એકબાજુ ઝાલાવાડમાં ખેડુતોને માવઠાથી થયેલ નુકશાનનાં વળતરમાં સમાવેશ કરાયો નથી. સરકારે તાજેતરમાં 13થી વધુ જીલ્લાઓનાં ખેડુતો માટે સહાય જાહેર કરી છે તેમાં સુરેન્દ્રનગર જીલ્લામાં 33 ટકાથી ઓછા નુુકશાનનાં રીપોર્ટને કારણે જીલ્લાનો સમાવેશ ન કરાતા ખેડુતોમાં કચવાટની લાગણી જોવા મળે છે, તો બીજી બાજુ ખેડુતો માટે માઠા સમાચાર એ છે કે, આજથી એક મહીના સુધી નર્મદાનું સિંચાઇનું પાણી પણ મળી શકશે નહે..!જાણવા મળ્યા મુજબ સૌરાષ્ટ્રનાં મોરબી, રાજકોટ, જામનગર સહીતનાં જીલ્લાઓમાં પાણી પહોંચાડતી સૌરાષ્ટ્ર બ્રાન્ચની મુખ્ય કેનાલમાં રીપેરીંગ કાર્ય અને સફાઇ કાર્ય કરવાનું હોવાથી હાલ સિંચાઇનું પાણી બંધ કરાશે.

મુખ્ય કેનાલનાં રીપેરીંગ માટે ઝીરો(0) લેવલ લેવા પાણી બંધ કરતા અગાઉ સૌરાષ્ટ્રનાં ડેમો છલોછલ ભરી દેવાયા છે જેથી પીવાનાં પાણીનો પ્રશ્ન ઉદ્ભવશે નહી.. સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમમાં પણ પાણી છોડીને 98 ટકા જેટલો ભરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રનાં મોરબી, રાજકોટ, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહીતનાં ડેમો ભરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. આકરા ઉનાળામાં પીવાનાં પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે ડેમો ભરી દેવાયા છે. અને એક મહીના માટે પાણી છોડવાનું બંધ રાખીને નહેરોની સાફ સફાઇ અને સફાઇકામ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

બોટાદ સહિત સૌરાષ્ટ્ર – કચ્છના પાંચ જિલ્લાને સિંચાઇનું પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમમાંથી આવતીકાલે 10 મે થી સિંચાઇનું પાણી બંધ કરવાનો નિર્ણય કરાતા બોટાદ જિલ્લાના ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ થઇ છે. ગત 1 મે ગુજરાત સ્થાપના દિવસથી નર્મદાની કેનાલમાંથી સિંચાઇનું પાણી આપવાનું બંધ કરાતા તેની અસર પણ બોટાદ જિલ્લામાં થયા બાદ આ બીજો કિસાન વિરોધી નિર્ણય કરાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં નર્મદાનું પાણી પુરૂ પાડતી કેનાલોમાં આવતીકાલે 10 તારીખથી પાણી વહેવડાવવાનું બંધ કરવામાં આવનાર છે.

આથી સૌરાષ્ટ્ર – કચ્છને પાણી પુરૂ પાડતા ધોળીધજા ડેમ પીવાના પાણી માટે છલોછલ કરાયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 6 તાલુકાના 350થી વધુ ગામમાં સિંચાઇ માટે પાણી બંધ થવાને કારણે ખેડૂતોને પડયા ઉપર પાટુ મારવા જેવી સ્થિતી સર્જાઇ છે.આ ઉપરાંત બોટાદ, વલ્લભીપુર, મોરબી, રાજકોટ જિલ્લામાં એક મહિનો સિંચાઇનું પાણી બંધ થશે.આમ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પહેલા ડાયરેકટ કેનાલ માંથી જે પાણી મળતું હતું તે બંધ કર્યુ અને હવે જે ધોળીધજા ડેમ માંથી કેનાલ મારફતે સિંચાઇ માટે પાણી મળતુ હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

જે ખેડૂતોને પિયતની સગવડતા છે તેમને ઓછી મુશ્કેલી સર્જાશે પરંતુ જેમણે નર્મદાના નીરને આધારે જ વાવેતર કર્યુ છે. તેમને મોટો ફટકો પડશે. આટલુ જ નહી પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની સાથે બોટાદ, વલ્લભીપુર, મોરબી, રાજકોટ પાંચ જિલ્લામાં પણ સિંચાઇ માટે પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.