ્પષ્ટ કર્યું છે કે, બિયર પણ મદિરાનું જ એક રૂપ છે. દારૂ કયારેય દાનવમાંથી દેવ બની જ ન શકે. બિયર પીવાથી પેઈનકિલરની જેમ દુખાવામાં થોડી રાહત થાય પરંતુ તે લાંબાગાળે નુકસાન તો કરે છે. દરેક દુખાવા માટે તે અત્યારે પીરાસિટામોલનો ઉપયોગ થાય છે. બિયરની બે ઘુંટડી પેરાસિટામોલની ગરજ સારે છે પરંતુ તેના ઉપયોગ ડોકટરની સલાહ વગર ન કરવાનું પણ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.